ગુજરાત ચૂંટણીમાં હારના ડરથી ભાજપે ઉતારી મંત્રીઓની ફોજ?

વિધાનસભા ચૂંટણીના દિવસો જેમ-જેમ નજીક આવી રહ્યા છે, તેમ-તેમ રાજકીય પક્ષો વધુ જોરથી પ્રચાર કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને જાણીતા સાંસદોને ગુજરાતમાં પ્રચાર માટે ઉતારશે.

ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણાંમંત્રી અરુણ જેટલી, વાહનવ્યવહારમંત્રી નીતિન ગડકરી, સૅનિટેશન મંત્રી ઉમા ભારતી, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરારાજે સિંધિયા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ.

આ યાદી ભાજપના ટોચના નેતાઓની નથી, પરંતુ ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં આવનારા કેન્દ્રીય મંત્રીઓની યાદી છે.

મંત્રીઓના આ સમૂહને ગુજરાતમાં ઉતારી ભાજપ અલગ-અલગ વર્ગના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આમાથી કેટલાક પ્રધાનોએ ગુજરાતમાં પ્રચાર શરૂ પણ કરી દીધો છે.

તમને આ વાંચવું પણ ગમશે :

મંત્રીઓના આ સમૂહને ગુજરાતમાં ઉતારી ભાજપ અલગ-અલગ વર્ગના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ઉપરાંત વડાપ્રધાન પણ આ જંગમાં ઝંપલાવશે.

સંરક્ષણમંત્રી પણ ગુજરાતમાં

સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામનને ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં સહપ્રભારી બનાવવામાં આવ્યાં છે. તેથી તેઓ ગુજરાતમાં ઘણીવાર પત્રકાર પરિષદ સંબોધતાં જોવા મળે છે.

સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથન કહે છે, "ભાજપ આટલા મંત્રીઓને ગુજરાત મોકલી પ્રચારનો એટલા માટે પ્રયત્ન કરી રહ્યું છે કે તેને આ ચૂંટણીમાં વિજય નિશ્ચિત કરવો છે

"આમ કરવાનું કારણ પરાજયનો ડર તો છે જ, પરંતુ જો ગુજરાતમાં મોટાપાયે વિજય ન મળ્યો તો પણ તે ભાજપ માટે હાર સમાન છે."

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 24 નવેમ્બરે ગુજરાતમાં પ્રચાર કર્યો. રાહુલ ગાંધીના આક્ષેપોનો વળતો જવાબ સંરક્ષણમંત્રીએ આ જ દિવસે એક પત્રકાર પરિષદ દરમિયાન આપ્યો હતો.

ભાજપના મીડિયા સેલના કન્વીનર ડૉ. હર્ષદ પટેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "જે કેંદ્રીય મંત્રીઓ અને મુખ્યપ્રધાનો ગુજરાતમાં આવવાના છે તેઓ ભાજપના કાર્યકર્તાઓ પણ છે.

આ પક્ષની એક સામાન્ય કામગીરી છે, જેમાં કોઈ રાજ્યમાં ચૂંટણી હોય તો અન્ય રાજ્યોના નેતાઓ અને કેંદ્રીય મંત્રીઓ પ્રચાર માટે જતા હોય છે."

આવું આ ચૂંટણીમાં જ થઈ રહ્યું છે?

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્ટાર પ્રચારકોનું વિશેષ મહત્વ જોવા મળ્યું છે.

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે, "આટલી મોટી સંખ્યામાં કેબિનેટ મંત્રીઓ અને સ્ટાર પ્રચારકો આવે તેવું ગુજરાતમાં ક્યારેય નથી બન્યું."

"વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણી સમયે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા ત્યારે વિપક્ષોએ તેમની મજાક કરી હતી."

"ત્યારે કહેવાયું હતું કે ગુજરાતમાં ભાજપ સામે સ્પર્ધા કરવા કોંગ્રેસને વડાપ્રધાનને મેદાનમાં ઉતારવા પડ્યા."

"જ્યારે ભાજપ અત્યારે મહત્તમ બેઠકો જીતવાના આયોજન સાથે જે-તે વર્ગને આકર્ષી શકે તેવા પ્રચારકોને ગુજરાતમાં મોકલી રહ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો