ગુજરાતના દલિતો પર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધીનો કેવો પ્રભાવ છે?

    • લેેખક, પ્રિયંકા દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

અમે અમદાવાદથી આશરે 140 કિલોમીટર દૂર ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં છીએ.

સ્ટેટ હાઈવે ક્રમાંક 55ની બન્ને બાજુ પર કાંટાળી ઝાડીઓની પાછળના ખેતરમાં કપાસ અને ઘઉંનો પાક દેખાય છે.

એ ખેતરોને પાર કરીને અમે પાટણના હારિજ તાલુકાના બોરતવાડા ગામમાં પહોંચીએ છીએ.

બોરતવાડાના દલિતોના બાહુલ્યવાળા રોહિતવાસમાં રહેતા ગામના સરપંચ મહેશભાઈ મક્વાણા માટે વ્યસ્તતાસભર સવાર છે.

તમને આ પણ વાંચવું ગમશે

ગામના પહેલા દલિત સરપંચ

મહેશભાઈના પાક્કા મકાન સામે ભેંસો બાંધેલી છે અને બાજુમાં ટ્રેકટર પાર્ક કરવામાં આવ્યું છે. તેને પાર કરીને અમે મહેશભાઈ પાસે પહોંચ્યા.

41 વર્ષના મહેશભાઈ પંચાયતના રોજિંદા કામમાં વ્યસ્ત છે, તેઓ બોરતવાડાના પહેલા દલિત સરપંચ છે.

1961માં ગુજરાત પંચાયત એક્ટ પસાર થયા બાદ 2016માં બોરતવાડાના સરપંચપદને અનુસૂચિત જાતિ-જનજાતિ માટે અનામત જાહેર કરવામાં આવ્યું હતું.

એ પછી યોજાયેલી પહેલી ચૂંટણીમાં 12 મતથી વિજય મેળવીને મહેશભાઈએ 2017ના એપ્રિલમાં પદભાર સંભાળ્યો હતો.

જોકે, એ પછીના માત્ર બે મહિનામાં ગામની પંચાયત સમિતિએ મહેશભાઈ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.

મહેશભાઈ આક્ષેપ કરે છે કે, તેઓ દલિત હોવાને કારણે પંચાયત સમિતિના સભ્યો તેમને પસંદ કરતા નથી.

મહેશભાઈ કહે છે, ''મને ગામના 3200 લોકોએ મત આપીને ચૂંટી કાઢ્યો છે, પણ પંચાયત સમિતિના પાંચ ઠાકોર પંચાયતને પોતાના અંકુશમાં રાખવા ઇચ્છે છે. તેઓ મને અને પંચાયતને કામ કરવા દેતા નથી.

''ગામનાં વિકાસકાર્યો માટે મંજૂર કરાયેલું બજેટ અટકાવવાથી માંડીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી, પંચાયતને ભંગ કરાવી અને મને રોકવાના તથા હેરાન કરવાના બધા પ્રયાસ કરવામાં આવે છે.''

બોરતવાડા પંચાયત સમિતિમાં મહેશભાઈ ઉપરાંત 11 અન્ય સભ્યો છે. તેમાં પાંચ ઠાકોર અને ત્રણ ચૌધરી સભ્યોનો સમાવેશ થાય છે.

મહેશભાઈ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ન હતી, પણ એ દરખાસ્તને લીધે મહેશભાઈના મનમાં અવિશ્વાસની ગાઢ રેખા જરૂર અંકિત થઈ ગઈ છે.

'જિજ્ઞેશ મેવાણી અમારા નેતા છે'

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ગામના દલિતોના વલણ વિશે મહેશભાઈએ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, ''જિજ્ઞેશ મેવાણી અમારા નેતા છે. ગુજરાતના દલિતો માટે જિજ્ઞેશ મેવાણીએ કરેલી 12 માગણીઓને સ્વીકારશે તેને જ અમે મત આપીશું.

અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે નોટાનું બટન દબાવીશું.

મેં તો દલિતો માટે અલગ રાજ્યની માગણી કરવાનું પણ જિજ્ઞેશને જણાવ્યું હતું.''

દલિતો માટે અલગ રાજ્યની માગણી કરવાનું કારણ પૂછ્યું ત્યારે મહેશભાઈ થોડીવાર મૌન થઈ ગયા હતા.

પછી આંખમાં આંસુ અને ચહેરા પર સ્મિત સાથે તેમણે કહ્યું હતું, ''દલિતોનાં માત્ર 70 ઘર ધરાવતા આ ગામના 3200 લોકોએ મને તેમના સરપંચ તરીકે ચૂંટી કાઢ્યો છે, પણ પાંચ ઠાકોર મને કામ નથી કરવા દેતા.

બધાની સામે મારા વિશે અપમાનજનક જ્ઞાતિગત ટિપ્પણી કરવામાં આવે છે. તેનાથી મોટું દુઃખ ક્યું હોઈ શકે?''

ઠાકોરો શું કહે છે?

અમે રોહિતવાસમાંથી નિકળીને હરજી તાલુકા કેન્દ્ર પહોંચ્યાં. ત્યાં અમારી મુલાકાત બોરતવાડા પંચાયત સમિતિના સભ્યો ભરત તથા દિલીપ ઠાકોર સાથે થઈ.

એક પરિવારના આ બે ભાઈઓના પિતા માંગાજી ઠાકોર બોરતવાડાના ઉપસરપંચ છે.

મહેશભાઈએ કરેલા આક્ષેપોને નકારી કાઢતાં ભરત ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ પોતાની મનમાની ચલાવે છે.

ભરત ઠાકોરે કહ્યું હતું, ''ગામના સરપંચપદને અનામત જાહેર કરવામાં આવ્યું ત્યારે અમે દલિત સમાજના લોકોને ગામના શંકર મંદિરે બોલાવ્યા હતા.

અમે તેમને કહેલું કે તમે બધા સહમતીથી કોઈ એક વ્યક્તિને પસંદ કરી લો, ચૂંટણી યોજવાની શું જરૂર? તેમણે એવું ન કર્યું. એ બધાને તો ફોર્મ ભરવું હતું.

ચૂંટણી પછી મહેશ મક્વાણા સરપંચ તો બની ગયા છે, પણ તેઓ અમારી સહમતી વિરુદ્ધ બધા નિર્ણય જાતે કરવા ઇચ્છે છે.

એ કારણસર અમે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. અમારા ઘરના લોકો વર્ષોથી પંચાયતમાં છે, પણ ક્યારેય એવું થયું નથી.

અમે મહેશ મક્વાણા વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને પણ ફરિયાદ કરવાના છીએ.''

ચૂંટણી સંબંધી ગામના વલણની વાત કરતાં ભરત ઠાકોરે કહ્યું હતું, ''અમારા ગામમાં જિજ્ઞેશનો કોઈ પ્રભાવ નથી. અમારા ગામના દલિતો અમે કહીશું તેને મત આપશે.

અમે ચૂંટણીમાં કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીને નહીં, પણ સ્થાનિક ઉમેદવારને ધ્યાનમાં લઈને મતદાન કરીએ છીએ.''

'તેમને દલિત સરપંચ પસંદ નથી'

અમદાવાદ પાછા ફરતી વખતે અમારી મુલાકાત મહેસાણા જિલ્લાની હેડવા ગ્રામ પંચાયતમાં સરપંચ સંજય પરમાર સાથે થઈ.

હેડવા ગ્રામ પંચાયત ભૌગોલિક રીતે રીતે ગ્રામીણ અને કસબાઓ સુધી ફેલાયેલી છે.

શહેરી વિસ્તારના રહેવાસી સંજય પરમાર બિઝનેસમેન હોવાની સાથે હેડવાના પહેલા દલિત સરપંચ પણ છે.

અનામત બેઠક પર 2015માં પહેલી વખત ચૂંટણી જીત્યા બાદ સંજય પરમાર માત્ર પંદર મહિના સરપંચપદે રહી શક્યા હતા.

લાંબા સમયથી તાવ આવતો હોવાને કારણે સંજય પરમાર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જોકે, દલિત સરપંચ હોવાના પોતાના અનુભવની વાત કરવા તેઓ તૈયાર થઈ ગયા.

તેમણે કહ્યું હતું, ''હેડવામાં 63 વર્ષથી ગ્રામ પંચાયત ચાલે છે, પણ કોઈ સરપંચે તેનો કાર્યકાળ પૂરો ન કર્યો હોય તેવું બન્યું નથી. એક દલિત સરપંચ સાથે જ આવું કેમ બન્યું?

''મને બજેટ પાસ કરાવવા દેવાયું ન હતું, કોઈ વિકાસકાર્ય કરવા દેવાયું ન હતું અને બહુમતીથી પંચાયત ભંગ કરવામાં આવી હતી.

''તેનું એકમાત્ર કારણ એ હતું કે, છેલ્લાં વીસ વર્ષથી જે દરબાર પરિવારનો પંચાયત પર અંકુશ હતો, તેમને મારા જેવો દલિત સરપંચ પસંદ ન હતો.''

ન્યાય મેળવવા લાંબી લડાઈ

સંજય પરમારે તેઓ સરપંચ હતા ત્યારે તેમની સાથે કરવામાં આવેલા પક્ષપાતપૂર્ણ વર્તન બાબતે અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ત્રણ ફરિયાદ નોંધાવી હતી.

તેઓ ન્યાય મેળવવા માટે અદાલતી લડાઈ લડી રહ્યા છે. 2017ના એપ્રિલમાં સંજય પરમાર સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડીને બીજીવાર સરપંચ બન્યા હતા.

એ જીતની વાત કરતાં તેમણે કહ્યું હતું, ''મને હેડવાના શહેરી વિસ્તારોમાં રહેતા ભણેલા લોકોએ મત આપીને વિજેતા બનાવ્યો હતો. માત્ર ગ્રામીણ જનતાને સહારે ચૂંટણી જીતવી શક્ય ન હતી.''

સંજય પરમારે ઉમેર્યું હતું, ''મારા પિતા ઈન્કમ ટેક્સ કમિશનર હતા. મેં અત્યાર સુધીની જિંદગી મહેસાણા શહેરમાં પસાર કરી છે.

''મહેસાણામાં કોઈએ મને યાદ દેવડાવ્યું ન હતું કે હું દલિત છું, પણ પંચાયત સમિતિમાં આવ્યા પછી દલિત ઓળખની અનુભૂતિ મને પહેલીવાર થઈ હતી.

''પંચાયત સમિતિમાં કામ કરતી વખતે મને મારી જ્ઞાતિનો અહેસાસ વારંવાર થાય છે.''

આ વખતની ચૂંટણીમાં જિજ્ઞેશ મેવાણીના નેતૃત્વ હેઠળના દલિત પ્રભાવ બાબતે સંજય પરમાર બહુ આશાવાદી નથી.

તેમણે કહ્યું હતું, ''જિજ્ઞેશના આંદોલનને કારણે મારા જેવા ઘણાને હિંમત મળી છે, પણ આ આંદોલનને કેટલી મોટી રાજકીય સફળતા મળશે એ બાબતે હું કંઈ કહી શકું તેમ નથી.

''જોકે, કોંગ્રેસ કે બીજેપીને ટેકો આપવાને બદલે ગુજરાતમાં દલિતોની અલગ રાજકીય ઓળખ બનાવવા મેં જિજ્ઞેશને જણાવ્યું જરૂર છે.''

ભાજપતરફી ઝુકાવ પણ છે

મહેસાણા જિલ્લાના અકાબા ગામના દલિત સરપંચ મનુભાઈ પરમાર લાંબા સમયથી બીજેપીના કાર્યકર્તા છે.

તેમણે કહ્યું હતું, ''ગુજરાતમાં દલિતોની હાલત ખરાબ છે તેનો સંપૂર્ણપણે ઇન્કાર કરી શકાય નહીં, પણ એ માટે બીજેપી સરકાર જવાબદાર નથી.

''આ સમસ્યા વહીવટી નહીં, પણ સામાજિક રૂઢી સાથે જોડાયેલી છે. ગુજરાતની બીજેપી સરકારે દલિતો માટે ઘણાં કામ કર્યાં છે. તેથી આ વખતે પણ અમે બીજેપીને મત આપીશું.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો