'રોજની ત્રણ કપ કૉફી સ્વાસ્થ્યના ઘણાં જોખમ કરી શકે છે દૂર'

    • લેેખક, સ્મિથા મુંદાસદ
    • પદ, હેલ્થ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

માફકસર પ્રમાણમાં કૉફી પીવી એ ફાયદાકારક ટેવ સાબિત થઈ શકે છે. રોજની ત્રણથી ચાર કપ કૉફી પીવી એ સ્વસ્થ્યપ્રદ છે.

'બ્રિટિશ મેડિકલ જર્નલ'(બીએમજી)એ હાથ ધરેલા એક મોટા અભ્યાસના અંતે આ તારણ મેળવવામાં આવ્યું છે.

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, માફકસર પ્રમાણમાં કૉફી પીનારા લોકોને પિત્તાશયની બીમારીઓ, કેટલાંક પ્રકારના કેન્સર અને હાર્ટએટેકના કારણે થતા મૃત્યુનું જોખમ ઓછું હોય છે.

જોકે આ તમામ જોખમ સામે કૉફીના કારણે જ રક્ષણ મળે છે તેવું સંશોધકો ચોક્કસપણે સાબિત નથી થઈ શક્યું.

તમને આ પણ વાંચવું ગમશે

ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ વધુ પ્રમાણમાં કૉફી પીવી હાનિકારક સાબિત થઈ શકે છે તેમજ નિષ્ણાતોનો અભિપ્રાય છે કે, સ્વાસ્થ્યને લાભ થાય તે માટે લોકોએ કૉફી પીવાનું પ્રમાણ અચાનક ન વધારવું જોઈએ.

'ધ યુનિવર્સિટી ઑફ સાઉથમ્પ્ટન'ના સંશોધકોએ માનવશરીર પર કૉફીની વિવિધ અસરો વિશે માહિતી એકત્ર કરી હતી.

ઉપરાંત આ વિષય પર થયેલા 200થી પણ વધુ મહત્વના સંશોધનોનું પણ અવલોકન કર્યું હતું.

રોજની ત્રણ-ચાર કપ કૉફી પીનારા લોકોની સરખામણી, જ્યારે કૉફી ન પીનારા લોકો સાથે કરવામાં આવી, ત્યારે તારણ મળ્યું કે કૉફી પીનારા લોકોમાં હૃદયને લગતા વિવિધ રોગો થવાનું જોખમ ઓછું છે.

આવી રીતે કૉફી પીવાનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે, તેનાથી કેન્સર અને પિત્તાશયના રોગો થવાનું જોખમ ઓછું રહે છે.

'ધ યુનિવર્સિટી ઑફ સાઉથમ્પ્ટન'ના મેડિસિન વિભાગના પ્રોફેસર પોલ રોડ્રિક આ અભ્યાસમાં સહસંશોધક હતા.

તેઓ કહે છે, "કૉફી સિવાય ઉંમર, વ્યક્તિ ધૂમ્રપાન કરે છે કે નહીં? તેમજ વ્યક્તિ કસરત કરે છે કે નહીં? તે બાબતો પણ અસર કરે છે, પરંતુ સ્વાસ્થ્ય પર આવતા જોખમોને સમતુલિત કરી શકાય છે."

"આમ કૉફીનું માફકસરનું સેવન આ પ્રકારના જોખમોને ઓછાં કરે છે."

કૉફીમાં કેફીન પણ હોય છે તેથી માફકસર પ્રમાણમાં કૉફી પીવાનો અર્થ એવો થાય છે કે, રોજનું 400 મિલિગ્રામ અથવા તેનાથી ઓછું કેફીનનું સેવન હોવું જોઈએ.

ફિલ્ટર કૉફીના એક મગમાં 140 મિલિગ્રામ કેફીન હોય છે, જ્યારે ઇન્સ્ટન્ટ કૉફીના એક મગમાં 100 મિલિગ્રામ કૉફી હોય છે.

આ સંશોધકોનું કહેવું છે કે કૉફી પીનારા લોકોએ 'હેલ્ધી કૉફી'ની આદત પાડવી જોઈએ, જેમાં વધારે ખાંડ, દૂધ કે ક્રીમ ન ઉમેરવા જોઈએ અને તેની સાથે વધુ ચરબીવાળો આહાર પણ ન લેવો જોઈએ.

આ પ્રકારે કૉફી પીવાના નક્કર ફાયદાઓ વિશે વધુ સ્પષ્ટતા મેળવવા તેઓ વધુ ઝીણવટથી સંશોધન કરવાની તૈયારી કરી રહ્યા છે.

'જ્હોન હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ' ના એલિસિઓ ગુઆલરે 'બીએમજે'ના અવલોકન પર મત રજૂ કરતા કહે છે, "કૉફીનું માફકસરનું સેવન ફાયદાકારક છે. પુખ્તવયના લોકો તેને ડાયેટના એક ભાગ તરીકે સામેલ કરી શકે છે."

લંડનની કિંગ્સ કૉલેજના ન્યૂટ્રિશન ડાયેટિક્સ વિષયના અધ્યાપક ટોમ સેન્ડર્સ કહે છે, "કૉફી પીવાના કારણે માથાનો દુખાવો થવાની ફરિયાદ ઘણાં લોકો કરતા હોય છે, જેથી તેઓ વધુ કૉફી પીવાનું ટાળતા હોય છે."

"હૃદયની કેટલીક તકલીફો ધરાવતા લોકોને કેફેનરહિત કૉફી પીવી જોઈએ. કેફેન બ્લડપ્રેશરમાં વધારો કરે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો