મહેસાણાઃ સૂર્યમંદિરના જિલ્લામાં લિંગ અનુપાતનું અંધારુ કેમ?

ગુજરાતની ઉત્તરે આવેલો મહેસાણા જિલ્લો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે. તેમનું ગામ વડનગર ગુજરાતમાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સ્થાપત્ય કળાની દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

હાલ ગુજરાતના રાજકારણમાં સત્તાધિશો માટે પડકારરૂપ બની ગયેલા પાટીદાર યુવાન હાર્દિક પટેલનો સામાજિક, રાજકીય ઉદય પણ મહેસાણા જિલ્લાના વિસનગર ગામની એ પહેલી સભાથી જ થયો હતો.

જો કે મહેસાણાની ઓળખ આ બે ઘટનાઓ નથી. અહીંના સતત કાર્યશીલ, અત્યંત મહેનતું લોકો ઉપરાંત જ્ઞાતિ, સમાજ અને ઉદ્યોગોનું એકબીજા સાથે ખૂબ જ મજબૂતીથી ગુંથાયેલું સામાજિક માળખું એ મહેસાણાનો મિજાજ છે.

તમને આ પણ વાંચવું ગમશે

ગુજરાતના રાજકારણ, કૃષિ, પશુપાલન, નિકાસ અને વેપારમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

મહેસાણા જિલ્લાના આવાં જ કેટલાંક ચર્ચામાં ન આવેલાં પાસાંને ઉજાગર કરવા બીબીસીની મહિલા બાઈકર્સની ટીમ આજે મહેસાણા જિલ્લામાં આવી પહોંચી છે.

સામાજિક જીવન

વર્ષ 2011ની વસતિ ગણતરી પ્રમાણે મહેસાણા જિલ્લાની કુલ વસતિ 20,53,064 લોકોની છે. જેમાં મહિલાઓની સંખ્યા 9,78,544 છે અને પુરુષોની સંખ્યા 10,56,520ની છે. જિલ્લાના 15,20,734 લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.

વર્ષ 2001માં અહીં દેશમાં સૌથી ઓછો સ્ત્રી-પુરુષનું વસતી પ્રમાણ હતું.

ચાઈલ્ડ સેક્સ રેશિયો એટલે કે બાળ જાતિપ્રમાણની દૃષ્ટિએ મહેસાણા રાજ્યમાં તળિયેથી બીજા ક્રમાંકે છે. અહીં ચાઈલ્ડ સેક્સ રેશિયો 842 છે એટલે કે 1000 બાળકોની સરખામણીએ 842 બાળકીઓ છે.

આ ઘટનાને 'સૂર્યનગરીના આંગણે અંધારુ' એવું રુપક આપી શકાય. મહેસાણા જિલ્લામાં દસ તાલુકા અને 606 ગામડાં છે.

આ જિલ્લાનો સાક્ષરતા દર 83.61 ટકા છે. જેમાં મહિલાઓનો સાક્ષરતા દર 75.32 ટકા છે. સાક્ષરતા દર અને મહિલા સાક્ષરતા દરની દૃષ્ટિએ રાજ્યના તમામ જિલ્લાઓમાં મહેસાણા છઠ્ઠું સ્થાન ધરાવે છે.

ઘણાં એનઆરઆઈ ગુજરાતીઓના વતન મહેસાણા જિલ્લામાં છે. આ એનઆરઆઈ સમુદાયના યોગદાનની અસર જિલ્લામાં વર્તાય છે. પાટીદાર, રબારી, ઠાકોર અને ચૌધરી સમાજની વસતિ છે.

ગ્રામીણ વિસ્તારોની મોટાભાગની વસતિ ખેતી અને પશુપાલન દ્વારા અર્થોપાર્જન કરે છે.

સાંસ્કૃતિક- ઐતિહાસિક વારસો

મહેસાણાનો ઐતિહાસિક સંબંધ મૌર્ય શાસન, સોલંકી શાસનથી લઈને ગાયકવાડી શાસન સુધી છે. સદીઓના આ વિવિધ શાસન દરમિયાન મહેસાણાને ઘણા ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થાપત્યો પણ મળ્યા છે.

મોઢેરાનું સૂર્યમંદિર આજે પણ વિશ્વભરમાંથી ભારતમાં આવતા સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે. વડનગરમાં આવેલું કીર્તિતોરણ અને ત્યાં મળેલાં બૌદ્ધ મઠનાં સ્થાપત્યોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

વડનગર શહેરની તાનારીરીએ મલ્હાર રાગ ગાઈ અકબરના નવરત્નો પૈકીના એક તાનસેનના દેહને શાતા આપી હતી.

આ ઘટનાની સ્મૃતિમાં ત્યાં આયોજિત થતો 'તાના-રીરી મહોત્સવ' નામનો સંગીત મહોત્સવ દેશભરમાં પ્રસિદ્ધ છે.

બહુચરાજી શક્તિપીઠ, અને ઊંઝા નજીકની મીરા-દાતાર દરગાહ અને તારંગાના જિનાલયો મહેસાણાના ધાર્મિક આકર્ષણો પૈકીના એક છે.

તમને આ પણ વાંચવું ગમશે

ગુજરાતનાં પોતાના લોક-મનોરંજક નાટ્ય સ્વરૂપે જાણીતી ‘ભવાઈ’નું ઉદગમ સ્થાન મહેસાણા જિલ્લાનું ઉંઝા છે.

ઉંઝામાં આવેલું ઉમિયાધામ સદિયોથી કડવા પાટીદાર સમાજના કુળદેવીનું મંદિર છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં એ તમામ સમાજો માટે આસ્થાનું કેન્દ્ર છે.

જો કે હાલ આ શ્રદ્ધાસ્થળ પાટીદારો સાથે જોડાયેલાં આંદોલનની ગતિવિધિઓનું પણ બનેલું છે.

સાબરમતી અને રૂપેણ નદી તેમજ અરવલ્લીની પર્વતમાળાઓ આ જિલ્લાને કુદરતી સૌંદર્ય આપે છે.

ઔદ્યોગિક પરિપેક્ષ્ય

કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ઓઇલ અને ડેરી પ્રોડક્ટના ઘણાં જાણીતા ઉદ્યોગો મહેસાણા જિલ્લામાં આવેલા છે. ઉંઝા જીરૂ, વરીયાળીનાં એશિયાનાં સૌથી મોટાં બજારોમાંથી એક છે.

ઉંઝાથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલું સિદ્ધપુર એ ઈસબગુલના પ્રોસેસિંગનું મોટું કેન્દ્ર છે. તો કડી તેની ઓઈલ મીલ્સ માટે જાણીતું છે.

અહીંની ધરતીના પેટાળમાં ખનીજ તેલના ભંડાર હોવાથી મહેસાણા જિલ્લામાં ઓએનજીસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) જેવાં ભારત સરકારના ઉપક્રમોની પણ નોંધપાત્ર હાજરી છે.

મહેસાણામાં ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓની ફેક્ટરીઓ પણ આવેલી છે. આ જિલ્લામાં પશુપાલનો વ્યવસાય ખેતીને પૂરક છે અને બહોળા પ્રમાણમાં વિકસ્યો છે.

એશિયાની સૌથી મોટી ડેરીઓ પૈકીની એક 'દૂધસાગર મિલ્ક કો-ઓપરેટિવ ડેરી' આ જિલ્લામાં આવેલી છે.

રાજકીય ફલક

વર્તમાન વડાપધ્રાન નરેન્દ્ર મોદીનું વતન મહેસાણા જિલ્લાનું વડનગર છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ મહેસાણા જિલ્લાના વતની છે.

ગુજરાતમાં જે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે તેની સાથે જોડાયેલી પ્રથમ મોટી રેલી અને સભા જુલાઈ 2015માં મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આયોજિત થઈ હતી.

આ રેલી દરમિયાન થયેલી હિંસાએ આ સમગ્ર રાજ્યનું ધ્યાન આંદોલન તરફ દોર્યું હતું.

મહેસાણા જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકો આવેલી છે. જેમાંથી ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી અને મહેસાણા બેઠકો હાલ ભાજપ પાસે છે અને કડી તેમજ વીજાપુર બેઠક કોંગ્રેસ પાસે છે.

જિલ્લામાં કુલ નોંધાયેલા મતદારો 15,80,417 છે. જેમાંથી મહિલા મતદારોની સંખ્યા 7,59,158 અને પુરુષ મતદારોની સંખ્યા 8,21,230 છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો