રાહુલ ગાંધી : મોદીએ પાછલા બારણે ચોરોનું કાળું નાણું સફેદ કર્યું

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસની ગુજરાત યાત્રા પર છે. સાબરકાંઠાના ખેડબ્રહ્યામાં તેમણે જાહેરસભાને સંબોધી હતી.

જેમાં રાહુલે કહ્યું કે એક ઉદ્યોગગૃહને રૂ.35 હજાર કરોડ આપ્યાં છતાંય રસ્તા પર એક પણ નેનો કાર નથી દોડી રહી.

તેમણે જીએસટીનો દર મહત્તમ 18 ટકા કરવાની જાહેરાત પણ કરી હતી.

ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓના અનુસંધાને ચોથી વખત ગુજરાતની મુલાકાત લઈ રહ્યાં છે.

તમને આ પણ વાંચવું ગમશે

9મી ડિસેમ્બર અને 14મી ડિસેમ્બરના બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. જ્યારે 18મી ડિસેમ્બરના ચૂંટણી પરિણામો આવશે.

રાહુલ ગાંધીના ભાષણના મુખ્ય મુદ્દા

  • અમે મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ઍમ્પ્લૉયમૅન્ટ ગેરંટી એક્ટ) માટે રૂ. 35 હજાર કરોડની ફાળવણી કરીને કરોડો લોકોને રોજગારી આપી, જ્યારે મોદી સરકારે એક જ ઉદ્યોગ ગૃહને આટલી રકમ આપી દીધી.
  • મોદી સરકારે રૂ. 35 હજાર કરોડ, જનતાની જમીન, વીજળી અને પાણીની લહાણી કરી છે. ગુજરાતમાં હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છતાંય હજુ સુધી રસ્તા પર એકપણ નેનો કાર જોવા નથી મળી.
  • ઉદ્યોગગૃહોને આપવામાં આવેલા હજારો કરોડ રૂપિયા જો શિક્ષણ પાછળ ખર્ચવામાં આવ્યા હોત તો આજે સામાન્ય નાગરિકે શિક્ષણ પાછળ લાખો રૂપિયા ન ખર્ચવા પડતા હોત.
  • હજારો કરોડ માત્ર પાંચ લોકોને આપવામાં આવ્યા છે. તેના બદલે જો નાના અને મધ્યમ ઉદ્યોગગૃહોને આપવામાં આવ્યા હોત તો હજારો નવા રોજગારનું સર્જન થયું હોત.
  • ભારતની સીધી સ્પર્ધા ચીન સાથે છે. ત્યારે ચીનમાં સરકાર દરરોજ 50 હજાર લોકોને રોજગાર આપે છે, જ્યારે મોદી સરકાર દૈનિક માત્ર 450 લોકોને રોજગાર આપે છે. આઠ વર્ષમાં સૌથી વધુ બેરોજગારીનો દર હાલમાં પ્રવર્તી રહ્યો છે.
  • ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8મી નવેમ્બરે આખા દેશને લાઇનમાં ઊભો કરી દીધો. જ્યારે ખુદ મોદીજીએ પાછલા દરવાજે ચોરોનું કાળું નાણું સફેદ કરી દીધું. લાખો લોકો બેરોજગાર થઈ ગયા અને 100થી વધુ લોકોનાં મૃત્યુ થયાં.
  • કોંગ્રેસની સરકાર સત્તા પર આવશે તો ગબ્બરસિંહ ટેક્સ ઘટાડશે. તેનો મહત્તમ દર 18 ટકાનો રાખવામાં આવશે.

રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા

કોંગ્રેસના ઉપાધ્યક્ષ ચૂંટણીઓના અનુસંધાને ચોથી વખત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ ત્રણ દિવસ માટે ગુજરાતમાં છે.

શનિવારે રાહુલ ગાંધીએ ગાંધીનગરના અક્ષરધામ ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ રસ્તામાં હાઈવે પર ચા-નાસ્તો કર્યા હતા.

આગામી ત્રણ દિવસ દરમિયાન તેઓ પાંચ જેટલા મંદિરોની મુલાકાત લેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો