You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેટલું સ્વચ્છ થયું પીએમ મોદીનું પોતાનું ઘર વડનગર?
- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદાતા, વડનગરથી
ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી રાષ્ટ્રવ્યાપી યોજના 'સ્વચ્છ ભારત અભિયાનનો ચળકાટ વડાપ્રધાનના વતન વડનગર સુધી પહોંચતા જ ફિક્કો પડેલો જણાય છે.
નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ હોવાથી ગુજરાત સરકાર તેને પર્યટન સ્થળ તરીકે વિક્સાવી રહી છે.
ત્યારે આ વડનગરના 'રોહિતવાસ'માં પ્રવેશતા જ સ્માર્ટ ફોન પર 'વડનગર વાઈ-ફાઈ'નું સિગ્નલ જોવા મળે છે.
પરંતુ શૌચાલયનું પૂછતાં જ સ્થાનિકો તમને એક ખુલ્લા મેદાન તરફ લઈ જાય છે.
તમને આ પણ વાંચવું ગમશે
ખુલ્લામાં કુદરતી હાજતેજવા મજબૂર મહિલાઓ
સુમન, હેત્વી, મોનિકા, બિશ્વા , અંકિતા અને નેહા વડનગરના રોહિતવાસમાં રહે છે અને શાળાએ જતી વિદ્યાર્થિનીઓ છે.
શૌચાલય વિશે આ છોકરીઓને પૂછતાં જ તેઓ નજીકના ખુલ્લા મેદાનમાં લઈ ગઈ. તેમણે કહ્યું કે રોજ તેમને શૌચાલય માટે અહીં જ આવવું પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડોદરાના 30 વર્ષનાં દક્ષાબેન કહે છે કે રોહિતવાસમાં બધીય ગટર ખુલ્લી જ રહે છે. તેઓ કહે છે, "નાની છોકરીઓ સાથે મોટી છોકરીઓને પણ ખુલ્લામાં જ કુદરતી હાજતે જવું પડે છે."
"ન તો અમારી પાસે ઘર છે કે ન તો અમારા માટે શૌચાલય બનાવવા કોઈ આવ્યું છે."
વાયદા પૂરા નથી થયા
નિર્મલાબેન કહે છે કે મોદી સરકારે તેમને જે વાયદા કર્યા હતા તે આજ સુધી પૂરા નથી થયા.
તેઓ કહે છે "અમને કહેવાયું હતું કે બધા માટે ઘર હશે અને શૌચાલય પણ બનાવાશે. પરંતુ આ બન્ને વાયદા પૂરા નથી થયા."
આ વર્ષે આઠમી ઑક્ટોબરના વડાપ્રધાનના વડનગર પ્રવાસનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે ચૂંટણી આવી એટલે તેમને યાદ આવ્યું કે ચલો આપણા જૂના ગામ વડનગર ફરી આવીએ.
"આટલાં વર્ષોમાં કોઈ અમારી ફરિયાદ સાંભળવા પણ નથી આવ્યું."
વડનગરવાસીઓ અનુસાર ત્રીસ હજારની વસતી ધરાવતા અને નગરપાલિકાનો દરજ્જો ધરાવતા ગામમાં અત્યારે 500 ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા નથી.
શૌચાલય વગરના મોટા ભાગના ઘર દલિત અને પછાત જાતિના વિસ્તારો જેવા કે રોહિતવાસ, ઠાકોરવાસ, ઓડવાસ, ભોઈવાસ અને દેવીપૂજકવાસમાં આવેલા છે.
કરોડોની યોજના પણ જીવન કેટલું બદલાયું?
ખુલ્લા નાળાં, બ્લોક થઈ ગયેલી ગટર અને તૂટેલા રસ્તા વચ્ચેથી જ્યારે હું રોહિતવાસમાં આગળ વધી તો ઘરની બહાર કપડાં ધોતી મહિલાઓ સાથે વાત થઈ.
વડનગરને ઐતિહાસિક પર્યટન સ્થળ બનાવવાની સાથે શહેરને મેડિકલ અને ટેક્નિકલ સુવિધાથી સજ્જ કરવા કેન્દ્ર સરકારે વિકાસના કાર્યો માટે 550 કરોડ રૂપિયાના ફંડની ફાળવણીની જાહેરાત કરી હતી.
જેમાં 450 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી નવી હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજ પણ આવી જાય છે.
કુદરતી હાજતે જતી વખતે લઈ જતા લાલ ડબ્બાને બતાવતા સીત્તેર વર્ષના માનીબેનના જીવનમાં આ બધી જ જાહેરાતોથી કોઈ સકારાત્મક પરિવર્તન નથી આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રામીણ ભારતમાં શૌચાલય બનાવવા માટે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ફાળવેલા 1.96 લાખ કરોડ રૂપિયાના ફંડનો લાભ પણ હજુ સુધી વડનગર નથી પહોંચ્યો.
મોદીથી શું ઇચ્છે છે મહિલાઓ?
માનીબેન સાથે ઊભેલાં લક્ષ્મીબેન, અડકીબેન અને અમીબેનને પણ વડનગર આસપાસ ફેલાયેલી આવી ઝળહળતી યોજનાઓની કોઈ જાણકારી નથી.
વિકાસની આ દોડથી અજાણ આ મહિલાઓ આજે પણ પોતપોતાના ઘરમાં માત્ર એક પાકા શૌચાલયના બનવાની રાહ જોઈ રહી છે.
જ્યારે મેં રોહિતવાસની મહિલાઓને પ્રશ્ન કર્યો કે ચૂંટણી પહેલાં વડનગર વિશે તેઓ પીએમ મોદીને શું સંદેશો આપવા માંગે છે? ત્યારે એક સૂરમાં જવાબ મળ્યો કે શૌચાલયનું નિર્માણ.
છેલ્લે પાછા ફરતી વખતે લક્ષ્મીબેને ધીરેથી કહ્યું કે ખુલ્લામાં કુદરતી હાજતે જવાથી તેમની અને તેમના વાસની બીજી છોકરીઓની આબરૂ જાય છે. એટલે આ ચૂંટણીમાં ઘર આંગણે શૌચાલય હોવું એ જ મોટો મુદ્દો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો