મોદી સરકાર ‘બીજી નોટબંધી’ માંગી રહી છે, શું છે સચ્ચાઈ?

    • લેેખક, વિકાસ ત્રિવેદી
    • પદ, બીબીસી સંવાદદાતા

નરેન્દ્ર મોદી સરકાર નવો કાયદો લાવી રહી હોવાની ચર્ચા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. કેટલાક લોકો તેને 'બીજી નોટબંધી' ગણાવી રહ્યા છે.

ફાઇનાન્સિયલ રિઝૉલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યૉરન્સ (એફઆરડીઆઈ) ખરડા બાબતે મીડિયા રિપોર્ટ્સમાં અનેક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના આધારે ઉપરોક્ત વાતો ચાલી રહી છે.

બેંકો કાચી પડે ત્યારે ડિપોઝિટરોની બેન્કમાં જમા રકમ બાબતે જે જૂના નિયમો છે, તેમાં ફેરફાર કરવાની જોગવાઈ નવા ખરડા હોવાની વાતો પણ ચાલી રહી છે.

હાલના નિયમ મુજબ, કોઈ સરકારી બેંક દેવાળું ફૂંકે તો દરેક ખાતેદારને કમસેકમ એક લાખ રૂપિયા પાછા આપવા સરકાર વચનબદ્ધ હોય છે.

તેનો અર્થ એ થાય કે બેંક દેવાળું ફૂંકે, ત્યારે ખાતેદારના ખાતામાં બે લાખ રૂપિયા જમા હોય તો તેને કમસેકમ એક લાખ રૂપિયા પાછા મળવાની ગૅરન્ટી છે.

એફઆરડીએ ખરડો સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવ્યો હતો, પણ તેમાંની કેટલીક જોગવાઈઓ બાબતે નિષ્ણાતોથી માંડીને સંસદસભ્યો સુધીના બધા લોકોએ ભિન્નમત વ્યક્ત કર્યો હતો.

તેથી સરકારે એ ખરડાનો મુસદ્દો સંસદની સ્થાયી સમિતિને મોકલવો પડ્યો હતો. સંસદની સ્થાયી સમિતિ શિયાળુ સત્રમાં તેનો અહેવાલ આપશે એવું કહેવામાં આવે છે.

શું છે આ ખરડો?

સીનિયર આર્થિક પત્રકાર પ્રંજોય ગુહા ઠાકુરતાએ કહ્યું હતું, "આ ખરડાને કારણે બેંકોમાંથી લોકોનો ભરોસો ઉઠી જશે.

"નોટબંધી ભારતીય સમાજના સૌથી નબળા વર્ગ માટે અત્યંત ખરાબ સાબિત થઈ હતી. સરકારે જે દાવાઓ કર્યા હતા એ ખોટા સાબિત થયા હતા.

જે રીતે નોટબંધી લોકહિત વિરુદ્ધની હતી એ જ રીતે આ પણ એક પ્રકારની નોટબંધી જ છે, એવું હું માનું છું.''

ખરડા બાબતે શંકા શા માટે?

નવા ખરડામાં બેલ-ઈન નામની એક જોગવાઈ છે. એ વિશે પ્રંજોય ગુહા ઠાકુરતાએ કહ્યું હતું, "આ જોગવાઈને આવી રીતે સમજવી જોઈએ કે બેન્કની ખોટ વધી જાય તો બેંક તે ખોટની ભરપાઈ સામાન્ય લોકોના નાણાંમાંથી કરીને ખુદને બચાવવાનો પ્રયાસ કરી શકે."

આર્થિક બાબતોના જાણકાર એમ. કે. વેણુએ કહ્યું હતું, "બેલ-ઈન બાબતે સોશિઅલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં સૌથી વધુ અસમંજસ પ્રવર્તે છે.

"બેલ-ઈન જોગવાઈ સંબંધે લોકોની શંકા વાજબી છે. એ જોગવાઈ મુજબ, સરકાર જમાકર્તાના નાણાં થોડા સમય માટે રોકી શકે છે.

"નોટબંધીને કારણે લોકોના મનમાં સરકારની જે ઇમેજ બની હતી અને ભય સર્જાયો હતો, તેવું બેલ-ઈનને લીધે થઈ રહ્યું છે. તેનું કારણ છે મુસદ્દાની ભાષા.

"નાણા પ્રધાન અરુણ જેટલીએ આ સંબંધે આગામી સમયમાં સ્પષ્ટતા કરવાની વાત કરી છે."

'અંબાણી, માલ્યાનું કરજ પણ સામાન્ય લોકો ચૂકવે'

એમ. કે. વેણુએ કહ્યું હતું, "હાલના મુસદ્દા મુજબ, નાણાકીય કટોકટીના સંજોગોમાં સરકાર ખાતેદારોને તેમના બેન્કમાં જમા નાણાં થોડા સમય માટે નહીં ઉપાડવા જણાવી શકે.

"તેનાથી ખાતેદારો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. સરકારે આ ખરડામાંની જોગવાઈઓ વિશેનો પોતાનો ઇરાદો આગામી સમયમાં સ્પષ્ટ કરવો જોઈએ."

પ્રંજોય ગુહા ઠાકુરતાએ કહ્યું હતું, "આ ખરડાને રજૂ કરવાનો પ્રયાસ જ ઘણો ખોટો છે. બેંકો પોતાની ભૂલ માટે ખાતેદારો પાસેથી નાણાં વસૂલવાની તૈયારી કરી રહી છે.

"બેંકોએ લોકોને આપેલી લોન ભરપાઈ થાય કે નહીં, સરકારે આ ખરડો પાછો ખેંચવો જોઈએ.

"બેંકોએ કોર્પોરેટ ગૃહોના માલિકોને આ પૈસા આપ્યા હતા. તેથી તેમની નોન-પર્ફૉર્મિંગ ઍસેટ (એનપીએ)માં વધારો થયો છે.

"તેમાં અંબાણી, અદાણી, જેપી અને વિજય માલ્યા જેવા અબજોપતિઓના નામ સામેલ છે.

"બેંકોએ પૂંજીપતિઓને પૈસા આપ્યા હતા અને હવે એ માટે સામાન્ય લોકોની મહેનતના નાણાં દાવ પર લગાવવામાં આવી રહ્યાં છે. આ અનૈતિક વાત છે."

સરકારને ખબર છે

જોકે, બેલ-ઈન વિશે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી હોવા બાબતે સરકાર વાકેફ છે. કદાચ એ કારણસર જ નાણાં મંત્રાલયે ગુરૂવારે એક નિવેદન બહાર પાડ્યું હતું.

એ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું, "બેલ-ઈન બાબતે મીડિયામાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખરડામાં જમાકર્તાઓના નાણાં વિશે જે જોગવાઈ છે તેમાં સલામતીના હેતુસર વિશેષ પારદર્શકતાની વ્યવસ્થા કરવામાં આવી છે."

નાણાં પ્રધાન અરુણ જેટલીએ પણ બુધવારે આ સંબંધે ટ્વીટ કરી જણાવ્યું હતું, "એફઆરડીઆઈ ખરડા-2017 સંબંધે સરકારનો હેતુ નાણાકીય સંસ્થાઓ અને જમાકર્તાઓના હિતનું રક્ષણ કરવાનો છે. સરકાર એ હેતુ બાબતે પ્રતિબદ્ધ છે."

શું છે એફઆરડીઆઈ ખરડો?

નાણાં પ્રધાન અરુણ જેટલી 2016-17ના બજેટ ભાષણમાં આ ખરડાનો પહેલીવાર ઉલ્લેખ કર્યો હતો. નાણા મંત્રાલયનો દાવો છે કે, નાણાકીય સંકટની સ્થિતિમાં આ ખરડો ગ્રાહકો અને બેન્કોના હિતનું રક્ષણ કરશે.

• આ ખરડા અનુસાર, રિઝૉલ્યૂશન કૉર્પરેશનની રચના કરવામાં આવશે.

• બેંકો કાચી પડે ત્યારે રિઝૉલ્યૂશન કૉર્પરેશન એક નિશ્ચિત પ્રમાણમાં જમા થયેલાં નાણાંનું રક્ષણ કરશે. જોકે, ખરડાના વર્તમાન મુસદ્દામાં આ બાબતે કશું સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી.

• કોઈ નાણાકીય સંસ્થાને 'સંકટગ્રસ્ત' જાહેર કરવામાં આવતાંની સાથે જ તેના વહીવટની જવાબદારી સંભાળીને એ નાણાકીય સંસ્થાને એક વર્ષમાં ફરી પગભર કરવાના પ્રયાસ રિઝૉલ્યૂશન કૉર્પરેશન કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો