સોશિઅલ : બહેન સાથે નહેરુની તસવીરો શેર કરી ઘેરાઈ બીજેપી

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

ભાજપના સોશિઅલ મીડિયા પ્રભારી અમિત માલવીયએ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની મહિલાઓ સાથેની તસવીરો ટ્વીટ કરી હતી.

ટ્વીટમાં તેમણે લખ્યું, "એવું લાગે છે કે શક્તિસિંહ ગોહિલે જે દાવો કર્યો તેનાથી વિપરીત હાર્દિકમાં નહેરુનું ડીએનએ વધારે છે."

ગુજરાત કોગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલમાં સરદાર પટેલનું ડીએનએ છે.

તમને આ પણ વાંચવું ગમશે

તાજેતરમાં દિવસોમાં હાર્દિક પટેલની કથિત સીડી બહાર આવી છે જેમાં તે એક યુવતી સાથે દેખાઈ રહ્યો છે.

આ વીડિયો મામલે ઘણો વિવાદ થયો છે.

બીજી તરફ હાર્દિકે આ વીડિયોને બનાવટી ગણાવ્યો છે.

જ્યારે ભાજપના આઈટી સેલ સાથે જોડાયેલા લોકો આ સીડીને સોશિઅલ મીડિયા પર ખૂબ જ શેર કરી રહ્યા છે.

જ્યારે અમિત માલવીય સાથે બીબીસીએ વાતચીત કરી પૂછ્યું કે નહેરુ પર તેમણે જે ટ્વીટ કર્યું તે અંગે તેમનો શું ઉદ્દેશ હતો?

તેના જવાબમાં તેમણે કહ્યું, "મારો ઉદ્દેશ સ્પષ્ટ છે. આ સિવાય મારે કંઈ કહેવાની જરૂર નથી."

વળી, જ્યારે માલવિયાને કહેવામાં આવ્યું કે તેમણે જે ટ્વીટ કર્યું તેમાં જવાહરલાલ નહેરુ તેમની બહેન વિજય લક્ષ્મી પંડિત સાથે પણ છે તો તેના વિશે તેમણે કહ્યું, "મને ખબર છે કે મેં શું પોસ્ટ કરી છે."

આ ટ્વીટ બાદ એક બીજા રિટ્વીટમાં અમિત માલવીયએ લખ્યું,"શક્તિસિંહ ગોહિલે ઈતિહાસ વાંચવો જોઈએ તો તેમને ખબર પડશે કે હાર્દિકમાં નહેરુનું ડીએનએ વધારે છે."

જો કે બાદમાં અમિત માલવીયએ નહેરુ પર કરેલું ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.

તેના માટે કારણ આપ્યું કે કેટલાક કોંગ્રેસી નેતાઓએ તેમને આવું કરવા આગ્રહ કર્યો હતો.

બીજી તરફ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સીએનએન-આઈબીએન ચેનલ પર એક ચર્ચામાં કહ્યું, "શક્તિસિંહ ગોહિલનું એવું કહેવું કે હાર્દિક પટેલમાં સરદારનું ડીએનએ છે."

"તે સરદાર પટેલનું અપમાન છે. જો કોંગ્રેસ એવું કહે છે કે હાર્દિકમાં નહેરુનું ડીએનએ છે તો હાર્દિક આજકાલ જે કરી રહ્યો છે તે જોઈને અમે આ વાત માની લઈએ."

અમીત માલવીયએ જે તસવીરો ટ્વીટ કરી છે તેમાં બે તસવીરોમાં નહેરુ તેમના બહેન વિજય લક્ષ્મી પંડિત સાથે છે.

માલવીયએ જે તસવીરો પોસ્ટ કરી છે તેમાંની કેટલીક તસવીરો ભારતની પ્રથમ મહિલા ફોટો જર્નલિસ્ટ હોમાઈ વ્યારાવાલા દ્વારા ખેંચવામાં આવેલી છે.

અમીત માલવીયના ટ્વીટ પર જવાબ આપતા શક્તિ સિંહ ગોહિલે લખ્યું,"એ લોકોની બહેનો અને માતાઓ અંગે અફસોસ થઈ રહ્યો છે જે જાહેર વાતચીતોમાં આટલા નીચા સ્તર સુધી જઈ શકે છે."

"મારા સંસ્કાર મને આના જવાબ આપવાની મંજૂરી નથી આપતા."

એક અન્ય ટ્વીટમાં શક્તિ સિંહ ગોહિલે લખ્યું, "સરદાર પટેલ અને નહેરુના ડીએનએમાં નિશ્ચિત રૂપે આ નથી-1. મહિલાઓની જાસૂસી કરવું, 2. પત્નીને છોડી દેવી, 3. વિપક્ષીઓના બેડરૂમમાં ઘૂસી જવું."

દરમિયાન માલવીયના ટ્વીટ પર ટિપ્પણી કરતા લેખક સંદીપ ઘોષે લખ્યું,"ભાજપ આઈટી સેલ અને પ્રવક્તા આવી ગંદી ટિપ્પણીઓથી પાર્ટીની છબી સુધારી નથી રહ્યા. અસંવેદનશીલ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો