કંગના રનૌતને આપવામાં આવી એ Y શ્રેણીની સુરક્ષા શું છે?

કેન્દ્રીય ગૃહમંત્રાલયે અભિનેત્રી કંગના રનૌતને વાય શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં તેઓ નિવેદનો આપતાં રહ્યાં છે.

તેમણે પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ શિવસેના નેતા સંજય રાઉત સાથે વાદ-વિવાદ પણ થયો હતો, જેમાં તેમણે 'મુંબઈ પોલીસથી ડર' લાગવાની વાત કહી હતી.

તેમણે સંજય રાઉત પર કથિત રીતે મુંબઈ ન આવવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો અને સંજય રાઉતે તેમના પર મુંબઈ અને મહારાષ્ટ્રનું અપમાન કરવાનો આરોપ પણ મૂક્યો હતો.

તેઓ કેટલાક દિવસથી હિમાચલ પ્રદેશમાં છે અને તેમને રાજ્ય સરકારે પણ સુરક્ષા આપવાની વાત કહી હતી.

હવે કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી તેમને વાય શ્રેણીની સુરક્ષા મળવાના નિર્ણય પછી કંગના રનૌતે ટ્વીટ કરીને કહ્યું, આ પ્રમાણ છે કે હવે કોઈ ફાસીવાદી કોઈ દેશભક્તનો અવાજ દબાવી નહીં શકે.

તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું, મુંબઈ અને મહારાષ્ટ્રનું અપમાન કરનારને કેન્દ્ર સરકાર વાય કૅટેગરીની સુરક્ષા આપે એ આશ્ચર્યની વાત છે.

ભારતમાં ઝેડ, વાય, ઍક્સ એમ અલગઅલગ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે છે.

કંગના રનૌતને જે વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે તે શું છે?

પરંતુ ઝેડ પ્લસનો મતલબ શું થાય? સુરક્ષાનું આ સ્તર એટલું જરૂરી કેમ છે કે એના હટી જવાથી આટલી બબાલ થઈ રહી છે?

આ સુરક્ષા વ્યક્તિ પર જોખમ હોવાના કારણે આપવામાં આવે છે કે પછી એને સ્ટેટસ સિમ્બોલ સાથે પણ કોઈ લેવા દેવા છે?

દેશના દિગ્ગજ નેતાઓ, સરકારી સનદી અને ખાસ લોકોને સરકાર તરફથી અલગ-અલગ પ્રકારની સુરક્ષા આપવામાં આવે છે.

આ સુરક્ષા કોને આપવી તેનો નિર્ણય કેન્દ્ર સરકાર કરે છે.

તમને આ પણ વાંચવું ગમશે

કેવી હોય છે ઝેડ પ્લસ સુરક્ષા?

ભારતમાં મોટાભાગે ઝેડ પ્લસ, ઝેડ, વાય અને એક્સ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે છે.

આ સુરક્ષા કેંન્દ્રિય મંત્રી, મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટના જજ અને વરિષ્ઠ સનદીને આપવામાં આવે છે.

ભારત સરકાર તરફથી આપવામાં આવતી બધી સુરક્ષા સ્પેશલ પ્રૉટેક્શન ગ્રૂપ (એસપીજી), નૅશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (એનએસજી), ઇન્ડીઅન-તિબેટ બૉર્ડર પોલીસ (આઈટીબીપી) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ (સીઆરપીએફ) જેવી એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે.

ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા દેશની સૌથી મોટી સુરક્ષા વ્યવસ્થા છે. જેને વીવીઆઈપી શ્રેણીની સુરક્ષા માનવામાં આવે છે.

આ શ્રેણીની સુરક્ષામાં 36 સુરક્ષાકર્મીઓનું કવચ હોય છે. એમાં એનએસજી અને એસપીજીના કમાન્ડો વ્યક્તિની આસપાસ સુરક્ષાનો ઘેરો બનાવે છે.

આ સુરક્ષા કવચમાં પહેલા ઘેરાની જવાબદારી એનએસજીની હોય છે. જ્યારે કે બીજો ઘેરો એસપીજી કમાન્ડોનો હોય છે.

આ સિવાય આઈટીબીપી અને સીઆરપીએફના જવાન પણ ઝેડ પ્લસ સુરક્ષામાં ફરજ પર હોય છે.

કેવી હોય છે ઝેડ અને વાય શ્રેણી?

ઝેડ શ્રેણીમાં 22 સુરક્ષા કર્મચારીઓની હોય છે. આ શ્રેણીમાં આઈટીબીપી અને સીઆરપીએફના જવાન અને અધિકારીઓ સુરક્ષાની જવાબદારી સંભાળે છે.

આ સુરક્ષામાં એસ્કૉર્ટ્સ અને પાયલટ વાહન પણ આપવામાં આવે છે.

જ્યારે કે વાય શ્રેણીમાં આ સંખ્યા ઘટીને 11 થઈ જતી હોય છે. જેમાં બે વ્યક્તિગત સુરક્ષા અધિકારીઓ (પીએસઓ - પર્સનલ સિક્યોરિટી ઓફિસર) આપવામાં આવે છે.

એક્સ પ્રકારની સુરક્ષામાં માત્ર બે સુરક્ષાકર્મી અને એક પીએસઓ આપવામાં આવે છે.

કેવી હોય છે પ્રધાનમંત્રીની સુરક્ષા?

પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી સ્પેશલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજી પાસે હોય છે.

પ્રધાનમંત્રી સિવાય પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના પરિવારને પણ આ સુરક્ષા આપવામાં આવે છે.

1984માં ઇંદિરા ગાંધીની હત્યા પછી 1988માં એસપીજીની રચના કરવામાં આવી હતી.

એસપીજીનું વાર્ષિક બજેટ 300 કરોડ રૂપિયાથી વધુ છે. આને દેશની સૌથી મોંઘી અને ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા ગણવામાં આવે છે.

અત્યારે દેશમાં માત્ર 8 લોકોને આ પ્રકારની સુરક્ષા મળેલી છે.

જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, તેમના પત્ની ગુરશરણ કૌર, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, એમની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા વાડ્રાના નામનો સમાવેશ કરવામાં આવેલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો