You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : વેપારીઓમાં જીએસટી મુદ્દે રોષ અને ચૂંટણી મુદ્દે ચુપકીદી
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદથી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું વાતાવરણ હોવાના કારણે રાજ્યભરમાં રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે.
ભાજપ માટે આ ચૂંટણી શાખનો સવાલ છે તો બીજી તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી રાહુલ ગાંધીને રાજકારણમાં વધુ મજબૂત કરવાની તક છે.
ત્યારે એક મોટો સવાલ છે કે ગુજરાતની જનતા અને ખાસ કરીને ત્યાંના વેપારીઓ શું વિચારી રહ્યા છે?
નોટબંધી અને જીએસટી જેવા મોટા નિર્ણયોને કેન્દ્ર સરકાર પોતાની સિદ્ધિ તરીકે ગણાવી રહી છે. તો બીજી તરફ ગુજરાતનો વેપારી વર્ગ આ બાબતે અલગ મત ધરાવે છે.
તમને આ પણ વાંચવું ગમશે
બીબીસી સંવાદદાતા વિનીત ખરેએ અમદાવાદના પાંચ કૂવા સિંધી માર્કેટમાં આવેલા કાપડ બજારના વેપારીઓ સાથે વાતચીત કરી હતી.
આ વેપારીઓ વિધાનસભા ચૂંટણીને કઈ રીતે આલેખી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ બજારમાં લગભગ 400 દુકાનો છે જે આશરે 10 હજાર લોકોને રોજગારી આપે છે.
સિંધી માર્કેટના સેક્રેટરી રાજેશભાઈનું કહેવું છે કે, નોટબંધી અને જીએસટી આ ચૂંટણીમાં મહત્વના મુદ્દાઓ છે. આ બજારમાં મોટાભાગના દુકાનદારો સિંધી સમાજના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજેશભાઈ જણાવે છે કે, જીએસટીના અમલના કારણે મૂંઝવણભરી પરિસ્થિતિ સર્જાઈ છે. તે એટલી જટિલ પ્રક્રિયા છે કે તેને સમજવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.
રાજેશભાઈ જણાવે છે કે, જો કોઈ સાડીની કિંમત 1000 રૂપિયા હોય અને તેની કિંમત પર 50 રૂપિયા વધુ ચૂકવવાના હોય છે, તો પણ ગ્રાહકો હાલમાં તૈયાર નથી. આથી મુશ્કેલી ઊભી થઈ રહી છે.
આ બજારમાં આવેલી અન્ય એક દુકાનના માલિક કહે છે કે, જીએસટીના વિરોધમાં અહીં 15 દિવસ માટે દુકાનો બંધ રાખી હતી.
દુકાનદારોનું કહેવું છે કે તેમણે ઘણાં સંબંધિત સત્તાધારીઓને તેમની મુશ્કેલીઓની રજૂઆત કરી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો નહોતો થયો.
વેપારીઓનું કહેવું છે, "તેઓ અમારી મુશ્કેલી પર ધ્યાન નથી આપી રહ્યા અને ગ્રાહકો વધુ રકમ ચૂકવવા તૈયાર નથી."
અન્ય એક દુકાનદાર મુકેશનું કહેવું છે કે જીએસટીના નિર્ણયની ચૂંટણી પર અસર થશે. જીએસટીના કારણે માત્ર મુશ્કેલીઓ જ થઈ રહી છે.
ઘણીવાર લાગે છે કે આ દુકાન બંધ કરીને અન્ય કોઈ વેપાર-વ્યવસાય કરવો પડશે.
તમને આ પણ વાંચવું ગમશે
જેસારામનું કહેવું છે કે, આ બજારની સ્થાપના 1955માં થઈ હતી. લોકોને જીએસટી વિશે સંપૂર્ણ માહિતી નથી, જેથી મુશ્કેલીઓ વધી રહી છે.
જો આ ટેક્સ ડાયરેક્ટ હોત અને આટલું પેપરવર્ક ન હોત તો કોઈ મુશ્કેલીઓ ન સર્જાઈ હોત.
આ બજારમાં મીડિયા પ્રત્યે પણ નારાજગી પ્રવર્તી રહી છે. તેમનું કહેવું છે કે તેમના પ્રશ્નો વિશે મીડિયા વાત જ નથી કરી રહ્યું.
દુકાનદારોનું કહેવું છે કે જ્યારથી જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, ત્યારથી વેપાર પડી ભાંગ્યો છે અને ધંધો પચાસ ટકા ઘટી ગયો છે.
રાકેશ નામના અન્ય એક દુકાનદાર કહે છે કે, જીએસટી લાગુ થયા બાદ વેપારમાં ઘણી પડતી આવી છે.
જોકે, આ લોકો નોટબંધીને એટલી અસરકર્તા નથી માની રહ્યા. દુકાનદારોમાં રોષ તો છે, પરંતુ કોઈ સામે આવીને સ્પષ્ટપણે નથી બોલી રહ્યું કે ક્યા પ્રકારની અસરો થશે.
આ દુકાનદારો એ પણ સમજે છે કે ચૂંટણી છે એટલે રાજકીય પક્ષો વાયદાઓ કરી રહ્યા છે, પરંતુ વાયદાઓ આખરે વાયદાઓ જ હોય છે.
દુકાનદારો કહે છે કે અમે ઘણાં લોકોને વાત કરી હતી, પરંતુ કોઈએ અમને મદદ નહોતી કરી.
આવી પરિસ્થિતિમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે મોટી તક સાબિત થઈ શકે તેમ છે તો બીજી તરફ ભાજપે વેપારીઓની સમસ્યાઓને સમજવી પડશે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ હોવાના કારણે રાજ્યભરમાં રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે.
ભાજપ માટે આ ચૂંટણી શાખનો સવાલ છે તો બીજી તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી રાહુલ ગાંધીને રાજકારણમાં સ્થાપિત કરવાની તક છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો