દૃષ્ટિકોણ : મોદીનો આક્રમક પ્રચાર અને મતોના વિભાજનની ચાલ

ભાજપે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી લીધી છે. સોમવારે નરેન્દ્ર મોદીએ જાતે પ્રચારનો મોરચો સંભાળ્યો છે.

મોદી ગુજરાતમાં રેલીઓ પર રેલી કરી રહ્યા છે.

ગુજરાતમાં તાજેતરમાં જે માહોલ સર્જાયો છે તેના પર મોદીની રેલીની કેવી અસર થશે, તે અંગે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રનો દૃષ્ટિકોણ.

તમને આ પણ વાંચવું ગમશે

પ્રચાર માટે ફોજ લઈને ઉતર્યા મોદી

રાહુલ ગાંધીએ તાજેતરમાં જ ગુજરાતનો પ્રવાસ કર્યો હતો, હવે નરેન્દ્ર મોદી આક્રમક પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.

નવમી અને 14મી ડિસેમ્બરે મતદાન થવાનું છે, ત્યારે બન્ને પક્ષો તેમની સંપૂર્ણ તાકાત લગાવી દેશે.

ગુજરાત મોદીનો ગઢ છે અને જો 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપને નિષ્ફળતા મળશે તો આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં તેના માટે મુશ્કેલી ઊભી શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

આથી ગુજરાતને જીતવા માટે ભાજપ 'સામ, દામ, દંડ અને ભેદ' તમામ પ્રકારના વિકલ્પો અપનાવશે.

જેના અંગે સોશિઅલ મીડિયામાં પ્રચાર થઈ રહ્યો છે. ડરનો માહોલ પણ બનેલો છે. સીડીકાંડ પણ બહાર આવવા લાગ્યા છે.

મુસ્લિમોને રિઝવવાની કોશિશ

ભાજપ હવે ચૂંટણી પ્રચારમાં મૌલવીઓને પણ ઉતારી રહ્યો છે. પ્રચાર માટે ઉત્તર પ્રદેશથી આ મૌલવીઓ આવી રહ્યા છે.

વળી સુરતમાં પહેલાથી જ મુસ્લિમ કાર્યકર્તાઓને પ્રચારમાં ઉતારી દેવાયા છે.

પહેલા મુસ્લિમ મતદારોને ભાજપ સ્પર્શતો પણ નહોતો, પરંતુ આ વખતે તેમના પર પણ ભાજપની નજર છે.

જે દર્શાવે છે ગુજરાતની ચૂંટણીમાં કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું છે.

મોદીની જ પદ્ધતિ કોંગ્રેસે પણ અપનાવી

કોંગ્રેસે મોદીની જ પુસ્તકમાંથી કેટલીક પદ્ધતિની જાણે ઉઠાંતરી કરી લીધી છે.

કોંગ્રેસ આ વખતે આક્રમક છે અને લોકો સાથે સંવાદ પણ કરે છે. હવે તે મુદ્દાઓ મામલે સીધા સવાલ ઉઠાવે છે.

બીજી તરફ, લોકો તરફથી પ્રતિભાવ પણ સારો મળી રહ્યો છે, જેને પગલે ભાજપ એકદમ જ આક્રમક પ્રચાર કરશે.

નરેન્દ્ર મોદી પણ તેની તીખી ભાષામાં આક્રમક પ્રચાર કરશે. વળી, ભાજપ નાના-નાના મુદ્દાઓને મોટું સ્વરૂપ આપવાની કોશીશ કરી રહ્યો છે.

એવામાં ઘણા સવાલો સર્જાયા છે. 2015માં પાટીદારોની નારાજગીનું પરિણામ ભાજપ જોઈ ચૂક્યો છે.

આથી મોદીને આ વાતનો અંદાજો આવી ગયો હતો, એટલે છેલ્લા છ મહિનામાં તેમણે ગુજરાતની મુલાકાત લેવાનું વધારી દીધું હતું.

ભલે તે અગાઉ વડાપ્રધાન તરીકે ગુજરાત આવતા પણ હવે તે પાર્ટીનો જ પ્રચાર કરવા માટે આવ્યા છે.

કેમ કે, ભાજપને ખબર છે કે ગુજરાતમાં સ્થિતિ વધુ સારી નથી. જેટલા પણ યુવા નેતા છે, તે તમામ ભાજપના વિરોધમાં છે.

તદુપરાંત સરકારમાં રહીને ભાજપે પણ કેટલાક એવા પગલા લીધા હતા, તેને લીધે સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ છે.

મતોનું વિભાજન કરવાની ચાલ

હવે ભાજપનું ધ્યાન વિપક્ષના મત વિભાજિત કરવા પર કેંદ્રિત છે.

આથી જેમનો ગુજરાતમાં કોઈ જનાધાર જ નથી તે નીતિશ કુમારે પણ 100 બેઠકો પરથી ઉમેદવારો ઉભા રાખ્યા હોવાની ચર્ચા ચાલે છે.

શંકર સિંહ વાઘેલા પણ 'ઑલ ઇન્ડિયા હિંદુસ્તાન કોંગ્રેસ પાર્ટી'નાં ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યા છે.

આ પરિબળ મત વિભાજનનું કામ કરશે. જેમાં ભાજપના મત પણ કપાશે, કેમ કે શિવસેનાએ તેના 50 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરાતમાં જેડીયુના બળવાખોર નેતા છોટુભાઈ વસાવાનો સારો એવો જનાધાર છે, જે આદિવાસી સમુદાયના દિગ્ગજ નેતા માનવામાં આવે છે.

તેમને શરદ યાદવના જૂથના માનવામાં આવે છે.

આ તે જ નેતા છે, જેમણે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની હારને વિજયમાં પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

જેને ધ્યાને લઈને જ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં છોટુ વસાવાની સાથે હાથ મિલાવી લડવાનો નિર્ણય કર્યો છે.

આથી હવે ભાજપ કોઈ એવા ઉમેદવારની શોધમાં છે, જેથી મતદાતાઓમાં મૂંઝવણ પેદા કરે અને તેમના મત વહેંચાઈ જાય.

જેનો અર્થ એ છે કે, ગુજરાતની ચૂંટણીમાં ભાજપને હવે આ પ્રકારના પણ દાવપેચ અજમાવવાની જરૂર પડી રહી છે.

( બીબીસી સંવાદદાતા માનસી દાસ સાથેની વાતચીત પર આધારિત )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો