You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ઘોઘા ફેરીમાં બેસીને દહેજ પાણી ભરવા જઇએ?'
- લેેખક, વિજયસિંહ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑક્ટોબર મહિનામાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ ફેરી સર્વિસને દેશના વિકાસની પ્રતીક ગણાવી હતી.
જોકે, ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા ઘોઘા ગામમાં લોકોને મહિનામાં એક વખત જ પીવાનું પાણી મળે છે.
જ્યારે કોઈ પ્રવાસી રો-રો ફેરી સર્વિસમાં પ્રવાસ કરવા માટે ઘોઘા ખાતે આવેલા ટર્મિનલ તરફ જાય છે, ત્યારે તેમને આ રોડ પર એક દ્રશ્ય અચૂક જોવા મળે છે.
તમને આ પણ વાંચવું ગમશે
મોટી સંખ્યામાં ઘોઘાની મહિલાઓ તેમનાં માથે બેડાં મૂકી ગામમાંથી તળાવ તરફ પાણી ભરવા જાય છે.
કાંતાબહેને તેમની વ્યથા વર્ણવતા બીબીસી ન્યૂઝ ગુજરાતીને કહ્યું, "અમે તો માથે પાણીનાં બેડાં ઊંચકીને કંટાળી ગયાં છીએ પણ શું કરીએ?
"પાણી વિના કઈ રીતે જીવવું? મહિને એક વખત પાણી આવે છે. એ પણ આવે તો આવે. અમે ગરીબ છીએ.
"પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. ઘર વપરાશ માટે પાણી વેચાતું લેવું પોષાતું નથી એટલે તળાવે ભરવા જવું પડે છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘોઘા ફેરી અંગે પૂછતા કાંતાબહેન સામો સવાલ કરતા કહે છે, "ઘોઘા ફેરીમાં બેસીને અમે પાણી ભરવા દહેજ જઇએ? અમારે તો પાણીનો પ્રશ્ન ઉકેલાય તો વિકાસ જ છે''
અહીં શું પરિસ્થિતિ છે તે જાણવા બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ઘોઘા ગામમાં જઈ સ્થાનિક લોકો સાથે પણ વાત કરી.
સ્થાનિક ઉસ્માનભાઈ કહે છે, "ઘોઘા ગામમાં અંદાજે 20,000ની વસતિ છે.
"જેમાં મુસ્લિમો અને કોળી લોકોની વસતિ વધુ છે. ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ શરૂ થઈ એનાથી અમે રાજી છીએ.
"જે ગામથી શરૂ થઈ છે, એ ગામમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ નથી.
"જ્યારે વડાપ્રધાન મોદી આ ફેરી સર્વિસનું ઉદ્ધાટન કરવા માટે આવ્યા, ત્યારે જે લાઇટિંગ કરવા પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો હતો. એટલા પૈસામાં તો કદાચ અમારા આખા ઘોઘાનો પાણીનો પ્રશ્ન કાયમ માટે ઉકેલાઈ ગયો હોત''
તાહિદાબહેન શેખ પાણીની અછત અંગે બોલતા કહે છે કે 250 રૂપિયામાં 1500 લિટર પીવાનું પાણી મળે છે.
પીવા સિવાય ઘર વપરાશ માટે ગરીબ માણસો તળાવે પાણી ભરવા જાય છે અને જેને પોષાય છે એ લોકો વેચાતું લે છે.
પીવાનાં પાણીનો પ્રશ્ન કેટલો વિકટ હશે એનો દાખલો ગ્રામ પંચાયતમાં જોવા મળ્યો.
ઘોઘા ગ્રામ પંચાયતનાં પ્રવેશદ્વાર પર જ એક નોટિસ ચીપકાવેલી છે. જેમાં લખ્યું છે, 'જે લોકો પીવાનાં પાણીની ફરિયાદ લઈને આવે, તેમણે પાણીનો વેરો ચૂકવ્યાની પહોંચ સાથે લઈને આવવી.'
ઘોગાના સરપંચ અંસાર રાઠોડે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, ''ઘોઘા ગામમાં વરસો જૂની પાણીની લાઇન છે. તેના બદલે નવી પાઇપલાઇનનું કામ શરૂ થઈ ગયું છે.
એક વખત પાણીની લાઇન નંખાઈ જશે એટલે પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે.
જોકે, સ્થાનિક મુસ્લિમ અગ્રણી મોયુદ્દીન શેખ જુદું જ કહે છે. તેઓ કહે છે કે પાણીની તંગીના કારણે તેઓ મસ્જિદ પાસેના એક કૂવામાંથી લોકોને પાણી આપે છે.
નિભાવ ખર્ચ પેટે લોકો દર વર્ષે પચીસ રૂપિયા ફાળો પણ આપે છે. જો લોકો પાણી માટે અમને પૈસા આપવા તૈયાર હોય તો પંચાયતને કેમ ન આપે? લોકોને પાણી મળતું નથી તો પૈસા ક્યાંથી આપે?
મોટી પીર દરગાહના ટ્રસ્ટી મેહમૂદ મિંયા બાપુ કહે છે, "જે ઘોઘા બંદર પર ૮૪ દેશના વાવટા ફરકતા હતા, એ ઘોઘા પીવાના પાણીની સાથે સાથે તેના સમગ્ર અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યું છે.
"ઘોઘાના દરિયાકાંઠે આવેલી સુરક્ષા દિવાલ તૂટી ગઈ છે અને દરિયામાં મોટી ભરતી આવે, ત્યારે દરિયાનાં પાણી ગામમાં ઘૂસી જાય છે.
"જો સુરક્ષા દિવાલ બનાવવામાં નહીં આવે અને કોઈ મોટું વાવાઝોડું આવશે તો આખું ઘોઘા નષ્ટ થઈ જશે.''
વિકાસની વાત કરતા જ તાહિદાબહેન કહે છે, "અમારી કમનસીબી છે કે ચૂંટણીમાં મુદ્દો વિકાસનો છે, પણ જે ગામમાં મહિને એક જ વખત પાણી આવે છે તેની ચર્ચા ક્યાંય નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો