'ભાજપ માટે સલાયા ધર્મનિરપેક્ષ રાજકારણનું પ્રતીક બની ગયું છે'

    • લેેખક, વિજયસિંહ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ચૂંટણીઓમાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપતી નથી તથા તે મુસ્લિમોને અવગણે છે. આવા આરોપો વચ્ચે 2012માં સલાયા નગરપાલિકાની તમામ સીટો પર ભાજપની જીત થઈ હતી.

સલાયા નગરપાલિકામાં કુલ 27 બેઠકો છે. જેમાં હાલ 24 સભ્યો મુસ્લિમ અને ત્રણ સભ્યો હિંદુઓ છે. આ તમામ ભાજપના સભ્યો છે.

સલાયામાં અંદાજિત 60,000ની વસતિ છે. જેમાં હિંદુઓની વસતિ માત્ર એક હજાર જેટલી છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ મુસ્લિમ બહુમતીવાળા સલાયામાં ભાજપની જીત કઈ રીતે થઈ? મુસ્લિમ સભ્યોની બહુમતીવાળી નગરપાલિકાનો ભાજપ સરકાર સાથેનો અનુભવ કેવો રહ્યો અને વિકાસનાં કામ કેવાં થયાં?

આ બાબતો જાણવા માટે બીબીસી ગુજરાતીની ટીમે સલાયાની મુલાકાત લીધી. ખંભાળીયાથી વીસ કિ.મી દૂર આવેલું સલાયા બંદર, દેશી વહાણો, કન્ટ્રિ ક્રાફ્ટ બનાવવા માટે દેશભરમાં જાણીતું છે.

અહીંના મોટાભાગના લોકો માછીમારી અને વહાણવટાના વ્યવસાય સાથે જોડાયેલા છે.

સલાયા નગરપાલિકામાં ભાજપનાં શાસનનું શ્રેય સાલે મામદ કરીમ ભાગડ ઉર્ફે સાલુભાઈને લોકો આપે છે.

58 વર્ષીય સાલુભાઈ રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણેલા છે અને વર્ષોથી તેઓ સ્થાનિક રાજકારણમાં છે.

2003નાં વર્ષમાં સાલુભાઈ અને તેમના ટેકેદારોએ સમતા પાર્ટીમાંથી ચૂંટણી લડી અને જીત્યા.

ગુજરાતમાં એક માત્ર નગરપાલિકા એવી બની, જ્યાં સમતા પાર્ટી બહુમતીમાં હોય. સાલુભાઈ નગરપાલિકાના પ્રમુખ બન્યા.

રાજકીય કારકિર્દીના આરંભે તેઓ સમતા પાર્ટીમાં સક્રિય હતા. 2007 પછીની પેટા ચૂંટણીઓમાં સાલુભાઈના સમર્થકો ભાજપમાં ભળતા ગયા અને પુનઃ નગરપાલિકાના પ્રમુખ બન્યા.

ભાજપમાંથી ઉમેદવારી અંગે વાત કરતા સાલુભાઈ કહે છે, "2012ની ચૂંટણીમાં અમે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી. મેં ભાજપને જીતની ખાત્રી આપી હતી.

"જીત મળતાં પક્ષના મોવડીઓને પણ આશ્ચર્ય થયું. મસ્લિમ બહુમતી વાળા સલાયામાં ભાજપના તમામ સભ્યો જીતી ગયા."

"ત્યારબાદ તત્કાલીન મુંખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમને ગાંધીનગર બોલાવ્યા અને અભિનંદન આપ્યા.''

નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તમે તેમને શું કહ્યું? આ પ્રશ્નના જવાબમાં સાલુભાઈ કહે છે, 'મેં નરેન્દ્ર મોદીને એટલું જ કહ્યું કે, તમે ગુજરાતમાં જે વિકાસ કર્યો છે, એ વિકાસ મારે અમારા સલાયામાં કરવો છે.

"બસ એટલું જ અને આ પછી સલાયામાં વિકાસે હરણફાળ ભરી. આજથી પંદર વર્ષ પહેલાં અહીં અમારે રેશનકાર્ડ ઉપર પીવાનું પાણી વિતરણ કરવું પડ્યું હતું.

"આજે ઘરે-ઘરે નળ કનેક્શન છે. આખા સલાયામાં સિમેન્ટના રોડ બનાવ્યા છે. તમામ સ્ટ્રીટ લાઇટ્સ એલઈડી છે. જેટીનું આધુનિકીકરણ થઈ ગયું છે.''

ભાજપ મુસ્લિમ વિરોધી છે કે નહીં તે અંગે જવાબ આપતા સાલુભાઈ કહે છે, "અમે જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારથી સલાયામાં વિકાસે વેગ પકડ્યો છે."

"અમારી પાસે પૈસા ખૂટતા નથી. એમ કહી શકાય કે, ભાજપ માટે સલાયા ધર્મનિરપેક્ષ રાજકારણનું પ્રતીક બની ગયું છે."

"કોઈ એમ પૂછે કે ભાજપ મુસ્લિમ વિરોધી છે, તો પક્ષ એમ કહી શકે છે કે, જાવ સલાયામાં અને જોઈ આવો.''

બીબીસી એ જ્યારે સાલુભાઈને પૂછ્યું કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને ભાજપે ટિકિટ આપવી જોઇએ?

આ સવાલનો જવાબ ટાળતા સાલુભાઇએ કહ્યું, "એ બધા વિશે મારે કશું કહેવુ નથી. મારા માટે સલાયાનો વિકાસ એકમાત્ર ધ્યેય છે અને અમે ભાજપમાં ભળ્યા પછી એ થયો છે.''

મુસ્લિમ બહુમતી ધરાવતા સલાયામાં કોમી એકતા વિશે વાત કરતા સાલુભાઈ કહે છે કે 2003ની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા એક માત્ર હિંદુ ઉમેદવાર કમલેશ સયાણીને નગરપાલિકાના ઉપપ્રમુખ બનાવ્યા હતા.

કોમી તંગદિલી એટલે શું તેની અહીં કોઈને ખબર નથી. આજે પણ ઉપ-પ્રમુખ હિંદુ છે. સલાયાની એક માત્ર સરકારી હાઈસ્કૂલ હિંદુ વિસ્તારમાં છે. હિંદુઓને ઘર આંગણે શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા છે.

મુસ્લિમોની દેશભક્તિ અંગે વાત કરતા આદમ ભાયા કહે છે, "સલાયાના મુસ્લિમોએ રાષ્ટ્રભક્તિ કોઈની પાસે શીખવા જવાની જરૂર નથી."

"ગુજરાતના કોઈ ગામ કે શહેરમાં શુક્રવારની નમાજે ભારતનો તિરંગો લહેરાતો હશે કે નહીં એ ખબર નથી પણ સલાયામાં દર શુક્રવારે અને તમામ મહત્વના તહેવારો-ઉત્સવોના દિવસે તિરંગો અચૂક ફરકાવીએ છીએ''

સલાયા નગરપાલિકાના ઉપ-પ્રમુખ જીવાભાઈ પરમાર કહે છે કે અહીંયા હિંદું-મુસ્લિમ ભાઈચારાથી રહે છે. સલાયા કોમી એકતાનું ઉદાહરણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો