પ્રેસ રિવ્યૂ: રાજકીય જાહેરાતોમાંથી ‘પપ્પુ’ શબ્દ હટાવવા નિર્દેશ

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ રાજકીય પક્ષોએ પોતાની પ્રચાર સામગ્રી ચૂંટણીપંચને મંજૂરી માટે મોકલી હતી.

ત્યારે રાજ્યના ચૂંટણીપંચના મીડિયા સેટિફેક્શન એન્ડ મોનિટરિંગ કમિટીએ આ સામગ્રીમાં 'પપ્પુ' શબ્દ ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ ન હોવાની વાત નોંધી હતી.

અહેવાલ મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર બી.બી. સ્વૈને કહ્યું છે કે 24 કલાકમાં આ કમિટી જવાબ આપતી હોય છે. આ કમિટી વાંધાજનક શબ્દો કે અન્ય બાબતો દૂર કરતી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

ગુજરાતની ચૂંટણી હાઈવોલ્ટેજ સાથે હાઈ-ટેક પણ!

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ ચૂંટણીપંચે ચૂંટણીને લઈને ખાસ નવી સાતથી વધુ આઈટી ઍપ્લિકેશન્સ તૈયાર કરી છે.

ચૂંટણીપંચની ઍપ્લિકેશનમાં લોકો ફરિયાદ પણ દાખલ કરી શકે છે. મોબાઈલ ઍપ્લિકેશન પર ફોટોગ્રાફ્સ કે વીડિયો સાથે ફરિયાદ મોકલી શકાશે.

રાજકીય પક્ષો ઍપ્લિકેશનના માધ્યમથી ચૂંટણીપંચ પાસેથી વિવિધ મંજૂરી પણ 24 કલાકમાં મેળવી શક્શે.

ચીનમાં ઈસુની તસવીર હટાવી શી જિનપિંગની તસવીરો!

નવગુજરાત સમયના અહેવાલ મુજબ ચીનમાં સતત બીજીવાર રાષ્ટ્રપ્રમુખ બનેલા શી જિનપિંગને હવે ભગવાન ગણાવવામાં આવી રહ્યા છે.

અહેવાલ મુજબ ચીનના દક્ષિણ પૂર્વ ક્ષેત્રમાં રહેતા ખ્રિસ્તી પરિવારોને હવે ઈસુ ખ્રિસ્તની તસવીરના સ્થાને શી જિનપિંગની તસવીર લગાવવાનો હુકમ આપવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ યુગાન કાઉન્ટીમાં રહેતા હજારો પરિવારોને કહેવામાં આવ્યું છે કે તેમની ગરીબી અને કષ્ટ ઈસુને પ્રાર્થનાથી દૂર નહીં થાય પણ રાષ્ટ્રપતિ શી જિનપિંગ દૂર કરશે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ચીનમાં મુસ્લિમ સમાજ પર પણ કડક વલણ દાખવવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો