You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રેશ અંગે અમેરિકાના સંગઠનનો દાવો, વિમાનમાં સુરક્ષાને લઈને પહેલાંથી જ ખામીઓ હતી?
- લેેખક, થિયો લિજેટ્ટ
- પદ, ઇન્ટરનૅશનલ બિઝનેસ કૉરસ્પોન્ડન્ટ
યુએસસ્થિત ઍવિએશન સેફ્ટી કૅમ્પેઇનર્સનું કહેવું છે કે ઍર ઇન્ડિયાનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, તેમાં આગ સહિત અનેક તકનીકી સમસ્યાઓ ઊભી થઈ હતી.
અમેરિકાના કૅમ્પેઇન ગ્રૂપ ફાઉન્ડેશન ફૉર એવિએશન સૅફ્ટીએ યુએસ સેનેટને પ્રેઝન્ટેશન મોકલ્યું છે, જેમાં સંગઠને તેની તપાસમાં બહાર આવેલી વિગતો જણાવી છે.
સંગઠનનું કહેવું છે કે તેને જે રજૂઆત કરી છે, તેના પુરાવા તેમની પાસે છે.
જુલાઈ-2025માં તેનો વચગાળાનો રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેના કારણે મોટાપાયે અટકળો વહેતી થઈ હતી અને વિવાદ ઊભો થયો હતો.
બૉઇંગે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. આ કેસમાં ભારતના સત્તામંડળ દ્વારા તપાસ ચાલુ છે.
12 જૂન, 2025ના રોજ ઍર ઇન્ડિયાનું બૉઇંગ 787 ડ્રિમલાઇનર અમદાવાદ ઍરપૉર્ટ ઉપરથી લંડન ઉપડ્યું હતું, જેમાં 260 લોકો મૃત્યુ પામ્યા હતા.
બૉઇંગ 787માં શરૂઆતથી જ સમસ્યા
દુર્ઘટનાગ્રસ્ત વિમાન VT-ANB તરીકે રજિસ્ટર થયેલું હતું. બૉઇંગે જે 787નું નિર્માણ શરૂ કર્યું અને પ્રારંભિક સમયમાં જે વિમાનોનું નિર્માણ કર્યુ હતું, તેમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો પણ સમાવેશ થતો હતો.
આ વિમાને સૌ પહલાં વર્ષ 2013ના અંતભાગમાં ઉડ્ડાણ ભરી હતી અને વર્ષ 2014ની શરૂઆતના સમયમાં તે ઍર ઇન્ડિયામાં સામેલ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાઉન્ડેશન ફૉર એવિએશન સૅફ્ટીના કહેવા પ્રમાણે, વિમાને ઍર ઇન્ડિયા માટે ઉડ્ડાણ ભરી, તેના પહેલા દિવસથી જ તેની સિસ્ટમમાં ખામી ઊભી થઈ હતી તથા આને માટેના દસ્તાવેજો ઉપલબ્ધ છે.
ફાઉન્ડેશનનો આરોપ છે કે "તેમાં ઍંજિનિયરિંગ, મૅન્યુફેક્ચરિંગ, ક્વૉલિટી અને મેઇન્ટેનન્સની વ્યાપક સમસ્યાઓ હતી."
ઇલેક્ટ્રૉનિક્સ અને સૉફ્ટવેરના ફૉલ્ટ, સર્કિટ બ્રૅકર્સ વારંવાર ટ્રીપ થઈ જવી, વાઇરિંગને નુકસાન, શૉર્ટ સર્કિસ, ઇલેક્ટ્રિકલ કરન્ટ જતો રહેવો અને પાવર સિસ્ટમના પાર્ટ્સ ખૂબ જ ગરમ થઈ જવા, જેવી અનેક સમસ્યાઓ હતી.
ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે, જાન્યુઆરી 2022માં P100 પાવર ડિસ્ટ્રિબ્યૂશન પેનલમાં આગ લાગી ગઈ હતી.
એંજિન દ્વારા જે હાઇ-વૉલ્ટેજ પાવર પેદા કરવામાં આવે છે, તે આવી પાંચ ડિસ્ટ્રિબ્યૂશન પેનલમાં જાય છે અને ત્યાંથી સમગ્ર ઍરક્રાફ્ટમાં વીજળી મોકલવામાં આવે છે, જેની મદદથી અલગ-અલગ ઉપકરણો ચાલે છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એટલું ભયાનક નુકસાન થયું હતું કે આખી પેનલ બદલવી પડી હતી.
અગાઉના પેસેન્જર ઍરક્રાફ્ટની સરખામણીમાં 787 વિમાનો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ ઉપર વ્યાપકપણે આધાર રાખે છે.
ક્ષમતામાં સુધાર કરવા માટે ડિઝાઇનરોએ અનેક મિકેનિકલ અને ન્યૂમેટિક (હવાના દબાણથી કામ કરતા) ભાગોને હઠાવીને તેના સ્થાને ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ લગાડ્યા હતા, જે વજનમાં હળવા હતા. જોકે, તેના કારણે ઍરક્રાફ્ટમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
વર્ષ 2013માં જાપાન ઍરલાઇન્સના એક વિમાનની બૅટરીમાં ભારે આગ લાગી હતી. જેના કારણે ઍરલાઇન્સ કંપનીએ થોડો સમય માટે તમામ 787 વિમાનોની ઉડ્ડાણ મોકૂફ કરી દીધી હતી.
વર્ષ 2010માં ટેસ્ટ ઍરક્રાફ્ટમાં આગ લાગી હતી, જેના કારણે P100 પેનલને રિડિઝાઇન કરવી પડી હતી.
ફાઉન્ડેશને તેનો રિપોર્ટ તપાસ સંબંધિત યુએસ સેનેટની સ્થાયી ઉપસમિતિને સોંપ્યો છે. જેણે વિમાનનિર્માતા કંપની બૉઇંગમાં સુરક્ષા સંબંધિત સમસ્યાઓ અંગે સુનાવણી હાથ ધરી હતી.
ભારતમાં તપાસ, અમેરિકા પણ સામેલ
અમદાવાદમાં જે વિમાન ક્રૅશ થયું છે, તેની તપાસ ભારતની ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિશન બ્યૂરો (એએઆઈબી) દ્વારા હાથ ધરવામાં આવી છે.
જોકે, આ વિમાન તથા એંજિન અમેરિકામાં ડિઝાઇન થયાં હતાં એટલે અમેરિકાના અધિકારીઓને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે.
દુર્ઘટનાના એક મહિના બાદ એએઆઈબી દ્વારા પ્રાથમિક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
પ્રચલિત વ્યવસ્થા મુજબ વિમાનન દુર્ઘટનાના એક માસની અંદર અકસ્માત સંબંધિત જે માહિતી ઉપલબ્ધ થઈ હોય, તેને સાર્વજનિક કરવામાં આવે છે. સામાન્ય રીતે તે વિસ્તૃત નથી હોતી અને તેની ઉપરથી કોઈ નક્કર તારણ ન કાઢી શકાય.
આમ છતાં 15 પન્નાના અહેવાલના એક હિસ્સાએ ભારે ચકચાર જગાવી હતી.
પ્લેનનાં એંજિનોને ચાલુ તથા બંધ કરવા માટે સામાન્યતઃ ફ્યૂલ કંટ્રૉલ સ્વીચોનો ઉપયોગ કરવામાં આવે છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, પ્લેને ટેકઑફ કર્યું, તેની અમુક ક્ષણોમાં જ આ સ્વિચોને "રન"માંથી (ચાલુ) કટ-ઑફ (બંધ) કરવામાં આવી હતી.
આને કારણે એંજિનોને ફ્યૂઅલ મળતું બંધ થઈ ગયું હશે, જેના કારણે તેણે હવામાં રહેવાની ક્ષમતા ઝડપભેર ગુમાવી દીધી હશે.
એંજિનને ફરીથી ચાલુ કરવા માટે સ્વિચને ચાલુ કરવામાં આવી હતી, પરંતુ ત્યાર સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું અને દુર્ઘટના ઘટી.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે: "કૉકપિટ વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટને એમ કહેતા સાંભળી શકાય છે કે, 'શા માટે તેં સ્વીચો બંધ કરી?' જેના જવાબમાં બીજો પાઇલટ કહે છે કે તેણે એમ નથી કર્યું."
આ વાતચીતનું લેખિત સ્વરૂપ સાર્વજનિક નથી કરવામાં આવ્યું.
આ અપ્રત્યક્ષ સંવાદ સાર્વજિક થવાને કારણે ભારત અને યુએસના અનેક કૉમેન્ટેટરોએ એવું સૂચવવાનું શરૂ કરી દીધું હતું કે બેમાંથી એક પાઇલટને કારણે કાં તો અજાણતા અથવા ઇરાદાપૂર્વક અકસ્માત થયો છે.
દુર્ઘટના પીડિતોના વકીલો, વિમાનનક્ષેત્રે સુરક્ષા માટે કાર્યરત ચળવળકર્તાઓ, પાઇલટોના ઍસોસિયેશન તથા ભારત-અમેરિકાના કેટલાક ટેક્નિકલ નિષ્ણાતોએ આ વાતને ઉગ્રપણે વખોડી કાઢી છે.
તેમનું કહેવું છે કે પાઇલટો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવુંએ ગેરમાર્ગે દોરનારું છે તથા તેના કારણે ઍરક્રાફ્ટમાં કોઈ તકનીકી ખામીની શક્યતા પરથી ધ્યાન હઠી ગયું છે.
રિપોર્ટ સાર્વજનિક થયો એ પછી બીબીસીએ એવિએશન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો, પાઇલટો, દુર્ઘટનાના તપાસકર્તા અને ઇજનેરો સાથે વાત કરી હતી.
શું થયું હશે તેના વિશે અનેક પ્રકારની થિયરી પ્રચલિત છે, છતાં બધા એક વાત સ્વીકારે છે કે કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી હજુ સુધી બહાર નથી આવી.
ફાઉન્ડેશન ફૉર એવિએશન સૅફ્ટી સંગઠનની સ્થાપના ઍડ પિયર્સને કરી છે. તેઓ અમેરિકાના સિએટલ રાજ્યમાં રૅન્ટન ખાતે આવેલી બૉઇંગની ફેક્ટરીમાં સિનિયર મૅનેજર હતા. તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોથી બૉઇંગના સલામતી અને ગુણવત્તા ધોરણોની ઉપર ઊઠાવ્યા છે અને તેની ટીકા કરી છે.
પિયર્સને અગાઉ ઍર ઇન્ડિયાની દુર્ઘટના અંગેના પ્રાથમિક અહેવાલને "કમનસીબીની હદે અપૂરતો.....શરમજનક હદે અધૂરો" ગણાવ્યો હતો.
ફાઉન્ડેશનનું કહેવું છે કે આ ચિંતા માત્ર દુર્ઘટનાગ્રસ્ત 787 પૂરતી મર્યાદિત નથી, પરંતુ એ સિવાયના વિમાનોને પણ સ્પર્શે છે.
ફાઉન્ડેશનનું કહેવું છે કે તેણે અમેરિકા, કૅનેડા અને ઑસ્ટ્રેલિયાનાં બીજાં સેંકડો વિમાનોમાં ઊભી થયેલી ખામીઓના લગભગ બે હજાર રિપોર્ટનો અભ્યાસ કર્યો છે.
જેમાં વાઇરિંગના વિસ્તારમાં પાણી પડવાની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. અમેરિકાની નિયામક સંસ્થા ફેડરલ એવિએશન ઑથૉરિટીએ પણ આ વાતની અગાઉ નોંધ લીધી હતી. અન્ય કેટલાક વર્ગોએ પણ ઍરક્રાફ્ટ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
બૉઇંગનું કહેવું છે કે તેનું 787 વિમાન સલામતીનો સજ્જ રેકૉર્ડ ધરાવે છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં લગભગ દોઢ દાયકાથી તે કાર્યરત્ છે અને કોઈ અકસ્માત જીવલેણ નહોતો નિવડ્યો.
ફાઉન્ડેશને તેના રિપોર્ટમાં જે દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો છે, તે બીબીસીએ જોયા નથી.
ઍર ઇન્ડિયા વિમાનદુર્ઘટનાની તપાસ ચાલી રહી હોવાથી બૉઇંગે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને એએઆઈબીનો સંપર્ક સાધવા સૂચવ્યું હતું.
જવાબ માટે ઍર ઇન્ડિયા તથા એએઆઈબીનો સંપર્ક સાધવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન