પદ્માવતી ઐતિહાસિક પાત્ર છે કે કલ્પનાનું સર્જન?

    • લેેખક, ડૉ. મહાકાલેશ્વર પ્રસાદ
    • પદ, લેખક, ‘જાયસીકાલીન ભારત’

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' બાબતે વિવાદ ચાલી રહ્યો છે, પણ પદ્માવતીનું પાત્ર કેટલું અસલી કે કાલ્પનિક છે એ બાબતે વિદ્વાનોમાં મતભેદ છે.

પદ્માવતી નામની મહિલા વિશેનો પહેલો ઉલ્લેખ મધ્યકાલીન કવિ મલિક મુહમ્મદ જાયસીની કૃતિ 'પદ્માવત'માં જોવા મળ્યો હતો.

એ કૃતિ અલાઉદ્દીન ખિલજીના શાસનકાળનાં 250 વર્ષ પછી લખવામાં આવી હતી. ઘણા વિદ્વાનો પદ્માવતીને એક વિશુદ્ધ કાલ્પનિક ચરિત્ર ગણે છે.

રાજસ્થાનના રાજપૂતોના ઇતિહાસ વિશે કામ કરતા ઇરાચંદ ઓઝાએ પણ પદ્માવતીની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો નથી. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે પદ્માવતી સંપૂર્ણપણે કાલ્પનિક પાત્ર છે.

હિન્દી સાહિત્યના વિદ્વાન રામચંદ્ર શુક્લએ પણ તેને કાલ્પનિક પાત્ર ગણ્યું છે.

જાયસીની પદ્માવતી સાથે થોડો ઇતિહાસ સંકળાયેલો છે, પણ તેમાં કાલ્પનિકતા પણ છે.

આ વાત સમકાલીન રચનાકારો અને ઇતિહાસકારો પાસેથી સમજાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

'પદ્માવત' મધ્યકાળનું એક બહુ મહત્વનું મહાકાવ્ય છે. કેટલાક લોકો માને છે કે જાયસી સૂફી કવિ હતા.

એ સમયના સૂફી કવિઓએ જે રચનાઓ કરી હતી તેમાં તેમણે ચરિત્રોને પ્રતીકાત્મક રૂપમાં ગ્રહણ કર્યાં હતાં. તેનાં ઉદાહરણ તરીકે મધુમતી, મૃગાવતી વગેરેનાં નામો આપી શકાય.

અહીં જે પદ્માવતીની વાત કરવામાં આવી છે એ પણ રાજપુતાના પદ્માવતી ન હતી. એ મૂળ સિઘલગઢ કે સિંઘલ દ્વીપ(જે લંકાનું નામ છે)ની હતી.

ખિલજી અને પદ્માવતી

રચનામાં જણાવ્યા અનુસાર, રાજા રત્નસેન પદ્માવતીને લઈને સિંઘલ દ્વીપ ગયા ત્યાં સુધી રાજાની એક પટરાણી પણ હતી. તેનું નામ નાગમતી હતું.

પદ્માવતીના આગમન બાદ કૃતિમાં જે સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે તેની વાત કાલ્પનિક છે. જોકે, રાજસ્થાનમાં હવે કેટલાક લોકો તેને અસલી ચરિત્ર ગણાવી રહ્યા છે.

એ વિશે બનાવવામાં આવેલી ફિલ્મમાં અલાઉદ્દીનનું પાત્ર જે રીતે દર્શાવવામાં આવ્યું છે તેની સામે કેટલાક લોકોએ વાંધો લીધો છે.

રસપ્રદ વાત એ છે કે પદ્માવતની રચના સોળમી શતાબ્દીમાં કરવામાં આવી હતી, જ્યારે અલાઉદ્દીન ખિલજીના શાસનકાળનો પ્રારંભ 14મી સદીની શરૂઆતથી થાય છે.

અલાઉદ્દીન ખિલજીનો સાશનકાળ 1296થી 1316 સુધીનો હતો. તેથી કથાકારે વાર્તાને આગળ વધારવા માટે કલ્પનાનો સહારો લીધો હોય એ શક્ય છે.

અલાઉદ્દીન ખિલજીના શાસનકાળમાં જે રચનાઓનું સર્જન કરવામાં આવ્યું હતું તેમાં ક્યાંય પદ્માવતીનો ઉલ્લેખ મળતો નથી.

અમીર ખુસરો અલાઉદ્દીનના સમકાલીન હતા. તેમની ત્રણ કૃતિઓમાં રણથંભોર અને ચિત્તોડગઢ પર અલાઉદ્દીન ખિલજીના આક્રમણનું અલંકારિક વર્ણન છે.

જોકે, તેમાં પદ્માવતી જેવા કોઈ પાત્રનું નામ નથી.

નથી મળતો પદ્માવતીનો ઉલ્લેખ

રણથંભોરના યુદ્ધમાં અમીરદેવ અને રંગદેવીની ચર્ચા અમીર ખુસરોએ કરી છે, પણ તેમાં પદ્માવતીનો કોઈ ઉલ્લેખ નથી.

અલાઉદ્દીન ખિલજીએ 1303માં ચિત્તોડગઢ પર આક્રમણ કર્યું હતું અને ચિત્તોડગઢ જીતવામાં તેને છ મહિના લાગ્યા હતા.

અલાઉદ્દીન ખિલજીએ સ્ત્રીઓ માટે આક્રમણ કર્યું હોવાનો દાવો કરવામાં આવે છે.

જોકે, જિયાઉદ્દિન બર્ની અને અબ્દુલ્લા મલિક કિસામી જેવા એ સમયના ઇતિહાસકારો તથા જૈન ધર્મની અન્ય સમકાલીન કૃતિઓમાં એવો ઉલ્લેખ ક્યાંય મળતો નથી.

અમીર ખુસરોની કૃતિઓમાં જૌહરની વાત છે, પણ એ રણથંભોરના આક્રમણ વખતની છે.

ચિત્તોડગઢ પર આક્રમણના સમયે જૌહરનો કોઈ ઉલ્લેખ નથી.

એ પછીના ઇતિહાસકારોની રચનાઓમાં રતનસેન કે પદ્માવતીનો ઉલ્લેખ આવે છે, જે જાયસીના 'પદ્માવત'માંથી લેવામાં આવ્યો હોય એવું લાગે છે.

અબુલ ફઝલે 'આઈને અકબરી'માં તેમાંથી જ ઉલ્લેખ લીધો હતો અને એ પછીના ઇતિહાસકારોએ પણ એવું કર્યું હતું.

આશ્ચર્યની વાત એ છે કે જાયસીએ પદ્માવતીનું પાત્ર એવી જોરદાર રીતે વિકસાવ્યું હતું કે એ પાત્ર ઇતિહાસને અતિક્રમી ગયું હતું.

એ પછીના ઇતિહાસકારો જાયસીની રચનાને એક ઐતિહાસિક કૃતિ ગણવાં લાગ્યાં હતાં.

કલ્પનાનેતિહાસ માન્યો?

તેનું ઉદાહરણ છે કર્નલ ટાડની કૃતિ. રાજપૂતાનાના ઇતિહાસ વિશેની પોતાની કૃતિમાં તેમણે લોકકથાઓ અને દંતકથાઓમાં પ્રચલિત પદ્માવતીના પાત્રને ઇતિહાસના એક ભાગનો દરજ્જો આપી દીધો હતો.

અલાઉદ્દીન ખિલજીના આક્રમણના 240 વર્ષ બાદ 'પદ્માવત'ની રચના કરવામાં આવી હતી.

તેથી તેમાં જેટલાં પાત્રો છે એ બધાં સંપૂર્ણપણે કાલ્પનિક છે અને અલાઉદ્દીન ખિલજીનું પાત્ર જ વાસ્તવિક છે.

મલિક મોહમ્મદ જાયસી એમના સમયના વિલક્ષણ કવિ હતા. તેમના કાલ્પનિક પાત્રો પણ ઐતિહાસિક ચરિત્રોનો પ્રભાવિત કરતાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો