You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નોઇડા : 3 દિવસે કાર પાણીમાંથી નીકળી, 2 કલાક સુધી મોત સામે જંગ, અડધી રાત્રે એન્જિનિયરનું મોત કેવી રીતે થયું?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હી પાસે આવેલા નોઇડા સેક્ટર 150માં 17 જાન્યુઆરીની મોડી રાતે 27 વર્ષીય યુવરાજ મહેતાનું પાણીમાં ડૂબવાથી મોત થયું છે.
અંદાજે બે કલાક સુધી યુવાન મદદ માટે બૂમો પાડતા રહ્યા, પણ તેમને બચાવવા કોઈ ગયું નહીં.
યુવકના મૃતદેહને સવારે છ વાગ્યા આસપાસ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે તેમની કારને ત્રણ દિવસ બાદ પાણીમાંથી બહાર કઢાઈ હતી.
આ ઘટના બાદ સ્થાનિક તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે.
લોકો માટે માળખાગત સુવિધાઓ, મદદ માટે પહોંચેલી પોલીસ અને ફાયરબ્રિગેડની બેદરકારી અને નોઇડા ઑથૉરિટીના અધિકારીઓની જવાબદારી અંગેના સવાલો વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે નોઇડા ઑથૉરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) લોકેશ એમને તેમના પદ પરથી દૂર કર્યા છે.
આ દુર્ઘટના બાદ કેસની તપાસ માટે ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરાઈ છે, જે તપાસ કરીને પાંચ દિવસમાં રિપોર્ટ આપશે.
નોઇડાના સેક્ટર 150માં ઘટનાસ્થળે બૅરિકેડ્સ લગાડાયાં છે, જ્યાં એન્જિનિયર યુવરાજ મહેતાની કાર એક બાંધકામ સ્થળે ખોદવામાં આવેલા ખાડામાં પડી ગઈ હતી.
યુવરાજ મહેતા તેમના નિવૃત્ત પિતા રાજકુમાર મહેતા સાથે નોઇડાના સેક્ટર 150માં એક બહુમાળી રહેણાક સોસાયટીમાં રહેતા હતા. તેઓ ગુરુગ્રામની એક કંપનીમાં સૉફ્ટવૅર એન્જિનિયર હતા અને કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે સ્થળે દુર્ઘટના થઈ ત્યાં એક મોટી એલ આકારની બાંધકામ સાઇટ છે, જે ઘણાં વર્ષોથી બંધ છે.
ઊંડા ભોંયરામાં પાણી જમા થયેલું છે. આ વિશાળ ખાડા અને રસ્તા વચ્ચે એક ગટર વહે છે. અહીં કોઈ રક્ષણાત્મક દીવાલ નથી.
સેક્ટર 150 તરફ જતો ગટરનો રસ્તો આ વિશાળ ખાડાની સાથે ચાલે છે અને પછી અચાનક વળાંક લે છે.
17 જાન્યુઆરીની રાત્રે ધુમ્મસ હોવાને કારણે કારચાલક યુવાનને રસ્તો ન દેખાયો અને યુવરાજ ખાડામાં પડી ગયા હતા.
યુવક બે કલાક સુધી પાણી મદદની બુમો પાડતો રહ્યો
યુવરાજના પિતા રાજકુમાર મહેતાના જણાવ્યા મુજબ, ખાડામાં પડ્યા પછી તેમના પુત્રે તેમને ફોન કરીને કહ્યું કે તે પાણીમાં ફસાઈ ગયો છે. ઘટનાસ્થળ અને તેમના ફ્લૅટ વચ્ચેનું અંતર આશરે 700 મીટર છે.
રાજકુમાર મહેતાએ કેટલાક પડોશીઓને મૅસેજ કરીને તેમનો પુત્ર પાણી ફસાયો હોવાની વાત કરીને અને તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા.
આ દરમિયાન રાત્રિના સમયે પેટ્રોલિંગ પરના એક સુરક્ષા ગાર્ડે કેટલાક લોકોએ જાણ કરી કે એક કાર પાણીમાં પડી ગઈ છે.
સુરક્ષા ગાર્ડ કહે છે, "જ્યારે અમે ઘટનાસ્થળ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે અમને દૂરથી એક મંદ અવાજ સંભળાયો, 'હેલ્પ, હેલ્પ. "
સુરક્ષા ગાર્ડે બરાબર 12:14 વાગ્યે ઇમરજન્સી સર્વિસ નંબર 112 પર ફોન કર્યો અને છ મિનિટમાં પ્રથમ પોલીસ વાહન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.
ત્યાં સુધીમાં યુવાનના પિતા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સમયે પાણીમાં ફસાયેલા યુવરાજ કોઈક રીતે કારની ઉપર આવી ગયા હતા.
યુવરાજ બચાવકર્તાઓને માર્ગદર્શન આપવા પોતાના ફોનની ફ્લેશલાઇટનો ઉપયોગ કરી રહ્યા હતા અને વારંવાર "હેલ્પ, હેલ્પ"ની બૂમો પાડતા હતા.
સુરક્ષા ગાર્ડના જણાવ્યા મુજબ, "બીજી પોલીસ ગાડી થોડી વાર પછી આવી, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓને તરતા આવડતું ન હતું. પોલીસ આવ્યાના લગભગ એક કલાક પછી ફાયરબ્રિગેડનું એક વાહન પહોંચ્યું."
આ દરમિયાન યુવક વારંવાર મદદની પોકાર કરતો રહ્યો, તો યુવકના લાચાર પિતા પણ પોલીસ અને બચાવકર્તાઓને તેમના પુત્રનો જીવ બચાવવા માટે વિનંતી કરતા રહ્યા.
મીડિયાને આપેલા નિવેદનમાં યુવરાજના પિતા રાજકુમારે કહ્યું, "મારો દીકરો ફોન પર કહેતો રહ્યો, પપ્પા, હું મરવા માગતો નથી, મને બચાવી લો."
એક ડઝન પોલીસ કર્મચારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી રહી હતી, જોકે પાણીમાં ફસાયેલો યુવાન મદદના અભાવે હિંમત ગુમાવી રહ્યો હતો.
યુવક યુવરાજનું મોત કેવી રીતે થયું?
ઘટનાસ્થળે હાજર એક સુરક્ષા ગાર્ડ કહે છે, "તેણે છેલ્લી વાર બૂમ પાડી કે 'મારા કાનમાં પાણી ભરાઈ ગયું છે, મને સંભળાતું નથી...' પછી તેનો અવાજ મંદ પડી ગયો અને તેના મોબાઇલ ફોનની ફ્લેશલાઇટ બંધ થઈ ગઈ."
આ દરમિયાન ડિલિવરી કરવા નીકળેલા મોનિન્દરે ભીડ જોઈને પોતાનું બાઇક રોક્યું. પાણીમાં કોઈ ફસાઈ ગયું છે તે જાણતાંની સાથે જ તેઓ પોતે પાણીમાં કૂદી પડવા માટે તૈયાર થઈ ગયા.
મોનિન્દર કહે છે, "મેં પોલીસ અને ફાયરબ્રિગેડને કહ્યું કે હું પાણીમાં ઊતરવા માગું છું. શરૂઆતમાં તેમણે મને સલામતીના કારણસર ના પાડી, પરંતુ જ્યારે મેં તેમને કહ્યું કે હું સારો તરવૈયો છું, ત્યારે તેમણે મને અંદર જવા દીધો."
મોનિન્દર કહે છે, "મેં મારાં કપડાં ઉતાર્યાં, મારી કમર પર દોરડું બાંધ્યું અને પાણીમાં ઊતર્યો. જ્યાં અવાજ આવતો હતો ત્યાં હું પહોંચ્યો, ત્યાં ખૂબ જ અંધારું હતું. મેં વીસ મિનિટ સુધી ઠંડા પાણીમાં યુવાનને શોધ્યો, પરંતુ ત્યાં સુધી તે ડૂબી ગયો હતો."
મોનિન્દર કહે છે, "જો હું ઘટનાસ્થળે પાંચ કે દસ મિનિટ વહેલો પહોંચ્યો હોત, તો કદાચ મેં તેનો જીવ બચાવ્યો હોત. મને હંમેશાં મોડો પહોંચવાનો વસવસો રહેશે."
'જો થોડી મદદ મળી હોત તો એ બચી જાત'
દિલ્હીને અડીને આવેલું નોઇડા એક સુયોજિત શહેર છે, જે સલામત અને આધુનિક હોવાનો દાવો કરવામાં આવે છે. સેક્ટર 150માં બે રૂમવાળા ફ્લૅટની કિંમત સવા કરોડથી બે કરોડ રૂ. છે. અહીં રહેનારા મોટા ભાગના લોકો ઊંચી આવક ધરાવતા વર્ગના છે.
પરંતુ નોઇડાના આ સેક્ટરમાં નાગરિક માટે માળખાગત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. રસ્તાઓ ધૂળિયા છે અને અનેક સ્થળોએ બાંધકામ સાઇટના ખાડા છે.
યુવરાજના પાડોશી અરુણ બિન્દ્રા કહે છે, "આ કોઈ અકસ્માત નથી, હત્યા છે. સિસ્ટમની બેદરકારીથી થયેલી હત્યા છે. પહેલા સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ફળ ગયું. પછી ફર્સ્ટ રિસ્પોન્ડર. પોલીસ પહોંચી, ફાયરબ્રિગેડ પહોંચી, બાળક મદદ માટે બૂમો પાડતો હતો, પરંતુ તે બધાં નિષ્ફળ રહ્યાં. એ સવાલ થવો જોઈએ કે આવું કેમ થયું?"
દરમિયાન, યુવરાજને બચાવવાનો પ્રયાસ કરનાર મોનિન્દર કહે છે, "સૌપ્રથમ તો આ નોઇડા ઑથૉરિટીની ભૂલ છે. આ ખાડો ઘણાં વર્ષોથી છે, ત્યાં કોઈ સલામતી નથી. અમે દરરોજ અહીંથી પસાર થઈએ છીએ, અમને ખબર છે, પરંતુ અહીં પડી જવાનો ભય હંમેશાં રહે છે."
પોલીસ અને ફાયરબ્રિગેડને સવાલ કરતાં મોનિન્દર કહે છે, "ફાયરબ્રિગેડ પાસે બધાં જરૂરી સાધનો હતાં, તેમની પાસે દોરડું, એક નાની હોડી અને સેફ્ટી જૅકેટ હતાં. તો તેઓ પાણીમાં કેમ ન ઊતર્યા?"
મૃતક યુવરાજના પિતા રાજકુમાર મહેતાએ સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું કે "કોઈ મદદ કરે એ માટે હું બૂમો પાડતો હતો, મારા પુત્રનો જીવ જતો રહ્યો, કોઈ સંસાધનના ઉપયોગ વિના. યોગ્ય સમયે કોઈ મદદ ન મળી. તેણે બે કલાક જીવન માટે સંઘર્ષ કર્યો હતો. જો થોડી મદદ મળી હોત તો એ બચી જાત."
આ સ્થળે અગાઉ પણ દુર્ઘટના થઈ છે
યુવરાજ મહેતાની કાર જે ખાડામાં પડી હતી ત્યાં નાળાની બનેલી સિમેન્ટની દીવાલનો મોટો ભાગ પહેલેથી જ તૂટેલો હતો.
31 ડિસેમ્બરની રાત્રે આ જ જગ્યાએ એક ટ્રક ખાડામાં પડી ગઈ હતી. મોનિન્દર તે રાત્રે પણ ડિલિવરી કરવા નીકળ્યા હતા અને ટ્રક ડ્રાઇવરનો જીવ બચાવવામાં મદદ કરી હતી.
ટ્રક ડ્રાઇવર ગુરિન્દરસિંહે બીબીસીને કહ્યું, "તે રાત્રે ખૂબ ધુમ્મસ હતું, કંઈ દેખાતું નહોતું, કોઈ રિફ્લેક્ટર કે બૅરિકેડ નહોતાં, વળાંક દેખાતો નહોતો અને ટ્રક સીધી ખાડામાં પડી ગઈ."
ગુરિન્દર કહે છે, "પરંતુ તે અકસ્માત ધુમ્મસને કારણે થયો ન હતો. અમે ધુમ્મસમાં વાહન ચલાવીએ છીએ. તે અકસ્માત એટલા માટે થયો કે ત્યાં કોઈ રિફ્લેક્ટર નહોતાં, કોઈ લાઇટ નહોતી, કોઈ ચેતવણી ચિહ્નો નહોતાં, કોઈ બૅરિકેડ નહોતાં. ડ્રાઇવરને કેવી રીતે ખબર પડે કે આગળ આટલો ઊંડો ખાડો છે? હું નસીબદાર હતો કે ટ્રક નાળાની દીવાલ સાથે અટવાઈ ગઈ અને પાણીમાં ન પડી."
જોકે, આ અહીં પહેલો અકસ્માત નહોતો. સ્થાનિક રહેવાસી ગજરાજસિંહ પોતાના ફોન પર અકસ્માતગ્રસ્ત કારનો વીડિયો બતાવે છે અને કહે છે, "એક વર્ષ પહેલાં મારા ભત્રીજાની કાર પણ આ જ જગ્યાએ ખાડામાં પડી ગઈ હતી. તેમાં ત્રણ લોકો હતા, કાર સંપૂર્ણપણે નાશ પામી હતી, પરંતુ સદ્નસીબે તેમને કોઈ નુકસાન ન થયું."
ગજરાજસિંહના જણાવ્યા મુજબ, થોડા મહિના પહેલાં આ જ જગ્યાએ એક બાઇકસવાર ખાડામાં પડી ગયો હતો અને રાતભર ત્યાં જ રહ્યો હતો. સવારે લોકો પહોંચ્યા ત્યારે જ તેનો બચાવ થયો હતો.
બીબીસી આ બાઇકસવાર વિશે વધુ માહિતી મેળવી શક્યું ન હતું.
યુવરાજ મહેતા જ્યાં રહેતા હતા તે જ સોસાયટીમાં રહેતો યશપાલ ધવનનો પરિવાર પણ બે મહિના પહેલાં આ જ જગ્યાએ થયેલા અકસ્માતમાં બચી ગયો હતો.
યશપાલ ધવન કહે છે, "અમે રાત્રે કારમાં પાછા ફરી રહ્યા હતા. અમે વળાંક જોઈ શક્યા નહીં અને કાર ખાડાની દીવાલ પાસે અટકી ગઈ. અમે પણ અકસ્માતનો ભોગ બન્યા હોત."
ખાડા અને રસ્તા વચ્ચેની નાળાની દીવાલ રસ્તા કરતાં નીચી છે અને અંધારું હોવાથી અહીં અકસ્માતનું સતત જોખમ રહેતું હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન