You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંજો આબેના હત્યારાને ઉંમરકેદની સજા કરાઈ - ન્યૂઝ અપડેટ
જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંજો આબેના હત્યારાને ઉંમરકેદની સજા સંભળાવાઈ છે. વર્ષ 2022માં નારા શહેરમાં એક રેલી દરમિયાન શિંજો આબેની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
43 વર્ષીય તેત્સુયા યામાગામીએ ગત વર્ષે ટ્રાયલની શરૂઆતમાં જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો, પરંતુ એને શું સજા મળવી જોઈએ, એ અંગે જાપાનમાં લોકોનો મત વિભાજિત દેખાયો.
ઘણા લોકો તેને એક ક્રૂર હત્યારો માને છે, તેમજ કેટલાક તેના મુશ્કેલ બાળપણ અંગે સહાનુભૂતિ પણ ધરાવે છે.
સરકારી વકીલોએ કહ્યું કે યામાગામીને 'ગંભીર' અપરાધા માટે ઉંમરકેદ મળવી જોઈએ અને કહ્યું કે આબેની હત્યાથી દેશ આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે જાપાનમાં બંદૂક સાથે સંકળાયેલા અપરાધોનો દર નહિવત્ છે.
નરમાઈની માગણી કરતા, યામાગામીના વકીલોએ કહ્યું કે તેઓ 'ધાર્મિક શોષણ'ના શિકાર હતા.
જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંજો આબે 8 જુલાઈ, 2022ના રોજ 11:30 વાગ્યે દેશના પશ્ચિમી ભાગ નારા ખાતે એક ચૂંટણીસભાને સંબોધી રહ્યા હતા, ત્યારે જ તેમને પાછળથી ગોળી મારી દેવાઈ હતી.
મૂળ ગુજરાતી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત થયાં
અમેરિકન અવકાશ એજન્સી નાસા પ્રમાણે, 27 વર્ષની સર્વિસ બાદ અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ 27 ડિસેમ્બર, 2025ના રોજ એજન્સીમાંથી નિવૃત્ત થઈ ગયાં.
ગુજરાતી મૂળનાં સુનીતા વિલિયમ્સે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર ત્રણ મિશન પૂરાં કર્યાં અને પોતાની કારકિર્દીમાં સ્પેસમાં રહેવાના ઘણા રેકૉર્ડ બનાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાસાના પ્રશાસક જેરેડ આઇઝકમેને કહ્યું, "સુનીતા વિલિયમ્સ હ્યુમન સ્પેસફ્લાઇટમાં એક અગ્રણી રહ્યાં. તેમણે સ્પેસ સ્ટેશન પર પોતાના નેતૃત્વ વડે એક્સપ્લોરેશનના ભવિષ્યને આકાર આપ્યું અને લૉ અર્થ ઑર્બિટમાં કૉમર્શિયલ મિશન માટે માર્ગ બનાવ્યો."
તેમણે કહ્યું, "સાયન્સ અને ટૅક્નૉલૉજીને આગળ ધપાવવામાં તેમના કામે ચંદ્ર પર આર્ટેમિસ મિશન અને મંગળ તરફ આગળ વધવાના પ્રયાસોનો પાયો નાખ્યો છે, અને તેમની અસાધારણ ઉપલબ્ધિઓ આગામી પેઢીઓને મોટાં સ્વપ્ન જોવા... તેમની સીમાઓને આગળ ધકેલવા માટે વધુ પ્રેરિત કરતી રહેશે."
આ પહેલાં સુનીતા વિલિયમ્સે એક કાર્યક્રમમાં કહ્યું, "સ્પેસમાં જઈને તમે સૌથી પહેલું કામ તમારું ઘર શોધવાનું કરો છો."
તેમણે કહ્યું, "મારો જન્મ અને ઉછેર મેસેચ્યુસેટ્સમાં થયો છે. મારા પિતા ભારતથી છે, મારાં માતા સ્લોવેનિયાથી છે. સ્પષ્ટ છે કે હું એ સ્થળોને પોતાનાં ઘર માનું છું..."
ટ્રમ્પે કહ્યું, 'ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યાં હતાં'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર કહ્યું છે કે તેમણે દસ મહિનામાં આઠ યુદ્ધ રોકાવ્યાં છે. તેમણે ગયા વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કરવાના પોતાના દાવાનો પણ પુનરોચ્ચાર કર્યો.
ટ્રમ્પે કહ્યું, "ભારત-પાકિસ્તાન યુદ્ધમાં આઠ વિમાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. મારું માનવું છે કે બંને દેશો પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન અમેરિકા આવ્યા અને તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક કરોડ કે તેથી વધુ લોકોના જીવ બચાવ્યા."
ગત વર્ષે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા હુમલા બાદ મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ ફાટી નીકળ્યો હતો.
ત્રણ દિવસના સંઘર્ષમાં બંને પક્ષે ઘણા લોકો માર્યા ગયા હતા. તે સમયે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત સૌપ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી હતી.
સ્પેનમાં ત્રણ દિવસમાં બીજો ટ્રેન અકસ્માત : બાર્સેલોના નજીક ટ્રેન પાટા પરથી ઊતરી
સ્પેનના બાર્સેલોના નજીક એક ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ, જેમાં ટ્રેન ડ્રાઇવરનું મોત થયું અને ઓછામાં ઓછા 37 લોકો ઘાયલ થયા છે અને પાંચ લોકો ગંભીર છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે રોડાલીસ ટ્રેન એક રિટેનિંગ દીવાલ સાથે અથડાઈ.
પ્રાદેશિક ફાયર ઇન્સ્પેક્ટર ક્લાઉડી ગેલાર્ડોએ જણાવ્યું હતું કે ટ્રેનમાંથી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટના ઉત્તરપૂર્વીય સ્પેનમાં ભારે વાવાઝોડાને કારણે બની હતી અને ખરાબ હવામાનને કારણે પૂર્વ અને ઉત્તરપશ્ચિમ સ્પેનના દરિયાકાંઠાના વિસ્તારો માટે હાઇ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.
કેટાલોનિયામાં આ ટ્રેન અકસ્માત પહેલાં રવિવારે દક્ષિણ સ્પેનમાં બે ટ્રેનો અથડાઈ હતી.
મેડ્રિડથી સ્પેનની રાજધાની માલાગા જતી એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી અને વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રેન સાથે અથડાઈ.
આ અકસ્માતમાં ઓછામાં ઓછા 42 લોકોનાં મોત થયાં. તે એક દાયકા કરતાં વધુ સમયમાં સ્પેનના સૌથી ખરાબ રેલ અકસ્માતોમાંનો એક હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન