શેમ્પૂથી લઈ યુએસબી જેવી શોધો ભારત સાથે જોડાયેલી છે

ભારતે દુનિયાને એવી સાત વસ્તુઓ આપી જેમાંથી કેટલીક બાબત જાણીને તમને આશ્ચર્ય થશે.

એમાંથી કેટલીક તો ભારતમાંથી દુનિયામાં પહોંચી, જ્યારે કેટલીક વસ્તુઓની શોધ ભારતમાં જન્મેલા સંશોધકોએ કરી જેના વિના આજે દુનિયાનું કામકાજ ઠપ્પ થઈ જાય.

ભારત વિશ્વમાં તેની સંસ્કૃતિ, રહેણીકરણી અને વિવિધતાઓ માટે ચર્ચાતું રહ્યું છે. આ દેશમાં ઘણી ખ્યાતનામ પ્રતિભાઓએ જન્મ લીધો છે.

1.યોગ

વર્તમાન સમયમાં દુનિયાભરમાં ભારતના યોગ લોકપ્રિય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો છે.

આજે કોઈપણ જીમમાં યોગ વિશેષજ્ઞ મળી જશે. કહેવાય છે કે ભારતીય ઈતિહાસના પૂર્વ-વૈદિક કાળથી યોગ પ્રચલિત હતા.

તેના મૂળ હિન્દુ, બૌદ્ધ અને જૈન સંસ્કૃતિ સાથે જોડાયેલાં છે. તંદૂરસ્ત રહેવા માટે ઉપયોગી યોગ હવે વિશ્વભરમાં ચલણમાં આવ્યા છે.

પશ્ચિમમાં યોગનો પ્રચાર સ્વામી વિવેકાનંદે પણ કર્યો હતો.

2.રેડિયો પ્રસારણ

રેડિયો પ્રસારણના શોધક નોબેલ વિજેતા સંશોધક ગુગ્લીએલ્મો માર્કોની મનાય છે.

જો કે ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે તેમના પહેલા મિલીમીટર રેન્જના રેડિયો તરંગ માઈક્રોવેવનો ઉપયોગ બારૂદ સળગાવવા અને સંકેત આપવા માટે ઘંટડી વગાડવા કર્યો હતો.

1978માં ભૌતિક વિજ્ઞાનનું નોબેલ જીતનારા સર નેવિલ મોટે કહ્યું હતું કે બોઝ તેમના સમયમાં સમકાલીન વિજ્ઞાનથી સાઇઠ વર્ષ આગળ હતા.

3.ફાઈબર ઓપ્ટિક્સ

શું તમે એવી દુનિયાની કલ્પના કરી શકો છો જ્યાં તમે મિત્રો સાથે સોશિઅલ મીડિયા કે ઇ-મેઈલથી સંપર્કમાં ન રહી શકો?

ઈન્ટરનેટનો જમાનો નહોતો ત્યારે એ સંભવ નહોતું પરંતુ ફાઈબર ઓપ્ટિક્સની શોધ બાદ વેબ, ટ્રાન્સપોર્ટ, સંચાર અને તબીબી ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા.

નરિંદરસિંહ કપાની પંજાબના મોગા ગામમાં જન્મેલા એક ભૌતિક વિજ્ઞાની હતા. વિશ્વભરમાં તેમને ફાઈબર ઓપ્ટિક્સના જનક માનવામાં આવે છે.

1955થી 1965 વચ્ચેના સમયગાળામાં નરિંદરસિંહે સંખ્યાબંધ ટેક્નિકલ પેપર લખ્યાં, જેમાંનું એક પેપર 1960માં સાયન્ટિફિક અમેરિકનમાં પ્રકાશિત થયું. આ પેપરે ફાઈબર ઓપ્ટિક્સને સ્થાપિત થવામાં મદદ કરી હતી.

4.સાપ-સીડી

કમ્પ્યૂટર ગેમના જમાનામાં પણ લોકપ્રિય એવી સાપ-સીડીની રમત ભારતની શોધ મનાય છે.

ભારતની આ રમત ઈંગ્લેન્ડમાં ઘણી લોકપ્રિય થઈ હતી. આ રમતની ઉત્પતિ હિંદુ બાળકોમાં નીતિ અને મૂલ્યોની શિક્ષા આપવા કરાઈ હોવાની માન્યતા છે.

અહીં સીડીઓને સદાચાર અને સાપને શેતાનના રૂપે જોવામાં આવે છે.

ઐતિહાસિક રીતે તેને મોક્ષ સ્વરૂપે પણ જોવામાં આવે છે, જેનો સંબંધ વૈકુંઠ એટલે કે સ્વર્ગ સાથે છે. જો કે 19મી સદીમાં બ્રિટીશ શાસન સમયે આ રમતમાંથી નૈતિકતાનો ભાગ હટાવી દેવામાં આવ્યો.

5.યુએસબી પોર્ટ

યુએસબી એટલે કે યુનિવર્સલ સીરિયલ બસ પોર્ટની શોધથી દુનિયાને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સાથે જોડાણ કરવામાં ખૂબ સરળતા મળી.

આ શોધથી તે વ્યક્તિનું જીવન પણ બદલાયું જેણે તેની શોધ કરી.

આ વ્યક્તિનું નામ અજય ભટ્ટ છે. 1990ના દાયકામાં જ્યારે અજય ભટ્ટ અને તેમની ટીમે જ્યારે આ પ્રકારની ટેકનોલોજી પર કામ કરવાનં શરૂ કર્યું હતું અને તે દશકના અંત સુધીમાં કમ્પ્યૂટર કનેક્ટિવિટી માટે આ ફિચર સૌથી મહત્વનું બની ગયું હતું.

ભારતમાં જન્મેલા આ સંશોધકને તેમની શોધ બાબતે સાર્વજનિક રીતે ત્યારે ઓળખાણ મળી જ્યારે 2009માં ઈન્ટેલની એક ટેલિવિઝન જાહેરાત પ્રસારિત થઈ.

બાદમાં 2013માં બિન-યુરોપીયન શ્રેણીમાં ભટ્ટને યુરોપિયન ઈન્વેન્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

6.ફ્લશ ટોઈલેટ્સ

પુરાતત્વીય પુરાવાઓથી જાણવા મળે છે કે ફ્લશિંગ ટોઈલેટ્સ સિંધુ ખીણની સંસ્કૃતિમાં અસ્તિત્વ ધરાવતા હતા, કાંસ્ય યુગની સંસ્કૃતિનો આ વિસ્તાર બાદમાં કાશ્મીર તરીકે ઓળખાયો.

અહીં સુવ્યવસ્થિત જળાશય અને ગટર વ્યવસ્થા હતા.

7.શેમ્પૂ

શેમ્પૂથી વાળ ધોયા બાદ અલગ જ અનુભવ થાય છે. સુગંધ, ચમક અને આત્મવિશ્વાસને સરળતાથી અનુભવી શકાય છે.

શેમ્પૂ વિના નહાવાને એવી રીતે મૂલવવામાં આવે છે, જાણે સાંજની ચા, બિસ્કીટ વિના મળી હોય. ભારતમાં 15મી સદીમાં સંખ્યાબંધ છોડનાં પાન, ફળ અને બીજને એકત્ર કરીને શેમ્પૂ બનાવવામાં આવતું હતું.

બ્રિટિશરોના સમયમાં શેમ્પૂ યુરોપમાં પહોંચ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો