You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિગ્નેશ મેવાણી અપક્ષ ઉમેદવાર તરીકે વડગામ બેઠક પરથી ચૂંટણી લડશે
દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ટ્વિટરના માધ્યમથી જાહેર કર્યું છે કે, તેઓ વિધાનસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડશે.
બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કરી છે.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે દલિત ઉમેદવારીને આવકારવી જોઈએ.
તમને આ પણ વાંચવું ગમશે
આ અંગે બીબીસીએ જિગ્નેશ મેવાણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થઈ શક્યો ન હતો.
દલિત એક્ટિવિસ્ટ માર્ટિન મેકવાન કહે છે, "જિગ્નેશ તેના સિદ્ધાંતો અને કાર્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે, તે વિશે કોઈ શંકા નથી. જિગ્નેશ ચૂંટણી લડે તે બાબત દલિત સમુદાયના કેટલાંક લોકોને યોગ્ય ન લાગે તેવું બની શકે."
"આંદોલનની અસરકારકતા પર પણ આ બાબતની અસર પડે તેવી શક્યતા છે. ચૂંટણી અને દલિત આંદોલન એ બન્ને અલગ બાબતો છે. દલિત આંદોલન એ લાંબાગાળાનું અભિયાન છે."
"દલિત આંદોલન વડગામ બેઠક પૂરતું સીમિત બનશે, તેવું ન કહી શકાય, કારણ કે તે અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છે."
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જિગ્નેશને શુભકામના પણ પાઠવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનામત બેઠક પરથી ઉમેદવારી
આ બેઠકને અનુસૂચિત જાતિના ઉમેદવાર તરીકે અનામત રાખવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની કુલ આઠ બેઠક આવેલી છે.
વર્ષ 2007ની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ફકીરભાઈ વાઘેલાએ વિજય મેળવ્યો હતો. ફકીરભાઈ વાઘેલા બાદમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના મંત્રી પણ હતા.
2012ની ચૂંટણીમાં કોંગ્રેસના મણિભાઈ વાઘેલાએ ફકીરભાઈ વાઘેલાને પરાજય આપ્યો હતો. ભાજપે આ ચૂંટણી માટે વિજયભાઈ હરખાભાઈ ચક્રવતી નામના ઉમેદવારના ટિકિટ આપી છે.
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે, "દલિત સમાજનો કોઈ પ્રતિબદ્ધ આગેવાન રાજકારણમાં ઝંપલાવતો હોય તો તેને આવકારવો જોઈએ.
"વડગામની બેઠક અનામત બેઠક હોવાથી ત્યાંથી જિગ્નેશ લડે તે વધુ ઇચ્છનીય કહી શકાય, કારણ કે રાજકીય પક્ષો આવી અનામત બેઠકો પર જૂના જોગીઓને જ તક આપતા હોય છે.
"જિગ્નેશ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેને દલિતો પણ હકારાત્મક ભાવે સ્વીકારશે તેવું મારું માનવું છે, કારણ કે દલિતોને આ પ્રકારના નેતૃત્વની જરૂર છે."
કોને આપશે ટક્કર?
વડગામ બેઠક માટે 14મી ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. કોંગ્રેસે હજુ સુધી આ બેઠક માટે કોઈ ઉમેદવારની ઔપચારિક જાહેરાત નથી કરી.
આ બેઠકમાં વડગામ તાલુકાના ગામો અને પાલનપુર તાલુકાના કેટલાંક ગામોનો સમાવેશ થાય છે.
આ વિસ્તારમાં 2,57,687 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારોની સંખ્યા 1,31,856 અને મહિલા મતદારોની સંખ્યા 1,25,830 છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો