You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આણંદ : 'અમૂલ ના મીઠાં ફળ સાથે નોટબંધીનો માર પણ છે'
- લેેખક, જય મકવાણા
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદથી શરૂ થયેલી #BBCGujaratOnWheelsની સફર ચાર દિવસ પૂરી કરીને આણંદ પહોંચી છે.
બનાસકાંઠા અને મહેસાણાનાં ગામડાંમાં થઈને હવે મહિલા બાઇકર્સ આણંદમાં પહોંચી છે.
આ બન્ને જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં ગરીબીથી લઈને બાળ જાતીદરમાં ચિંતાજનક અસમાનતા પ્રવર્તી રહી છે. પણ આણંદની સ્થિતિ સાવ અલગ છે.
અમૂલના પ્રયાસ થકી સર્જાયેલી શ્વેત ક્રાંતિનાં મીઠા ફળ અહીંનાં ગામો ચાખી રહ્યાં છે.
તમને આ પણ વાંચવું ગમવું
અમૂલને કારણે 18 હજાર ગામોનાં 36 લાખ ખેડૂતોનાં જીવનમાં આમૂલ આર્થિક પરિવર્તન આણી શકાયું છે.
આર્થિક સધ્ધરતાની ભેટ મેળવનારાં આ ગામડાઓમાં આણંદનાં શેખડી ગામનો પણ સમાવેશ થાય છે.
દૂધથી આવી સમૃદ્ધિ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શેખડી ગામની 70 ટકાથી વધુ મહિલાઓ દૂધનાં વેચાણથી આર્થિક સ્વતંત્રતા મેળવી ચૂકી છે.
શેખડી ગામમાં બિનલબહેન પરિવારની ત્રીજી પેઢી છે જે પશુપાલનનો વ્યવસાય કરે છે.
બિનલબહેનનાં માતા અને તેમનાં દાદી પણ આ જ વ્યવસાય કરતાં હતાં.
બિનલબહેન પાસે ચાર ભેંસ છે. દૂધમાંથી અંદાજે મહિને ૨૦ હજાર રૂપિયાની આવક મેળવે છે.
શેખડીના પડોશી ગામોમાં પણ શ્વેતક્રાંતિની આવી જ હકારાત્મક અસર થઈ છે.
જેથી અહીંની મહિલાઓએ આર્થિક સ્વંત્રતા મેળવી છે.
શ્વેતક્રાંતિ
અમૂલનું માર્કેટિંગ ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ સંઘ દ્વારા થાય છે. ગુજરાતનાં 36 લાખ ખેડૂતો અમૂલના શેર હોલ્ડર્સ છે.
અમૂલે ભારતમાં શ્વેતક્રાંતિના મંડાણ માંડ્યા હતા અને ત્રિભુવનદાસ પટેલ આ ક્રાંતિના પ્રણેતા બન્યા હતા. અમૂલને કારણે જ ભારત દુનિયાના સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનારા દેશોની યાદીમાં સ્થાન મેળવી શક્યું છે.
અમૂલને ગ્રામીણ વિકાસનું શ્રેષ્ઠ મૉડલ માનવામાં આવે છે. 14 ડિસેમ્બર 1946માં એક સહકારી દૂધ ઉત્પાદનનાં આંદોલન તરીકે શરૂ થયેલી અમૂલની આ ક્રાંતિનાં મીઠા ફળ આજે ગુજરાત ભોગવી રહ્યું છે.
અમૂલ દ્વારા ગુજરાતના 10,755 ગામડાંઓમાંથી રોજ 60 લાખ લિટર દૂધ એકત્રિત કરવામાં આવે છે.
સામાજિક અને આર્થિક સૂઝબૂઝને ધ્યાનમાં લઈને લેવાયેલો નિર્ણય લોકોનાં જીવનમાં કેટલું આમૂલ પરિવર્તન લાવી શકે એ અમૂલે કરી બતાવ્યું છે.
નોટબંધી
ઘણી વખત કોઈ મોટા નિર્ણયને કારણે લોકો ભારે કફોડી સ્થિતિમાં પણ મૂકાઈ જતા હોય છે.
ગાંધીનગરથી આણંદ જતા રસ્તે વચ્ચે જ્યારે એક જગ્યાએ ગાડી રોકવામાં આવી ત્યારે આ વાત સમજાઈ.
ચા-પાણી માટે હાઈવે પર અમારી ટીમે ગાડી રોકી ત્યારે મેં ત્યાં ચા-નાસ્તાની લારી ચલાવતા વિશાલભાઈ સાથે વાત કરવાની તક ઝડપી લીધી.
નોટબંધીની અસર અંગે વાત કરતા વિશાલભાઈએ જણાવ્યું કે સરકારના એ નિર્ણયે આર્થિક રીતે તેમની કમર તોડી નાંખી હતી.
વિશાલભાઈએ જણાવ્યું "ચાર મહિના સુધી મારો ધંધો સાવ ધીમો થઈ ગયો હતો."
40 રૂપિયાની ગુજરાતી થાળી વેંચતા વિશાલભાઈએ આગળ કહ્યું " શું 40 રૂપિયાની થાળી જમનારો વર્ગ આર્થિક રીતે સમૃદ્ધ હોય?"
"આવા લોકો નોટબંધી વખતે થાળીને બદલે 20 રૂપિયાનો નાસ્તો કરવા લાગ્યા હતા.
નોટબંધીનો આકરો ઘા ગરીબ પર
વિશાલભાઈના મતે નોટબંધીનો સૌથી આકરો ઘા ગરીબ લોકો પર જ પડ્યો છે.
વિશાલભાઈની વાતમાં સુર પૂરાવતા તેમનાં પત્ની મિનાબહેને પણ કહ્યું કે એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિમાં નોટબંધીએ તો તેમને ભગવાનને ભરોસે મૂકી દીધાં હતાં.
એક બાજૂ સહકારી સમજદારીના નિર્ણયને કારણે અમૂલે સર્જેલી સમૃદ્ધિ તો બીજી બાજુ નોટબંધીને કારણે સામાન્ય લોકોને પડેલી હાલાકી.
માત્ર એક નિર્ણયને કારણે લાખો-કરોડો લોકોની જિંદગીમાં કેવા કેવા પરિવર્તનો આવી જતા હોય છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો