You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કલાકમાં જ ઘોઘાથી દહેજ પહોંચાય એને વિકાસ કહેવાય?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2017માં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યુ.
બીબીસી ન્યૂઝ ગુજરાતીની ટીમે આ ફેરી સર્વિસમાં જ ઘોઘાથી દહેજ અને દહેજથી ઘોઘાનો પ્રવાસ કર્યો.
આ પ્રવાસ દરમિયાન અમે લોકો સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી, પાટીદાર અનામત આંદોલન, નોટબંધી, જીએસટી વગેરે મુદ્દાઓ વિશે ચર્ચા કરી અને તેમના પ્રતિભાવો જાણવા પ્રયત્ન કર્યો.
તમને આ પણ વાંચવું ગમશે
આ ફેરીમાં મુખ્યત્વે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના વ્યવસાય સાથે જોડાયેલા લોકો, હીરાના વેપારીઓ અને કાપડના વેપારીઓ સફર કરે છે.
આ ફેરીમાં સફર કરતા ડૉ. દીપક રાઠોડે કહ્યું, "જો કોઈ એમ કહેતું હોય કે ગુજરાતમાં વિકાસ થયો જ નથી તો એ વાત ખોટી છે.
"એ લોકોએ આજથી વીસ વર્ષ પહેલાનાં સૌરાષ્ટ્રનાં ગામડાં જોયા નથી. રોડ, રસ્તા, પાણી અને આવી બીજી સુવિધાઓ મળી છે. આ બાબતો ભૂલવી ન જોઇએ"
આ ચર્ચામાં અનામતની વાત નીકળતા જ એક પાટીદાર ઉદ્યોગપતિએ કહ્યું, "અમે પણ પાટીદાર અનામત આંદોલન બાબતે હાર્દિક પટેલ સાથે હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે પણ જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી ક્રાંતિ રેલીમાં હાજરી આપવા ગયા હતા. પણ હવે હાર્દિકનો અસલી ચહેરો બહાર આવી ગયો છે."
"જે હાર્દિક પટેલ, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એમ જીદ લઇને બેઠો હતો કે, તત્કાલીન મુખ્યમંત્રી આંનદીબહેન પટેલ સ્થળ પર આવે અને આવેદનપત્ર સ્વીકારે.
એ જ હાર્દિક પટેલ હવે રાત્રિના સમયે સામે ચાલીને ભરતસિંહ સોલંકીને મળવા જાય છે. જો આવું જ કરવું હોય તો સમાજ તેની સાથે ન રહે"
હીરાના વ્યવસાય સંકળાયેલા મનજીભાઈ ભરૂડિયા કહે છે કે અનામતના મુદ્દે જે લડત શરૂ કરી હતી તે મુદ્દો હવે ભૂલાઈ ગયો છે.
આ લડતમાં રાજકારણ આવતા સમાજના લોકો હાર્દિકની અળગા થઈ ગયા છે.
છગનભાઈ નાવડિયાએ કહ્યું કે માત્ર પટેલો નહીં, પરંતુ બિન અનામત વર્ગના ગરીબ લોકોને અનામત મળવી જોઈએ અને એમના માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ.
બાદમાં તેમણે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ વિશે વાત કરતા નાવડિયાએ કહ્યું કે ઘોઘા-દહેજ પેસેન્જર સર્વિસ શરૂ થઈ છે એ સારી બાબત છે.
જોકે, અમારી માંગણી છે કે ઘોઘાથી દહેજ જતી સર્વિસને વહેલી કરો. આ સર્વિસનો સમય એવો હોવો જોઇએ કે લોકો દસ વાગ્યા પહેલાં સુરત પહોંચી શકે.
રાત્રે પણ આ સેવા શરૂ થવી જોઇએ. જેથી દિવસે કામના કલાકોમાં પ્રવાસ કરવાની જરૂર ન પડે.
મહિલાઓ વિશે વાત કરતા નમ્રતા રાઠોડ કહે છે કે ગુજરાતમાં મહિલાઓની સલામતી છે. રાત્રે ગમે ત્યારે, ગમે ત્યાં ફરી શકે છે.
ઉપરાંત તેમણે કહ્યું કે વિકાસ રાતોરાત થઈ જતો નથી. ધીરે ધીરે થાય છે. લોકોએ પણ એમા સાથ આપવો જોઇએ.
અન્ય એક પ્રવાસી ફિરોજ શેખે બીબીસીને કહ્યું, "નોટબંધી અને જીએસટી વિશે જે લોકો ટીકા કરે છે તેમને લાંબાગાળાના ફાયદાઓ વિશે ખ્યાલ નથી.
"હું આ બંને નિર્ણયોની સરાહના કરું છું. આજે ઘોઘા-દહેજ પેસેન્જર સર્વિસ શરૂ થઈ છે તો અમે માત્ર એક જ કલાકમાં દહેજ પહોંચી જઈએ છીએ. શું આ વિકાસ નથી?"
રો-રો ફેરીના કર્મચારીઓના કહેવા પ્રમાણે, રો રો ફેરીને ધીરેધીરે પ્રતિભાવ મળી રહ્યો છે.
દક્ષિણ ગુજરાત તરફ જતા લોકો આનો ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે શનિ-રવિમાં ઘણા લોકો જૉય રાઇડ માટે આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો