જીએસટીમાં 10%નો ઘટાડો, નાના વેપારીઓને રિટર્ન ભરવામાં રાહત

જીએસટી મામલે સવાલો અને ટીકાનો સામનો કર્યા બાદ સરકારે હવે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે.

શુક્રવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી તેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટીમાં ફેરફારની વાતનો અગાઉ ઉલ્લેખ કર્યો હતો.

બેઠક બાદ નાણામંત્રીએ ઘણી નવી જાહેરાતો કરી.

તમને આ વાંચવું પણ ગમશે

મુખ્ય વાત શું રહી અને વેપારીઓ પર તેની શું અસર થશે તે અંગે બીબીસી સંવાદદાતા આદર્શ રાઠોડે આર્થિક બાબતોના વરિષ્ઠ પત્રકાર એમ. કે. વેણૂ સાથે વાતચીત કરી.

વરિષ્ઠ પત્રકાર એમ.કે.વેણૂનો મત

જીએસટીને લઈને થયેલી નવી ઘોષણામાં સૌથી મહત્વની બાબત એ છે કે નાના ઉદ્યોગોને તેમાં રાહત મળી છે.

જે નાના ઉદ્યોગોના વેપારીઓનું ટર્નઓવર ઓછું થતું હતું તેમણે મહિનામાં ત્રણ-ત્રણ વાર એટલે કે વર્ષમાં 36-37 વખત રિટર્ન ફાઈલ કરવું પડતું હતું.

અને વર્ષમાં આટલી વખત રિટર્ન ફાઈલ કરવું ઘણું મુશ્કેલ છે.

વળી, જીએસટીની સીસ્ટમ પણ આ ભારણને પહોંચી વળવા સક્ષમ નહોતી.

હવે જે વેપારીઓનું ટર્નઓવર 1.5 કરોડથી ઓછું છે તેમણે દર મહિને રિટર્ન ફાઈલ નહીં કરવું પડે.

હવે ત્રણ મહિનામાં ફક્ત એક વાર જ રિટર્ન ફાઈલ કરવું પડશે.

જેથી ટેક્સ ચૂકવનારા લગભગ 90% જેટલા રજીસ્ટર્ડ ઉદ્યોગો આ શ્રેણીમાં આવી ગયા છે.

બાકીના 10% ઉદ્યોગોનું ટર્નઓવર 1.5 કરોડથી વધું છે. આથી નાના ઉદ્યોગોને રાહત મળી છે.

સાથે સાથે જીએસટીની સીસ્ટમ પરનું ભારણ પણ ઓછું થયું છે.

મોંધવારી વધવાનો પણ ડર હતો

શરૂઆતથી જ વિપક્ષ કહેતું રહ્યું છે કે 28% ટેક્સ ઘણો જ વધારે છે અને સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ આટલો જીએસટી નથી.

1200 વસ્તુઓમાંથી કેટલીય વસ્તુઓ પર 28% ટેક્સ હતો. તેનાથી મોંઘવારી વધવાનો ડર પણ હતો.

ઉપરાંત જીએસટી આવવાથી ફુગાવો વધ્યો છે એટલે કેટલીક વસ્તુઓના ટેક્સના દર 28%થી 18% કરવામાં આવ્યા છે.

સાથે જ પાપડ જેવી ખાવાપીવાની નોન-બ્રાન્ડેડ વસ્તુઓ જે માત્ર સ્થાનિક સ્તરે જ વેચાય છે તેના પરના ટેક્સનો દર 12%થી ઘટાડી 5% કરી દેવાયો છે.

હજુ વધુ રાહત આવી શકે છે

સરકારે કહ્યું કે જીએસટીમાં ભવિષ્યમાં વધુ સુધારા કરાશે. હાલ તેમાં ઘણી ખામીઓ છે.

જીએસટી પર રાજ્યમંત્રીઓની સમિતિ સાથે વાત થઈ તેમાં કહેવાયું કે હજુ સીસ્ટમમાં સોફ્ટવેર ઈત્યાદીની સમસ્યા દૂર કરવા માટે વધુ છ મહિનાનો સમય લાગશે.

કેટલાક લોકોની હજુ પણ માંગ છે કે ત્રિમાસિક રિટર્ન ભરવા માટે જે નવી દોઢ કરોડ ટર્ન ઓવરની વાર્ષિક મર્યાદા છે તેને વધારવામાં આવે.

વિશ્વભરમાં આ મર્યાદા પાંચ લાખથી દશ લાખ ડોલર છે. એટલે કે 3-4.5 કરોડ રૂપિયા જેટલી છે.

આથી એમ પણ કહેવાય છે કે જો ત્રિમાસિક રિટર્ન ભરવાની મર્યાદા પાંચ કરોડ સુધી રાખવામાં આવતે તો નાના ઉદ્યોગોનો વધુ રાહત મળી શકતે.

ઘોષણા છે મીની બજેટ

જો તમે વસ્તુઓના ટેક્સના દર 28%થી ઘટાડી 18% કરી દો તો આ 10 ટકાનો ઘટાડો ઘણી મોટી વાત છે.

ઘણી વસ્તુઓના ટેક્સના દર 28થી ઘટાડી 18% કરી દેવાયા છે.

અને ઘણી વસ્તુઓના ટેક્સના દર 5% પણ કરી દેવાયા છે.

આ ટેક્સના દરો એટલા બધા ઘટાડી દેવાયા છે કે એક રીતે જાણે મીની બજેટ રજૂ થઈ ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો