You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ કરતા વધુ રૂપિયા ખર્ચ્યા!
મોંઘવારીની અસર ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા થતાં ખર્ચની રકમને પણ થઈ છે. વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોએ ચૂંટણી પંચે નક્કી કરેલી 16 લાખ રૂપિયાની મર્યાદાને ઓળંગીને વધારે ખર્ચ કર્યો હતો.
એમાં પણ ભાજપના એક ઉમેદવારે 36 લાખ કરતાં પણ વધુ ખર્ચ કર્યો હતો. એટલું જ નહીં આ ખર્ચનો હિસાબ તેમણે ચૂંટણી પંચને પણ આપ્યો હતો. આ વર્ષે ચૂંટણી પંચે વિધાનસભાના ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં થતા ખર્ચની મર્યાદા રૂપિયા 16 લાખથી વધારી 28 લાખ રૂપિયા કરી છે.
દિલ્હી અને અમદાવાદ સ્થિત સ્વયંસેવી સંસ્થાઓ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ અને માહિતી અધિકાર ગુજરાત પહેલ દ્વારા ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્યોએ કરેલ ખર્ચના વિશ્લેષણ પરનો એક વિસ્તૃત અહેવાલ રવિવારે પ્રકાશિત કરાયો છે.
તમને આ પણ વાંચવું ગમશે
આ અહેવાલ પ્રમાણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 37 ધારાસભ્યોની મેળવાયેલી વિગતોને આધારે તેમનો સરેરાશ ખર્ચ 9.08 લાખ થયો હતો. જે નક્કી કરેલી 16 લાખ રૂપિયાની ખર્ચ મર્યાદાના 56.8% ટકા જેટલો જ હતો.
જ્યારે ભારતીય જનતા પાર્ટીના 101 ધારાસભ્યોનો ખર્ચ સરેરાશ ખર્ચ 8.5 લાખ છે, જે મહત્તમ મર્યાદાનાં 53.2 ટકા છે.
જ્યારે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનાં 2 ધારાસભ્યોએ સરેરાશ ખર્ચ 10.52 લાખ રૂપિયા કર્યો હતો.
સૌથી વધુ ખર્ચ કરનાર ધારાસભ્યો
- સતીશ મોતીભાઈ પટેલ, કરજણ, વડોદરા, ભાજપ, 36.76 લાખ (230 ટકા)
- ચંદ્રિકાબેન છગનભાઇ બારીયા, ગરબડા, દાહોદ, કોંગ્રેસ, 14.55 લાખ (91 ટકા)
- ડૉ. નીમાબેન ભાવેશ આચાર્ય, ભુજ, કચ્છ, ભાજપ, 14.29 લાખ (89 ટકા)
- જયંતભાઈ રમણભાઈ પટેલ, ઉમરેઠ, આણંદ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, 14.20 લાખ (88 ટકા)
- અશોક રણછોડભાઈ પટેલ, ગાંધીનગર (ઉત્તર), ગાંધીનગર, ભાજપ, 14.09 લાખ (88 ટકા)
સૌથી ઓછો ખર્ચ કરનાર ધારાસભ્યો
- ભૂપેન્દ્રસિંહ મનુભા ચૂડાસમા, ધોળકા, અમદાવાદ, ભાજપ, 43 હજાર (3 ટકા)
- ગ્યાસુદ્દીન હબીબુદ્દીન શેખ, દરિયાપુર, અમદાવાદ, કોંગ્રેસ, 1.60 લાખ (10 ટકા)
- કિશોરભાઈ બાબુભાઇ ચૌહાણ, વેજલપુર, અમદાવાદ, ભાજપ, 3.90 લાખ (24 ટકા)
- મહેન્દ્ર લીલાધર મશરૂ, જૂનાગઢ, જૂનાગઢ, ભાજપ, 3.99 લાખ (25 ટકા)
- પબુભા વિરમભા માણેક, દ્વારકા, જામનગર, ભાજપ, 4.07 લાખ (25 ટકા)
શું આટલો ઓછો ખર્ચ ચૂંટણીમાં શક્ય છે?
અહેવાલનાં મહત્વ વિશે બીબીસી સાથે વાતચીતમાં નેશનલ ઇલેકશન વૉચ અને એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના સ્થાપક સભ્ય અને આઈઆઈએમ અમદાવાદના નિવૃત્ત પ્રોફેસર જગદીપ છોકરે કહ્યું, "આ અહેવાલ અમે ઉમેદવારોએ સોગંદનામું રજૂ કરીને જાહેર કરેલી માહિતી પરથી તૈયાર કર્યો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ચૂંટણીમાં આટલો ઓછો ખર્ચ થતો હોય તેને તર્કસંગત નથી ગણાવ્યું. તેમણે કહ્યું, “આ અહેવાલમાં ઉમેદવારોએ દર્શાવાયેલો ખર્ચો વ્યવહારિક રીતે શક્ય નથી. પરંતુ એનો અર્થ એ પણ નથી કે અમે એવું કહીએ છીએ કે આ વિગતો ખોટી છે.”
તેમણે ઉમેર્યું, “આ વિગતો જાહેરમાં ઉપલબ્ધ છે અને અમારી સંસ્થા આ વિગતો મતદારોની જાગૃતિ માટે પ્રકાશિત કરે છે. કારણ કે, આ વિગતો ઉમેદવારોના સોગંદનામામાં લખાયેલી હોય છે. પોતે ચૂંટેલા ઉમેદવારોએ ચૂંટણી જીતવા કેટલો ખર્ચ કર્યો છે તે જાણવાનો મતદારોને અધિકાર છે.”
આગામી દિવસોમાં આ સંગઠન 2017ની ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ઉમેદવારી નોંધાવનારા તમામ ઉમેદવારોના અભ્યાસ, નાણાકીય અને ગુનાહિત ભૂતકાળની વિગતો દર્શાવતો અહેવાલ રજુ કરશે તેમ પ્રોફેસર છોકરે જણાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો