'નરેન્દ્ર મોદી માત્ર ગરજે છે પણ વરસતા નથી'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

મોદી એક પછી એક સભાઓને સંબોધી રહ્યા છે અને પોતાના વાક્ચાતુર્યથી લોકોને આકર્ષી રહ્યાં છે.

નોંધવા જેવી બાબત એ છે કે મોદી આ વખતે વિકાસ કે અન્ય પ્રજાલક્ષી મુદ્દાઓ કરતા વધારે 'ઇમોશનલ કાર્ડ'નો ઉપયોગ કરી રહ્યા છે.

ત્યારે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ મોદીના પ્રચારને કારણે ગુજરાતની ચૂંટણી પર શું અસર પડશે એ જાણવા પ્રયાસ કર્યો હતો.

'તમે શું કહેશો' અંતર્ગત લોકોએ મોટા પ્રમાણમાં પોતાના મત રજૂ કર્યા હતા. જેનું અહીં સંકલન કરવામાં આવ્યું છે.

મોહમ્મદ નાથાએ લખ્યું, "આ આલાપ સાંભળી સાંભળીને થાકી ગયા છીએ."

"ગુજરાતીઓ સમજી ગયા છે કે મોદી માત્ર ગરજે પણ વરસતા નથી."

વિનોદ પટેલે ઈવીએમને યાદ કરીને લોકશાહી અંગે ચિંતા વ્યક્ત કરી.

હિતેશ ચાવડાએ લખ્યું, "મોદીજીની સભામાં ખુરશીઓ ખાલી રહે છે. એનો અર્થ એવો થાય કે મોદી લહેર ઓસરી ગઈ."

પ્રેમ દેસાઈએ કહ્યું, "ગુજરાતની પ્રજા હવે સત્ય અને અસત્યનો ભેદ જાણી ચૂકી છે."

"મોટાભાગના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એકતરફી રજૂઆત કરવામાં આવે છે."

વિરલ પટેલે લખ્યું, "વિમલની પડીકીમાં જેટલી કેસરની માત્રા એટલી જ ભાજપના રાજમાં વિકાસની યાત્રા."

જોકે, કેટલાય વાચકો એવા પણ હતા જેમના મતે મોદીના પ્રચારને કારણે ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે.

સિદ્ધાર્થ કંદોઈએ લખ્યું, "લખવું હોય તો લખી રાખો, ગુજરાતમાં ભાજપની સરકાર બને છે."

કેયુર વસાવડાએ મોદીને લઈને સરેરાશ ગુજરાતીની માનસિક્તા રજૂ કરતા લખ્યું,

"સરેરાશ ગુજરાતી એવું વિચારે છે કે વડાપ્રધાન પણ ગુજરાતી જ છે."

"હવે જો ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર બને તો ગુજરાતના કામ સરળતાથી થઈ શકે."

ભરત નંદા નામના બીબીસી ન્યૂઝ ગુજરાતીના વાચકે લખ્યું,

"મોદીની આ તૈયારી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે નથી. પણ કોંગ્રેસને સમાપ્ત કરવા માટે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો