ગુજરાતી નેતાઓને જ્ઞાતિવાદી રાજકારણ હાજી મસ્તાને શીખવ્યું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતનું રાજકારણ આજકાલ લાસ વેગાસના કેસિનોના રવાડે ચડ્યું છે. પટેલ નામનો પાસો ભાજપને પરેશાન કરે છે તો ઓબીસીનો પાસો કોંગ્રેસને ન્યાલ કરે છે. તો વળી ત્રીજો પાસો શંકરસિંહની કૂકરીને અસ્તવ્યસ્ત કરે છે.

કારણ કે જાતિવાદના સમીકરણો બેસાડવા માટે બંને પક્ષો કવાયત કરી રહ્યા છે. આમ છતાં ક્યાંય કોઈના ચોકઠાં ફીટ થતાં નથી.

ગુજરાતમાં જ્ઞાતિ આધારિત રાજકારણ અત્યારે ભલે ચરમસીમાએ હોય, પરંતુ ગુજરાતના અઠંગ રાજકારણીઓને જ્ઞાતિવાદનું ગણિત શીખવનાર કોઈ રાજકારણી ન હતો.

તમને આ પણ વાંચવું ગમશે

ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદનું ગણિત શીખવનાર મુંબઇના કથિત દાણચોર હાજી મસ્તાન હતા. આજના રાજકારણીઓને જ્ઞાતિવાદની એબીસીડી હાજી મસ્તાને શીખવી હતી.

મુંબઇના ડોન હાજી મસ્તાને આ જ્ઞાતિવાદી રાજકારણની જનમઘૂંટી આજના રાજકારણીઓને ગળથૂથીમાં કેવી રીતે આપી તે સમજવા માટે આપણે થોડા ફ્લેશબેકમાં જઈએ.

જ્ઞાતિવાદી રાજકારણની જનમઘૂટી

ગુજરાતમાં પહેલા ક્યારેય કોમવાદી તોફાનો થતાં ન હતાં. 1946માં આઝાદી પહેલા એક કોમી રમખાણ થયું હતું અને ત્યારબાદ ગુજરાતની સ્થાપના થઈ.

એના નવ વર્ષ પછી 18 સપ્ટેમ્બર 1969ના દિવસે ગુજરાતમાં કોમી તોફાનો થયા હતા.

1969માં થયેલા કોમી તોફાનો વખતે જાતિવાદના બીજ ઉમેરાયા હતાં પણ રાજકારણમાં જ્ઞાતિવાદનો સડો ઘૂસ્યો ન હતો.

એની પાછળ હતાં તે વખતના શહેર અમદાવાદના કૉંગ્રેસ પ્રમુખ જમનાશંકર પંડ્યા.

1969ના તોફાનોમાં સાધુઓ જ્યારે અમદાવાદના જગન્નાથ મંદિર પાસે ઉપવાસ ઉપર ઉતર્યા હતા, ત્યારે મુસ્લીમોનો પક્ષ લઇને જમનાશંકર પંડ્યા સાધુઓ પાસે ગયા હતાં.

એ સમયે ખામતાપ્રસાદ નામના સાધુએ એમને અને કોંગ્રેસને ગાળો ભાંડી કાઢી મૂક્યા હતાં.

અલબત્ત એ સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્ઞાતિવાદનો હલકોસો રંગ દેખાયો હતો પણ એની ખાસ કોઈ અસર ન હતી.

આ સમયગાળા દરમિયાન સોનાનું અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો - સાધનોનું (જેને આજે આપણે હોમ એપ્લાયન્સિસ અને ઇલેક્ટ્રોનિક્સના શો-રૂમમાં જોઇએ છીએ) સ્મગલિંગ પુરજોશમાં ચાલતું હતું.

હાજી મસ્તાન અને દાણચોરી

હાજી મસ્તાન મુંબઈમાં બેસીને કથિત રીતે દમણ અને ગુજરાતના જામસલાયામાં દાણચોરીનો માલ ઉતારતા હતા.

અહીં કથિત રીતે શુકર નારાયણ બખિયા અને હાજી તાલેબ જામસલાયા અને પોરબંદરમાં એમનું કામ સંભાળતા હતાં.

દેશમાં જ્યારે કટોકટી આવી ત્યારે હાજી મસ્તાનને જેલમાં રહેવું પડ્યું હતું.

જેલમાં રહેતા હાજી મસ્તાને જોયું કે બે નંબરના ધંધામાં જેલમાં ના જવું હોય તો રાજકારણીઓને હાથમાં લેવા પડશે.

જેલમાં તેઓ અનેક રાજકારણીઓના સંપર્કમાં આવ્યા હતા. શાતિર દિમાગના હાજી મસ્તાને જેલમાં પૂરાયેલા રાજકારણીઓની તાકાત જોઈ.

એ પછી અંડરવર્લ્ડમાં એકચક્રી શાસન કરવું હોય તો રાજકારણીઓને હાથમાં રાખવા જોઈએ એવો મનસૂબો કર્યો.

હાજી મસ્તાનની રાજકારણમાં એન્ટ્રી

જેલમાંથી છૂટીને હજ પઢીને આવ્યા પછી હાજી મસ્તાને ગુજરાત અને મહારાષ્ટ્રના રાજકારણમાં સિક્કો જમાવવાનું નક્કી કર્યું.

એંસીના દાયકામાં હાજી મસ્તાન ગુજરાત આવ્યા. એ જમાનામાં શાહઆલમમાં સફેદ કલરની મર્સીડિઝ કાર લઈ તેઓ નવાબ ખાનને મળવા અમદાવાદ આવ્યા હતા.

નવાબખાન એ સમયે મુસ્લિમ ધનિક ગણાતા હતા અને સ્થાનિક સ્તરે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના સત્તાવાર ધંધામાં ઝંપલાવીને બિઝનેસમેન તરીકે પંકાવાનું બાકી હતું.

હાજી મસ્તાને સજાદ લોખંડવાલા સાથે મીટિંગ કરી અને ગુજરાતના રાજકારણમાં હાથ લંબાવ્યો.

હાજી મસ્તાને જોયું કે 1981માં ગુજરાતમાં થયેલા કોમી તોફાનોમાં સૌથી વધુ નુકસાન દલિત અને મુસ્લિમ કોમને થયું હતું.

દલિત-મુસ્લિમ ભાઈ ભાઈ

દલિતો અને મુસ્લીમો નજીક નજીક રહેતા હતાં. હાજી મસ્તાને પહેલું લક્ષ્ય આ બન્ને જ્ઞાતિને બનાવ્યું અને લક્ષ આપવાનું પણ શરૂ કર્યું.

અમદાવાદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંધારણીય રીતે અને સત્તાવાર ધોરણે ઝંપલાવવા માટે 'દલિત મુસ્લિમ માઇનોરિટી મહાસંઘ' નામનો રાજકીય પક્ષ બનાવ્યો.

અમદાવાદમાં દરિયાપુર, જમાલપુર, શાહપુર જેવા દલિત-મુસ્લિમ બહુમતી વસતી ધરાવતા અને ઘણે અંશે સંવેદનશીલ એવા વિસ્તારોમાં 'દલિત-મુસ્લિમ ભાઈ ભાઈ'ના પોસ્ટર રાતોરાત લાગી ગયાં.

જેના પરિણામે મતોનું વિભાજન થયું. અલબત્ત હાજી મસ્તાનની પાર્ટીનો એક પણ ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યો નહોતો.

પરંતુ અહીં જાતિવાદના કારણે મતોનું વિભાજન કેમ કરવું એનું ગણિત ગુજરાતના રાજકારણીઓને પહેલીવાર સમજાયું.

કારણ કે, હાજી મસ્તાનની પાર્ટીના સમર્થનમાં ઊભા રહેલા લોકોના મતદાને બીજા ઉમેદવારની જીત નક્કી કરી દીધી હતી.

જ્ઞાતિના આધારે રાજકારણ

તૂટેલા વોટ બીજાને કેવી રીતે જીતાડી શકે એનું ગણિત ગુજરાતના રાજકારણીઓને હાજી મસ્તાને શીખવ્યું.

આમ મુંબઈથી ગુજરાત આવીને જ્ઞાતિવાદના રાજકારણનું ગણિત શીખવનારા કથિત દાણચોર હાજી મસ્તાન બધા રાજકારણીઓની પાઠશાળાના પ્રિન્સિપાલ બની ગયા.

કારણ કે, કટોકટી પછી કોંગ્રેસની ખરાબ સ્થિતિ અને જનતા પક્ષ, જનસંઘ, જનતાદળ અને ભાજપ સરખા વિપક્ષોનો વધતો જતો રાજકીય આધાર પણ ગુજરાતના રાજકારણને જ્ઞાતિવાદ તરફ ઘસડી ગયો.

ગુજરાતના દરેક શહેર, ગામ, કસબા, તાલુકા અને જિલ્લે - જિલ્લે જ્ઞાતિના આધારે રાજકારણ રમાવાનું શરૂ થયું.

(ક્રમશઃ)

(ગુજરાતના રાજકારણમાં નેતાઓ દ્વારા શરૂ થયેલા જ્ઞાતિવાદનું કારણ સિત્તેરના દાયકામાં થયેલી રાજકીય ઉથલપાથલ હતી. વધુ વિગતો વાંચો...હવે પછી)

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો