મમ્મી-પપ્પાને મળવા બાળકોએ બસના અન્ડરકેરેજમાં કરી મુસાફરી

બસના અન્ડરકેરેજ એટલે કે સામાન રાખવાની જગ્યામાં છૂપાઈને 80 કિલોમીટર સુધી પ્રવાસ કરી ચૂકેલાં બે છોકરાઓના ફોટોગ્રાફ્સ જોઈને ચીનના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એ બન્ને છોકરાઓ ચીનના દક્ષિણી ગુઆંગ્શી નજીકના એક ગામના રહેવાસી છે અને તેમણે તેમના મમ્મી-પપ્પાને મળવા માટે આ સાહસ કર્યું હતું.

છોકરાઓના મમ્મી-પપ્પા પાડોશના ગુઆંગ્ડોંગ પ્રાંતમાં કામ કરે છે, જ્યારે છોકરાઓ બોર્ડિંગ સ્કૂલમાં રહીને અભ્યાસ કરે છે.

તમને આ પણ વાંચવું ગમશે

ટીચરે નોંધાવી ફરિયાદ

એ છોકરાઓ ગૂમ થયા હોવાની ફરિયાદ તેમની ટીચરે 23 નવેમ્બરે નોંધાવી હતી.

એ જ દિવસે બન્ને છોકરાઓ એક બસ સ્ટેશન પર અંડરકેરેજમાંથી મળી આવ્યા હતા.

ફોટોગ્રાફ અને વીડિયોમાં એ છોકરાઓનાં કપડાં તથા શરીર પર મોટા પ્રમાણમાં ધૂળ ચોંટેલી જોવા મળી રહી છે.

બન્ને છોકરાઓ અંડરકેરેજમાં સંકડાઈને બેઠેલા જોવા મળે છે. છોકરાઓએ આવી અવસ્થામાં લાંબો પ્રવાસ કર્યો હતો.

મમ્મી-પપ્પાને શોધવા કર્યું સાહસ

બસ ઊંચા-નીચા રસ્તા પરથી પસાર થઈ હોવા છતાં છોકરાઓ સલામત રહ્યા એ જાણીને બસના સ્ટાફને આશ્ચર્ય થયું હતું.

એક કર્મચારીએ જણાવ્યું હતું કે ''બન્ને છોકરાઓ દૂબળા-પાતળા છે એટલે અન્ડરકેરેજમાં આસાનીથી ગોઠવાઈ ગયા હતા.''

છોકરાઓ પોતાની સ્થિતિ બાબતે વાત કરવા તૈયાર ન હતા.

જોકે, બસના એક કર્મચારીએ જણાવ્યું હતું કે ''બન્નેને તેમના મમ્મી-પપ્પાની યાદ આવતી હોવાનું અમને આખરે સમજાઈ ગયું હતું.''

કર્મચારીએ ઉમેર્યું હતું, ''છોકરાઓ સ્વેચ્છાએ અન્ડરકેરેજમાં છૂપાયા હતા અને તેમના મમ્મી-પપ્પાને શોધવા નીકળ્યા હતા.''

છોકરાઓના પરિવારજનોને આ વાતની જાણ કરવામાં આવી હતી અને તેઓ બન્નેને સાંજે લઈ ગયા હતા.

આ ઘટનાના ફોટોગ્રાફ્સ ચીનમાં વાયરલ થયા હતા. લોકોએ આ બાબતે આશ્ચર્ય અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

આ ઘટનાના ફોટોગ્રાફ્સને મોટા પ્રમાણમાં શેર કરવામાં આવ્યા હતા.

'ચાઈના ડ્રીમ'ની જોરદાર મજાક

આ ઘટના પછી લોકોએ 'ચાઈના ડ્રીમ'ના વિચારની સોશિઅલ મીડિયા પર જોરદાર મજાક ઉડાવી હતી.

'ચાઈના ડ્રીમ'નો આઈડિયા શાસક કોમ્યુનિસ્ટ પાર્ટીનો છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેનો 2013માં બહુ પ્રચાર કર્યો હતો.

જેમનાં મમ્મી-પપ્પા પાડોશી રાજ્યોમાં નોકરી કરવા જતા હોય તેવા અનેક બાળકો ચીનના ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.

કેટલાક કિસ્સાઓમાં બાળકો તેમના દાદા-દાદી સાથે અને કેટલાક કિસ્સાઓમાં બાળકો એકલાં રહેતાં હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો