હાર્દિકનો કથિત વીડિયો : નેતાઓને બદનામ કરવા મહિલાઓનો દુરુપયોગ કેમ?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી

હાર્દિક પટેલનો એક અજાણી યુવતી સાથેનો કથિત વીડિયો વાઇરલની ચર્ચા સોમવાર બપોર પછી રાજ્યમાં થઈ રહી છે.

એક તરફ હાર્દિક પટેલે આ વીડિયો મોર્ફ કરેલો હોવાનું જણાવીને તેની સામેના આક્ષેપો ફગાવી દીધા છે. તેમણે 'ગંદા રાજકારણ' માટે 'મહિલાઓનો ઉપયોગ' કરવા વિશે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

તો બીજી તરફ અન્ય એક પાટીદાર નેતા અશ્વિન પટેલે દાવો કર્યો છે કે, તે વીડિયોમાં યુવતી સાથે જોવા મળતો યુવાન હાર્દિક જ છે.

બીબીસી ગુજરાતીએ ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કોંગ્રેસનાં મહિલા નેતાઓ સાથે વાતચીત કરીને જાણ્યું કે, મહિલાઓ સાથેનાં સંબંધોનો કેવી રીતે રાજકીય લાભ માટે દુરુપયોગ કરવામાં આવે છે.

તમને આ વાંચવું પણ ગમશે :

તમામ મહિલા નેતાઓએ, કોઈ પુરુષ રાજકીય નેતા સાથે કોઈ મહિલા જોવા મળે તો ઉપજાવી કાઢવામાં આવતા વિવાદો સામે તેમનો વિરોધ નોંધાવ્યો.

તેમનાં મતે કોઈ પણ રાજકીય પક્ષ પોતાને મહિલા અધિકારોના સંરક્ષક હોવાનો દાવો કરી શકે તેમ નથી. તેમનાં મતે આ પ્રકારનાં વીડિયોઝને ટૂંકા ગાળાના લાભ માટે રાજકીય પક્ષો ઉપયોગ કરે છે.

‘મહિલાઓ જાહેર જીવનમાં નહીં આવે’

ગૂજરાત વિદ્યાપીઠના સમાજશાસ્ત્ર વિભાગનાં વડાં આનંદીબેન પટેલ માને છે કે, આ પ્રકારની ઘટનાઓથી મહિલાઓના રાજકારણમાં પ્રવેશ માટે અડચણો ઊભી કરે છે.

તેમણે કહ્યું, "...આ પ્રકારની ઘટનાઓથી જાહેર જીવનમાં પ્રવેશવા ઇચ્છતી કોઈ પણ મહિલાના આત્મવિશ્વાસને અસર થશે."

ગુજરાત પ્રદેશન કોંગ્રેસ કમિટીની મહિલા પાંખનાં પ્રમુખ સોનલ પટેલ દત્તાએ જણાવ્યું કે આ વીડિયો મહિલાઓનું અપમાન છે. તેમણે કહ્યું કે, જો એ વીડિયોમાં દેખાતો પુરુષ હાર્દિક જ હોય તો પણ એ એનું અંગત જીવન છે.

હાર્દિકના વિરોધીઓએ આ રીતે કોઈ મહિલાનો ઉપયોગ કરીને આ પ્રકારનો વીડિયો રેકોર્ડ કરવાને બદલે તેનો કોઈ ભ્રષ્ટાચાર અથવા જો એ અન્ય અનૈતિક પ્રવૃત્તિઓ કરતો હોય તો તે શોધવા કામે લાગવું જોઇએ.

હાર્દિકે ભાજપ પર આ પ્રકારનો વીડિયો બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

ત્યારે ભાજપના ગુજરાત એકમનાં ઉપ-પ્રમુખ જસુબેન કોરાટ, હાર્દીકની છબી ખરાબ કરવા માટે આ પ્રકારના વીડિયોનો ઉપયોગ કરવા બાબતે તેમનો અણગમો વ્યક્ત કર્યો.

કોરાટે કહ્યું, "જે કોઈ પણ પક્ષ પોતાના લાભ માટે આ પ્રકારનાં વીડિયોમાં મહિલાઓનો ઉપયોગ કરે છે તે ન ચલાવી લેવાય."

કોરાટ ભાજપ માટે સૌરાષ્ટ્રમાં પક્ષનાં મહિલા અગ્રણી નેતા છે. તેમણે આ વીડિયો વાઇરલ થવાના સમયને પણ સૂચક ગણાવ્યો. આ વીડિયોમાં લગાવવામાં આવેલો ટાઇમ સ્ટેમ્પ મે, 2016 દર્શાવ્યો છે.

સેક્સ સીડીનો રાજકારણમાં ઉપયોગ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર અને રાજકીય અભ્યાસુ ઘનશ્યામ શાહને આ પ્રકારે વીડિયો જાહેર થયો તેમાં કોઈ જ આશ્ચર્ય થયું નથી.

તેમણે કહ્યું, "આ રાજ્યનાં રાજકારણમાં સેક્સ સીડીનો ઉપયોગ એ નવો નથી. આ અગાઉ પણ કેટલાક રાજકીય નેતાઓ સામે તેનો ઉપયોગ થઈ ચૂક્યો છે."

વર્ષ 2005, ભાજપના સંજય જોશીને પણ કથિત સેક્સ સીડીના કૌભાંડમાં સંડોવવામાં આવ્યા હતા. તેમને પછીથી મધ્યપ્રદેશ પોલીસ દ્વારા દોષમુક્ત કરવામાં આવ્યા હતા.

શાહે જણાવ્યું કે, આ વીડિયોથી હાર્દિક પટેલને નુકસાન થવાને બદલે મહિલાઓના ગૌરવને વધુ હાનિ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો