You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કયા વિશ્વાસના આધારે શાહ કરે છે 150+નો દાવો?
- લેેખક, માનસી દાશ
- પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી
સમગ્ર દેશની નજર ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીઓ પર છે. આગામી નવમી ડિસેમ્બરે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે.
પોતાના જ ગૃહરાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને નરેન્દ્ર મોદીથી ગુજરાતના મતદારો અને પ્રજા નારાજ છે. આ નારાજગી ચૂંટણીનાં પરિણામોમાં જોવાં મળશે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
તમને આ પણ વાંચવું ગમશે
બીજી બાજુ, રાહુલ ગાંધી અને ત્રણ યુવા નેતાઓને (હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી) પ્રજાનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યાના સંકેતો સાંપડી રહ્યા છે.
લોકોનું માનવું છે કે આ ચારેય યુવા નેતાઓ આ વખતની ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીઓમાં ભાજપને ભારે ટક્કર આપી રહ્યા છે.
ઉપરોક્ત વિરોધાભાસી પરિસ્થિતિમાં પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને વિશ્વાસ છે કે ગુજરાતમાં તેમની પાર્ટી 150 બેઠકોથી વધારે જીતશે.
તાજેતરમાં 151માં નંબરની ગુજરાત વિધાનસભાની વાગરા બેઠક પરથી ચૂંટણીના પ્રચાર-પ્રસાર પ્રવાસ દરમ્યાન શાહે કહ્યું હતું, "મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં અમે 151 બેઠકો જીતી શકીશું.
તાજેતરમાં શાહે એક ટીવી ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું, "150 થી વધારે બેઠકો જીતી ભાજપ જ સરકાર બનાવશે અને હું આ બાબતે ખોટો ન પડી શકું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાવાના કારણો?
રાજકીય વિશ્લેષક વિદ્યુત ઠાકર માને છે કે 151 બેઠકો તો ભાજપને નહીં મળે, પરંતુ એનો અર્થ એ પણ નથી કે ભાજપના હાથમાંથી આ વખતે બહુમતી ઝૂંટવાઈ જશે.
ઠાકર કહે છે કે, આ વખતે ભાજપને 115 થી 120 બેઠકો તો ચોક્કસ મળશે જ.
ઠાકર કહે છે કે ભાજપ પાસે ત્રણ-ચાર એવા પ્રકારનાં શસ્ત્રો છે જેનો તોડ કોંગ્રેસ પાસે નથી.
ઠાકરે કહ્યું, "સૌથી મોટું શસ્ત્ર ભાજપ પાસે એ છે કે તેમની પાસે નરેન્દ્ર મોદી છે જે ગુજરાતની અસ્મિતાનું પ્રતીક છે. મોદી હુકુમનો એક્કો છે અથવા તો કહી શકાય કે મોદી પાર્ટીનું ટ્રમ્પ કાર્ડ છે.”
"મોદી ગુજરાતના લોકોનાં જનમાનસ પર એ રીતે છવાયેલા છે કે તેમની વાત માનશે."
પ્રતિબદ્ધ મતદારો
વિદ્યુત ઠાકરનું માનવું છે કે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની તરફેણમાં એક રીતે હકારાત્મક વાતાવરણ તો પેદા કર્યું છે.
શું તેનો લાભ ઉઠાવવા કોંગ્રેસ હજુ તૈયાર છે? તેવા પ્રશ્નના જવાબમાં ઠાકર 'ના' પાડે છે.
ઠાકર કહે છે, "મોદી પાસે પાસે બહુ મોટી વ્યવસ્થા છે, કાર્યકર્તાઓની એક મોટી ફોજ છે. આ કાર્યકર્તાઓની ફોજ લોકો પાસે ઘેર ઘેર જઈને મોદીનો સંદેશ પહોંચાડવા માટે મદદરૂપ થાય છે.”
"ભાજપના વિરોધી પક્ષો પાસે આવી વિશાળકાય અને અસરકારક વ્યવસ્થા છે જ નહીં."
ત્રીજું કારણ આપતા ઠાકર કહે છે, "ભાજપ પાસે એટલે કે મોદી પાસે પ્રતિબદ્ધ મતદાતાઓની વોટબૅન્ક છે, જે તેમને (ભાજપને અથવા મોદીને) જ મત આપે છે.
"આ પ્રતિબદ્ધ મતદારોને એ બાબતથી કોઈ ફર્ક નથી પડતો કે ચૂંટણીમાં કયો અને કોણ ઉમેદવાર છે."
યુવા નેતા ક્યાં છે પ્રચારમાં?
વિદ્યુત ઠાકર કહે છે કે યુવા નેતાઓની તરફ આશાભરી મીટ માંડીને જોવાનું કોઈ કારણ નથી રહ્યું.
બંન્ને યુવા નેતાઓ અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી તેમના જ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.
ઠાકરે જણાવ્યું, "આ બંને નેતાઓએ ચૂંટણી લડવાનો નિર્ણય જ્યારથી કર્યો છે, ત્યારથી ભાજપે આ બંન્ને નેતાઓને સ્થાનિક પ્રશ્નોમાં અટવાયેલા રાખ્યા છે."
ઠાકર પૂછે છે કે, આ બંન્ને નેતાઓ તેમના મત-વિસ્તારથી બહાર નીકળી શકતા નથી તો પ્રચાર કેવી રીતે કરશે?
વાસ્તવિકતા જુદી
અમદાવાદ સ્થિત વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ માને છે કે અમિત શાહનો આત્મવિશ્વાસ ગુજરાતની જમીન પરની વાસ્તવિકતાથી અલગ દેખાય છે.
ખરેખર ભાજપની સ્થિતિ અહીં બહુ ખરાબ છે. દયાળ કહે છે કે અમિત શાહની 150થી વધુ બેઠકો મેળવવાના દાવા વિશે ગુજરાતમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
ઈવીએમનો મુદ્દો
આ અઠવાડિયે ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યોજાયેલી ચૂંટણીઓના પરિણામો પછી આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે જ્યાં બેલટ પેપરથી ચૂંટણી યોજવામાં આવી હતી, ત્યાં આમ આદમી પાર્ટી વિજયી થઈ છે.
આમ આદમી પાર્ટીનો દાવો છે છે કે, બીજા દળોને મળતા મતોના એક ટકા જેટલા મતો આમ કે તેમ થાય તો બીજા પક્ષમાં એ મતોનો ઉમેરો થાય છે. આ મતોનું ધ્રુવીકરણ છે પરંતુ નાના પાયે.
પ્રશાંત દયાળ કહે છે, "ફરીથી ચર્ચા થઈ રહી છે કે વાસ્તવિકતા જુદી હોય અને એવી પરિસ્થિતિમાં અમિત શાહ દાવા કરે છે કે તેઓ 151 બેઠકો લાવશે તો લોકોના મનમાં આશંકાઓ ઉપજી રહી છે કે આ લક્ષ્યાંક પાર કરવા માટે શક્ય છે કે ઈવીએમમાં છેડછાડ થશે."
તમને આ પણ વાંચવું ગમશે
જ્યાં પણ ભૂતકાળમાં ચૂંટણી થઈ છે અને જ્યાં જ્યાં ભાજપ જીત્યું છે, ત્યાં ભાજપે ઈવીએમ સાથે છેડછાડ કરી હોય તેવા કોઈ સજ્જડ પુરાવાઓ મળ્યા નથી, તેવું પણ દયાળ સ્પષ્ટપણે કહે છે.
દયાળ માને છે કે શહેરી વિસ્તારોમાં ભાજપ માટે એટલી મુશ્કેલીઓ નથી જેટલી ગ્રામ્ય વિસ્તારોમાં છે. તેઓ કહે છે કે બંને વિસ્તારોના મતદારો, લોકો અને પ્રજાના મુદ્દા અલગઅલગ છે.
દયાળ કહે છે કે શહેરી મતદારો માટે સમસ્યા રોજગાર, પાણી, પાવર અથવા રોડ નથી.
ગ્રામ્ય વિસ્તારમાં નારાજગી
પ્રશાંત દયાળનું કહેવું છે, "અહીં જનતાના મનમાં અસુરક્ષાની લાગણી છે."
ભાજપે લોકોના મનમાં ડર બેસાડી દીધો છે કે કોંગ્રેસ જો પાછી સત્તામાં આવશે તો ગુજરાતમાં ફરી કોમી હુલ્લડો થશે અને કર્ફ્યૂ લાગવા માંડશે.
શહેરી મતદારો પોતાની સુરક્ષા સાથે જોડાયેલી સમસ્યાઓ સાથે લડી રહ્યા છે.
ગ્રામીણ વિસ્તારના મતદારો વિષે દયાળ કહે છે કે અત્યાર સુધી ભાજપના દાવા પ્રમાણે, ગ્રામ્ય વિસ્તારના મતદારો માનતા હતા કે તેમના વિસ્તારમાં જે પરિસ્થિતિ છે તેના માટે કોંગ્રેસ જવાબદાર છે.
દયાળ કહે છે, "પરંતુ હવે ગ્રામીણ વિસ્તારોના મતદારો આ પ્રશ્ન કરતા થયા છે કે છેલ્લા 22 વર્ષોમાં રાજ્યમાં સત્તા પર ભાજપ બિરાજમાન છે અને છેલ્લાં ત્રણ વર્ષથી કેન્દ્રમાં મોદી છે. એટલે હવે જ્યાં ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપો કરવામાં આવે છે, ત્યારે લોકોને આ વાત પચતી નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો