You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધી તેમની ચોટલી અને તિલક ક્યારે દેખાડશે?
- લેેખક, રાજેશ જોશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
જનોઈની એક ખાસ વાત છે. જનોઈધારી વ્યક્તિ ઉઘાડા શરીરે પૂજા-અર્ચના અને હવન કરતા હોય, કે જનોઈ કાને ચડાવીને લઘુ કે ગુરૂશંકાનું નિવારણ કરતા હોય, કે કોઈ તેમના સંસ્કારને લલકારે, ત્યારે જ જનોઈ બહાર દેખાતી હોય છે.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના હિન્દુ સંસ્કારોને લલકારવામાં આવ્યા, ત્યારે તેમની જનોઈનું રહસ્ય બહાર આવ્યું હતું.
ગુજરાતની કસોકસની ચૂંટણીના પ્રચાર દરમ્યાન રાહુલ સોમનાથ મંદિરના દર્શને ગયા, ત્યારે આ વાત બહાર આવી હતી. મેં રાહુલ ગાંધીની જનોઈ ક્યારેય જોઈ નથી.
જોકે, હવે નેતાઓમાં પોતપોતાની જનોઈ દેખાડવાની હરિફાઈ શરૂ થાય અને તેઓ યજ્ઞ-હવન કરતી વખતે કે કોઈ કારણસર પોતાના કુર્તા ઉતારીને યુ-ટ્યૂબ પર તેમની જનોઈનું દેખાડતા દેખાય તો આશ્ચર્યચકિત થશો નહીં.
ભારતીય રાજકારણે છેલ્લા ત્રણ વર્ષમાં લાંબી મજલ કાપી છે.
તમને આ પણ વાંચવું ગમશે
નવું ફેશન સ્ટેટમેન્ટ
અર્ધ ચંદ્રાકાર, જાળીવાળી ટોપી નહીં, પણ ખભા પર પડેલી જાડી જનોઈ હવે ભારતીય રાજકારણનું નવું ફેશન સ્ટેટમેન્ટ છે.
જોકે, જનોઈને ફેશન સ્ટેટમેન્ટ બનાવવામાં ઘણાં જોખમ અને પડકારો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જનોઈ જાળીવાળી ટોપી નથી કે ,જેને પહેરીને પાછલાં વર્ષોમાં અર્જુન સિંહ, અટલ બિહારી વાજપેયી, નીતિશ કુમાર અને લાલુપ્રસાદ યાદવ જેવા કોઈ પણ નેતા રાજી થઈને ઇફ્તાર પાર્ટીઓ આપતા હતા.
જાળીવાળી ટોપીને તેમની ધર્મનિરપેક્ષતાનું સર્ટિફિકેટ ગણવામાં આવતી હતી. રાજકારણના નવા દૌરમાં જનોઈના વારસદાર કોને ગણવા?
રામવિલાસ પાસવાન, ઉદિત રાજ અને પ્રકાશ આંબેડકર જેવા દલિત નેતાઓને પણ રાહુલ ગાંધીની માફક જનોઈ પરંપરાના વાહક હોવાની છૂટ આપવામાં આવશે?
પોતાની જનોઈના રહસ્ય પરથી રાહુલ ગાંધીએ જાતે પડદો ઉઠાવ્યો ન હતો. તેમના વતી એ કામ કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને કર્યું હતું.
તેમણે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ને છૂપાઈને હુમલો કરતો કાયર પક્ષ ગણાવ્યો હતો.
સુરજેવાલાએ પત્રકારો સમક્ષ એવું રહસ્યોદ્ઘાટન પણ કર્યું હતું, ''રાહુલ ગાંધી માત્ર ધર્મે જ હિન્દુ નથી, તેઓ જનોઈધારી હિન્દુ છે.''
વર્ણ વ્યવસ્થાને કારણે કરોડો જાટવ, વાલ્મીકિ, ખટિક, નિષાદ અને રાજભર યુવાનોને જનોઈ પહેરવાની છૂટ નથી.
ઉપરોક્ત જાહેરાત કરતી વખતે સુરજેવાલાનું ધ્યાન એ યુવાનો પર નહીં ગયું હોય.
આર્ય સમાજે દલિતોને જનોઈ પહેરાવવાનું અને ગાયત્રી મંત્રનો પાઠ કરતા કરવાનું અભિયાન દાયકાઓ પહેલાં શરૂ કર્યું હતું, પણ તેને કારણે વર્ણ વ્યવસ્થાના આકરા નિયમો બદલાયા ન હતા.
સંઘને મજા પડી હશે
સોનિયા ગાંધી પછીના 'સેક્યુલર' કોંગ્રેસના સૌથી મોટા નેતાની 'ઉચ્ચવર્ણીય' હિન્દુ ઓળખની ખુલ્લેઆમ જાહેરાતથી નાગપુરમાં બેઠેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પદાધિકારીઓને નિશ્ચિત રીતે મજા પડી ગઈ હશે.
કેશવ બલિરામ હેડગેવારથી માંડીને મોહન ભાગવત સુધીના આરએસએસના પદાધિકારીઓની તમામ પેઢી છેલ્લા નવ દાયકાથી આ દિવસની રાહ જોતી હતી.
તેમનો નારો પણ છે કે ''જો હિન્દુ હિતકી બાત કરેગા, વહી દેશ પર રાજ કરેગા.'' તેનો ખાસ અર્થ કરી શકાય.
માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી કાલે સવારે જાહેરાત કરે કે તેઓ રોજ સવારે ગાયત્રી મંત્રનો પાઠ કરીને જ મોંમાં અન્નનો દાણો મૂકે છે તો આરએસએસ તેમના પ્રત્યે નરમ વલણ અપનાવે એવી આશા રાખી શકાય.
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ડી. રાજા આદેશ આપે કે તેમના પક્ષના તમામ કાર્યકરો નવરાત્રી દરમ્યાન નવ દિવસનું વ્રત રાખશે તો આરએસએસનું તેમના પ્રત્યેનું વલણ પણ બદલાવાની આશા રાખી શકાય.
રાહુલ ગાંધી જનોઈ પહેરે છે કે કેમ એ કોઈ નથી જાણતું. જોકે, રાહુલ ગાંધી જનોઈધારી હોવાની બાબતને કોંગ્રેસ એક રાજકીય પ્રત્યાઘાતની જેમ રજૂ કરી રહી છે.
કોંગ્રેસનો પ્રત્યાઘાત સંઘ પરિવારની હિન્દુ હિતની પરિભાષાને એકદમ અનુકૂળ છે. તેમાં આરએસએસને કોઈ વાંધો નહીં હોય.
સંઘને ગાંધીજી સામે શું વાંધો હતો?
મોહનદાસ કરમચંદ ગાંધી બિરલા ભવનની પ્રાર્થના સભાઓમાં રોજ સાંજે જે હિન્દુ વિચારનો પ્રચાર કરતા તેની સામે આરએસએસને વાંધો હતો, તેનો ભય હતો.
નાથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી તેના દસ દિવસ પહેલાં એટલે કે 1948ની 20 જાન્યુઆરીએ મદનલાલ પાહવાએ મહાત્મા ગાંધીની પ્રાર્થના સભામાં બોમ્બ વિસ્ફોટ કર્યો હતો.
એ વિસ્ફોટ પછી ગાંધીજીએ કહ્યું હતું, "આ યુવાન(પાહવા)ની પાછળ જે સંગઠન છે, તેને હું જણાવવા ઇચ્છું છું કે તમે આ રીતે હિન્દુ ધર્મને બચાવી નહીં શકો.
"મારો દાવો છે કે હું જે કામ કરી રહ્યો છું તેનાથી જ હિન્દુ ધર્મ બચશે.''
સુરજેવાલાને એવી ગેરસમજ છે કે રાહુલ ગાંધીની જનોઈ દેખાડીને નરેન્દ્ર મોદી પાસેથી હિન્દુત્વના રાજકારણની પહેલને છીનવી શકાશે.
દેશ પર રાજ કરવાનાં સપનાં નિહાળવાં હોય તો હિન્દુ હિતની વાત તો કરવી જ પડશે, એ વાત રાહુલ ગાંધીને પણ સમજાઈ ગઈ હોય એવું લાગે છે.
ઇફ્તાર પાર્ટીમાં મુસલમાનોની જાળીવાળી ટોપી પહેરવા કરતાં જનોઈધારી હિન્દુ બનવાનું એમને વધારે આસાન અને લાભકારક લાગે છે.
આ સંજોગોમાં ગુજરાતની ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધી અને કોંગ્રેસના કોઈ પણ નેતા પાસેથી, નરોડા પાટિયા કે બેસ્ટ બેકરી જઈને 2002ના હુલ્લડમાં કચડી નાખવામાં આવેલા મુસલમાનોના હાલ જાણવાની આશા રાખી શકાય?
સંઘનો હિન્દુત્વનો એજન્ડા
આ બધાનો અર્થ એ છે કે આરએસએસએ બાજી પાથરી દીધી છે અને રાજકીય હિન્દુત્વનો એજન્ડા નક્કી કરી નાખ્યો છે.
આરએસએસએ બિછાવેલી આ બાજી પર ટકી રહેવા માટે કોંગ્રેસી નેતાઓએ ખુદને સંઘના નેતાઓથી પણ મોટા હિન્દુત્વના તરફદાર સાબિત કરવા પડશે.
આરએસએસના પ્રખર પ્રચારક તરીકે કાર્ય કરી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના વડા અમિત શાહે જે રાજકારણની શરૂઆત કરી છે, તેમાં મુસલમાન મતદાતાઓ હાંસિયા પર ધકેલાઈ ગયા છે.
હવે 'હિન્દુત્વ' પ્રત્યે નિષ્ઠા દેખાડવાની હોડ શરૂ થઈ છે. આ રાજકીય બાજીમાં નરેન્દ્ર મોદી પોતાની મરજી મુજબ વિચરણ કરે છે અને ઇચ્છે તેવી ચાલ ચાલે છે.
નરેન્દ્ર મોદીને ઇચ્છા થાય ત્યારે તેઓ રાજકીય ચર્ચાને કબ્રસ્તાન અને સ્મશાન ભણી વાળી દે છે. તેઓ ઇચ્છે ત્યારે પંડિત જવાહરલાલ નેહરુને સોમનાથ મંદિરના વિરોધી તરીકે પ્રસ્તુત કરે છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે નરેન્દ્ર મોદીએ જાળીવાળી ટોપી પહેરવાનો ઇન્કાર કર્યો હતો.
જોકે, હવે તેઓ ઇચ્છે ત્યારે વિદેશી મહેમાનોને અમદાવાદની મસ્જિદ દેખાડવા લઈ જાય છે. તેઓ આ બધું કોઈ રાજકીય દબાણને કારણે નહીં, પણ પોતે ઇચ્છે ત્યારે કરે છે.
બીજી તરફ મોગલોને ઇતિહાસના પુસ્તકોમાંથી દૂર કરવાની અને તાજમહેલને તેજો મહાલય શિવમંદિર સાબિત કરવાની ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે.
હિન્દુત્વની હોડને રાહુલ આગળ વધારશે?
હિન્દુત્વની હોડ અહીં સુધી પહોંચી ગઈ છે, ત્યારે રાહુલ ગાંધી તેને આગળ વધારી શકે છે.
જે રીતે રાહુલ ગાંધી તેમના કૂતરા પિદ્દીને બિસ્કિટ ખવડાવતા હોય તેવો વીડિયો સોશિઅલ મીડિયા પર અપલોડ કરે છે.
તેને ધ્યાનમાં લેતાં તેઓ ચોટલી વધારે, તિલક લગાવે, ઉઘાડા શરીર પર મોટી જનોઈ પહેરીને દુર્ગા સપ્તશતી કે શિવસ્તોત્રનો પાઠ કરતા હોય તેવો વીડિયો યુ-ટ્યૂબ પર અપલોડ કરે તો દેશનું રાજકારણ કેટલું રસિક બની જશે તેની કલ્પના કરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો