એક રૂપિયાની નોટ જારી થયાને એક સદી પૂર્ણ

    • લેેખક, જાન્હવી મૂળે
    • પદ, બીબીસી સંવાદદાતા

30 નવેમ્બર 1917ના દિવસે સૌ પ્રથમ એક રૂપિયાની નોટ દેશમાં જારી કરવામાં આવી હતી.

એક સદી બાદ, ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી છપાયેલી એક રૂપિયાની નોટમાં પણ એ તફાવત જોવા મળે છે.

એ સમયે આ એક રૂપિયાની નોટ ઇંગ્લૅન્ડમાં છપાઈ હતી. નોટની આગળની બાજુ ડાબી તરફ પર કિંગ જ્યોર્જ પંચમની તસવીર છે.

આ એક રૂપિયાની નોટ પર લખાયેલું છે કે 'હું ધારકને એક રૂપિયાની રકમ ચૂકવવાનું વચન આપું છું.' મતલબ કે આ વચનપત્ર છે.

આ પછી ભારતમાં છપાયેલી કોઈપણ એક રૂપિયાની નોટમાં આ વચન નથી.

આ નોટની પાછળની તરફ આઠ ભારતીય ભાષામાં 'એક રૂપિયો' લખાયેલું છે.

ઓનલાઇન મ્યુઝિયમ મિન્ટેજવર્લ્ડના સીઇઓ સુશિલકુમાર અગ્રવાલ મુજબ 19મી સદીમાં બ્રિટિશ સરકારે પેપર નોટ છાપવાનું શરૂ કર્યું હતું.

એ પહેલાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના બંગાળમાં શાસન દરમિયાન પેપર નોટ રજૂ કરવામાં આવી હતી.

પરંતુ છેક 1917માં પહેલી એક રૂપિયાની નોટ છપાઈ હતી.

પોર્ટુગિઝ અને ફ્રેન્ચ સરકારોએ ત્યાર બાદ પોતાની એક રૂપિયાની આવૃતિ રજૂ કરી હતી. જે અનુક્રમે 'નોવા ગોવા' અને 'રોપિ' હતી.

ભારતમાં કેટલાક રજવાડાનું પોતાનું ચલણ હતું. તેમાંના હૈદરાબાદ અને કાશ્મીરને તેમની પોતાની એક રૂપિયાની નોટ છાપવાની પરવાનગી મળી હતી.

બીજા વિશ્વયુદ્ધ વખતે બર્મામાં ઉપયોગમાં લેવા માટે ખાસ પ્રકારની એક રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી.

ભારતીય ચલણ એ સમયે દુબઈ, બહેરિન, ઓમાન જેવા કેટલાક મધ્યપૂર્વના દેશોમાં પણ ચાલતું હતું.

રસપ્રદ બાબત તો એ હતી કે, ભાગલા પછી પણ કેટલાક સમય સુધી પાકિસ્તાનમાં એક રૂપિયાની નોટનો ઉપયોગ થતો હતો.

આઝાદી પછી ભારતના રાષ્ટ્રીય પ્રતીકે શાહી પ્રતીકનું સ્થાન લઈ લીધું. એક રૂપિયાની નોટ પર પણ આ ફેરફાર દેખાયો.

મિન્ટેડવર્લ્ડ અનુસાર, છેલ્લાં 100 વર્ષમાં 28 જુદીજુદી ડિઝાઇનવાળી, લગભગ 125 જેટલી અલગઅલગ પ્રકારની એક રૂપિયાની નોટ ચલણમાં છે.

રકમ ઓછી પણ મૂલ્ય ઊંચું

જેમજેમ ભારતે પોતાના જ ચલણનું અવમૂલ્યન કર્યું, તેમ તેમ એક રૂપિયાએ વ્યવહારોના સંદર્ભમાં મહત્વ ગુમાવી દીધું છે, પરંતુ એક રૂપિયાની નોટનું મૂલ્ય વધી ગયું છે.

એક રૂપિયાની નોટ વિશે કેટલીય જાણવા જેવી વાતો છે. ભારતીય ચલણમાં એક રૂપિયાની કિંમત સૌથી ઓછી છે, પરંતુ તે સૌથી નોંધપાત્ર ચલણ છે.

એક રૂપિયાની નોટ ભારત સરકાર જારી કરે છે. જ્યારે કે બાકી બધી ચલણી નોટ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા જારી કરે છે.

એટલે જ એક રૂપિયાની નોટ પર ભારત સરકારના નાણાંસચિવની સહી હોય છે. બાકીની બધી ચલણી નોટ પર રિઝર્વ બેંકના ગર્વનરની સહી હોય છે.

આ એક રૂપિયાની નોટને છાપવા માટેનો ખર્ચ ઘણો વધારે હોય છે. એટલે જ વર્ષ 1995માં ભારત સરકારે તેને છાપવાનું બંધ કરી દીધું.

પરંતુ 2015ના વર્ષમાં એક રૂપિયાની નોટની નવી સિરીઝ રજૂ કરવામાં આવી હતી.

જોકે, બહુ ઓછા પ્રમાણમાં એક રૂપિયાની નોટ વ્યવહારમાં છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ જ્યારે નાણાંસચિવ હતા, ત્યારે તેમના દ્વારા સહી કરાયેલી એક રૂપિયાની નોટ પણ અત્યારે શોધવી અઘરી છે.

આવી જ કેટલીક ભાગ્યે જોવા મળતી એક રૂપિયાની નોટ એક હજારની કિંમતે પણ વેચાય છે.

આ વર્ષની શરૂઆતમાં જ 1985માં છપાયેલી એક રૂપિયાની નોટ ક્લાસિકલ ન્યૂમિઝમેટીસ ગેલેરીમાં બે લાખ પંચોતેર હજારમાં વેચાઈ હતી.

તોડીવાલા લીલામીમાં 1944માં છપાયેલી એક રૂપિયાની સો નોટ એક લાખ ત્રીસ હજારમાં વેચાઈ હતી.

અંતે એક સવાલ જરૂર થાય કે તમે એક રૂપિયામાં શું ખરીદી શકો? પરંતુ આ સવાલનો જવાબ તમારી પાસે કઈ એક રૂપિયાની નોટ છે તેના પર આધાર રાખે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો