અમદાવાદ પ્લેન ક્રૅશ: પાઇલટના પિતાને સુપ્રીમ કોર્ટે શું દિલાસો આપ્યો અને તપાસ વિવાદોમાં કેમ સપડાઈ?

    • લેેખક, થિયો લેગેટ
    • પદ, આંતરરાષ્ટ્રીય બિઝનેસ સંવાદદાતા

અમદાવાદમાં 12 જૂને ઘટેલી AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ વિવાદોમાં સપડાઈ ગઈ છે અને સુપ્રીમ કોર્ટે પણ તેમાં પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

ઍર ઇન્ડિયાનું વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, ત્યારે ઉડાનની 32 સેકન્ડની અંદર જ એક ઇમારત સાથે ટકરાઈ ગયું હતું, જેમાં 260થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

જુલાઈ મહિનામાં વચગાળાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. અહેવાલની ટીકા કરનારાઓનું કહેવું હતું કે રિપોર્ટમાં અયોગ્ય રીતે પાઇલટો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને વિમાનમાં રહેલી સંભવિત ખામીઓ તરફથી ધ્યાન હટાવી દેવાયું.

શુક્રવારે ભારતની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક જજે કહ્યું હતું કે કૅપ્ટનને દોષ ન આપી શકાય.

હજુ એકાદ અઠવાડિયા પહેલાં જ ઍરલાઇનના વડાએ ભારપૂર્વક કહ્યું હતું કે વિમાનમાં કોઈ તકનીકી ખામી ન હતી.

વચગાળાના રિપોર્ટ ઉપર વિવાદ કેમ?

ઑક્ટોબર મહિનાના અંતભાગમાં નવી દિલ્હી ખાતે આયોજિત 'એવિએશન ઇન્ડિયા 2025' સમિટ દરમિયાન એક પેનલ ડિસ્કશનમાં ઍર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ કૅમ્પબેલ વિલ્સને સ્વીકાર્યું હતું કે 'આ ઘટના તેમાં સામેલ લોકો, તેમનાં પરિવારજનો તથા કર્મચારીઓ માટે સંપૂર્ણપણે વિનાશકારી હતી.'

જોકે, વિલ્સને ભારપૂર્વક કહ્યું કે ભારતીય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક તપાસને પ્રારંભિક રિપોર્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે, 'જેમાં સંકેત આપવામાં આવ્યા હતા કે વિમાન, એંજિન કે ઍરલાઇનના ઑપરેશનમાં કોઈ ખરાબી ન હતી.'

તેમણે ઉમેર્યું હતું કે ઍર ઇન્ડિયા તપાસ સાથે અપ્રત્યક્ષ રીતે જોડાયેલી હતી.

ભારતમાં અકસ્માત થયો હોવાથી તેની તપાસ દેશના ઍર ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે, વિમાન તથા તેનું એન્જિનનું ઉત્પાદન અને ડિઝાઇન અમેરિકામાં તૈયાર કરાયાં હતાં, તેથી અમેરિકાના અધિકારીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે.

દુર્ઘટનાના એક મહિના બાદ AAIBએ પ્રાથમિક રિપોર્ટ બહાર પાડ્યો હતો. મોટી દુર્ઘટનાઓની તપાસ માટે આ સામાન્ય પ્રક્રિયા છે, જેમાં પ્રકાશનના સમય સુધી ઉપલબ્ધ માહિતી રજૂ કરવામાં આવે છે.

રિપોર્ટ સામાન્યતઃ તપાસ દરમિયાન અકસ્માત સ્થળેથી મળેલી માહિતી અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાંથી કાઢવામાં આવેલા મૂળભૂત આંકડાઓ પર આધારિત હોય છે. સામાન્યતઃ તેમાં દુર્ઘૈટનાનાં કારણો અંગે નક્કર નિષ્કર્ષ કાઢવામાં આવતો નથી.

જોકે, ઍર ઇન્ડિયા 171 સંબંધિત 15 પાનાનો રિપોર્ટ વિવાદમાં આવી ગયો છે. આવું બે નાનકડા ફકરામાં રહેલી વિગતોને કારણે થયું છે.

પહેલો ફકરો: તેમાં લખવામાં આવ્યું છે કે ટેક-ઑફની અમુક સેકન્ડો પછી ફ્યૂઅલ કટ-ઑફ સ્વિચ 'રન'ને બદલે 'કટ-ઑફ' સ્થિતિમાં કરી દેવાઈ હતી. આ સ્વિચ સામાન્યતઃ કોઈપણ ઉડાન પહેલાં એન્જિનને ચાલુ કરવા તથા ઉડાન પછી બંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

જેના કારણે એન્જિનને ઇંધણ ન મળ્યું, જેના કારણે વિમાને થ્રસ્ટ ગુમાવી દીધો અને ઊંચાઈ મેળવવાની ક્ષમતા ગુમાવી દીધી.

જોકે, આ સ્વિચોને ફરી એન્જિન ચાલુ કરવાની સ્થિતિમાં લાવવામાં આવી, જેથી દુર્ઘટનાને ટાળી શકાય, પરંતુ ત્યાર સુધીમાં મોડું થઈ ગયું હતું.

એ પછી રિપોર્ટ કહે છે: "કૉકપિટ વૉઇસ રેકોર્ડિંગમાં એક પાઇલટ બીજાને એમ કહેતાં સાંભળી શકાય છે કે શું એમણે સ્વીચ કટ-ઑફ કરી હતી? ત્યારે બીજા પાઇલટને એમ કહેતાં સાંભળી શકાય છે કે તેમણે એમ નથી કર્યું."

પાઇલટોને દોષ દેવો કેટલો યોગ્ય?

આ અપ્રત્યક્ષ સંવાદને કારણે બંને પાઇલટની ભૂમિકા અંગે ભારે અટકળો શરૂ થઈ હતી. કૅપ્ટન સુમિત સભરવાલ તથા તેમના સહ-પાઇલટ ક્લાઇવ કુંદરે એ સમયે વિમાન ઉડાવી રહ્યા હતા.

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના પૂર્વ અધ્યક્ષ રૉબર્ટ સમવૉલ્ટે દાવો કર્યો હતો કે રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે "આ વિમાન કે એન્જિન સાથે જોડાયેલી સમસ્યા ન હતી."

તેમણે અમેરિકન ટેલિવિઝન નેટવર્ક સીબીએસ સાથે વાતચીતમાં કહ્યું: "શું કોઈએ ઇરાદાપૂર્વક ફ્યૂઅલ બંધ કર્યું કે ભૂલથી, જેથી કરીને ફ્યૂઅલ કટ-ઑફ થઈ ગયું?"

ભારતની ખાનગી ટેલિવિઝન ચેનલ એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભારતના ઍવિએશન સેફ્ટી કન્સલ્ટન્ટ કૅપ્ટન મોહન રંગનાથને ભારપૂર્વક કહ્યું કે આ દુર્ઘટનાની પાછળ પાઇલટ સુસાઇડનો મામલો હોઈ શકે છે.

કૅપ્ટન રંગનાથને કહ્યું, "હું આ શબ્દ વાપરવા નથી માંગતો, પરંતુ મેં સાંભળ્યું કે પાઇલટની કોઈ મેડિકલ હિસ્ટરી હતી અને એ પણ કારણ હોઈ શકે છે."

પીડિત પરિવારો દ્વારા રોકાયેલા વકીલ માઇક એન્ડ્રૂઝનું કહેવું છે કે જે પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી છે, એનાથી "લોકો પૂરતી માહિતી વગર અયોગ્ય રીતે પાઇલટોને દોષિત ઠેરવવા પ્રેરિત થયા."

વકીલ માઇકના કહેવા પ્રમાણે, "આવાં વિમાન ખૂબ જ જટિલ હોય છે, તેમાં અનેક વસ્તુઓ ખોટી થઈ શકે છે. સંદર્ભથી અલગ થઈને માત્ર નાનકડી માહિતીઓને પકડીને પાઇલટની આત્મહત્યા કે સામૂહિક હત્યાના આરોપ લગાવવા અયોગ્ય અને ખોટું છે."

સુપ્રીમ કોર્ટે કહ્યું - 'પાઇલટ દોષિત નહીં'

વિમાનન ક્ષેત્રમાં સલામતી વધે તે માટે 'સેફ્ટી મૅટર્સ ફાઉન્ડેશન' કાર્ય કરે છે. આ સંસ્થાના સંસ્થાપક કૅપ્ટન અમિત સિંહે પણ આવો જ મત વ્યક્ત કર્યો હતો.

કૅપ્ટન અમિત સિંહે એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેનો દાવો હતો કે ઉપલબ્ધ પુરાવા 'એન્જિન બંધ થવામાં ઇલેક્ટ્રિકલ ગરબડની થિયરીનું દૃઢતાપૂર્વક સમર્થન કરે છે,' જેના કારણે આ અકસ્માત થયો હતો.

કૅપ્ટન અમિત સિંહનું માનવું છે કે એક ઇલેક્ટ્રિકલ ફૉલ્ટને કારણે એન્જિનને નિયંત્રિત કરનારી કમ્પ્યુટર-પ્રમાણિત ફૂલ ઑથૉરિટી ડિજિટલ એન્જિન કંટ્રોલ (FADEC) એ ફ્યૂઅલ સપ્લાય અટકાવીને એન્જિનને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી.

કૅપ્ટન અમિત સિંહનું કહેવું હતું કે ફ્લાઇટ ડેટા રેકોર્ડરે કદાચ ફ્યૂઅલ સપ્લાય બંધ કરવાનો આદેશ લીધો હોય, ન કે કૉકપિટમાં કટ-ઑફ સ્વિચમાં ખરેખર હલચલ થઈ હોય.

બીજા શબ્દોમાં કહીએ, જ્યાં સુધી પાઇલટોએ તેને ફરી ચાલુ કરવાનો પ્રયાસ ન કર્યો, ત્યાર સુધીમાં તેને અડકવામાં ન આવી હતી.

કૅપ્ટન સિંહે તપાસની પ્રક્રિયા અંગે ભારતની સુપ્રીમ કોર્ટમાં સવાલ ઉઠાવ્યા છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે પ્રારંભિક રિપોર્ટ પક્ષપાતપૂર્ણ હતો, કારણ કે "તે પાઇલટની ભૂલ હોય તેવો ઇશારો કરતી જણાય છે, જ્યારે ઉડાન દરમિયાન થયેલી તમામ તકનીકી ગરબડો અંગે માહિતી આપવામાં આવી ન હતી."

દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ટિપ્પણી કરી હતી. મૃત કૅપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે આ મામલે સ્વતંત્ર તપાસની માગ કરી હતી.

જસ્ટિસ સૂર્યકાંતે તેમને કહ્યું હતું, "આ દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તમારે એ બોજ રાખવાની જરૂર નથી કે તમારા દીકરાને દોષ આપવામાં આવી રહ્યો છે. કોઈપણ વ્યક્તિ, કોઈપણ બાબત માટે તેમને (કૅપ્ટન સભરવાલ) દોષિત ન ઠેરવી શકે."

આ અંગે વધુ સુનાવણી સોમવાર, 10મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

'સંપૂર્ણપણે ખોટું'

જોકે, દુર્ઘટનામાં ઇલેક્ટ્રિકલ ફૉલ્ટની વાતનું સમર્થન અમેરિકામાં 'ફાઉન્ડેશન ફૉર ઍવિએશન સેફ્ટી' (FAS) એ પણ કર્યું છે.

આ સંસ્થાના સ્થાપક એડ પિયર્સન બૉઇંગના પૂર્વ સિનિયર મૅનેજર છે અને તેઓ કંપનીના સેફ્ટી માટેના પરિમાણોના ટીકાકાર રહ્યા છે.

પિયરસન આ રિપોર્ટને "ખૂબ જ અપર્યાપ્ત... શરમજનક રીતે અપર્યાપ્ત" ગણાવે છે.

પિયરસનની સંસ્થાએ 787 વિમાનોમાં રહેલી ઇલેક્ટ્રિકલ ખામીઓના રિપોર્ટ ચકાસવામાં ખૂબ જ સમય વીતાવ્યો છે.

આ રિપોર્ટમાં વાયરિંગવાળા સ્થળોએ પાણી લીકેજનો પણ ઉલ્લેખ છે. આ બાબત અમેરિકાના રેગ્યુલેટર ફેડરલ ઍવિએશન ઑથૉરિટીને પણ ધ્યાને મૂકવામાં આવી છે. અન્ય કેટલાક નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

પિયરસનનું કહેવું છે, "વિમાનમાં એવી અનેક બાબતો હતી જેને અમે ઇલેક્ટ્રિકલ ગરબડ માનીએ છીએ. તેનું બહાર આવવું સંભવતઃ વ્યવસ્થાકીય નિષ્ફળતાની વિસ્તૃત તપાસ કર્યા વગર જ પાઇલટો પર દોષનો ટોપલો ઢોળવો અમને સંપૂર્ણપણે ખોટું લાગે છે."

તેમનું માનવું છે કે ઇરાદાપૂર્વક વિમાન ઉપરથી ધ્યાન હટાવીને પાઇલટો તરફ વાળવાનો પ્રયાસ થયો છે.

હાલમાં આંતરરાષ્ટ્રીય વિમાન દુર્ઘટના માટેની પ્રક્રિયાઓમાં વ્યાપક સુધારની જરૂર હોવાનું FAS માને છે.

તેમણે કહ્યું, "જૂના પ્રોટોકોલ, હિતોનો ટકરાવ તથા વ્યવસ્થાકીય ખામીઓ જાહેર વિશ્વાસને આઘાત પહોંચાડે છે અને સુરક્ષા સુધારાઓમાં મોડું થાય છે."

'મગજ ખુલ્લું રાખવું રહ્યું'

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાન્સપોર્ટેશન ખાતે પૂર્વ ઇન્સ્પેક્ટર જનરલ તથા વકીલ મૅરી સ્ચિયાવો પાઇલટોને ઇરાદાપૂર્વક કેન્દ્રમાં લાવવામાં આવ્યા હોવાની વાત નથી માનતા.

મૅરી સ્ચિયાવો માને છે કે પ્રારંભિક રિપોર્ટમાં અનેક ખામીઓ હતી. તેમનું માનવું છે કે આની પાછળ તપાસકર્તાઓ પરનું દબાણ કારણભૂત છે, કારણ કે સમગ્ર દુનિયાનું ધ્યાન તેમની ઉપર હતું.

તેમનું કહેવું હતું, "મને લાગે છે કે તેઓ માત્ર ઉતાવળમાં હતા, કારણ કે આ ન કેવળ ભયંકર અકસ્માત હતો, પરંતુ દુનિયાની નજર તેમની ઉપર હતી. તેઓ વહેલામાં વહેલી તકે કંઈક બહાર પાડવા માગતા હતા."

મૅરી સ્ચિયાવોના કહેવા પ્રમાણે, "પછી દુનિયા પણ આ નિષ્કર્ષ પર કૂદી પડી અને તરત ઉમેર્યું, 'આ પાઇલટની આત્મહત્યા હતી, આ હેતુપૂર્વક કરવામાં આવ્યું હતું.'"

મૅરી સ્ચિયાવોએ આગળ ઉમેર્યું, "જો તેમણે આ ફરી કરવાનું રહેતું, તો તેઓ કદાચ કૉકપિટ વૉઇસ રેકોર્ડિંગના એ નાનકડા અંશને પણ સામેલ ન કરે."

તેમણે પોતાનો મત વ્યક્ત કર્યો કે, "કમ્પ્યુટર કે મિકેનિકલ ફેલ્યોર સૌથી સંભવિત સ્થિતિ હતી."

આંતરરાષ્ટ્રીય વિમાનન નિયમો મુજબ, કોઈપણ અકસ્માતનો વચગાળાનો રિપોર્ટ 12 મહિનાની અંદર બહાર પાડવો જોઈએ, પરંતુ આવું દરેક વખતે નથી થતું. જ્યાં સુધી અકસ્માતનો રિપોર્ટ પ્રકાશિત ન થાય, ત્યાર સુધી અકસ્માતનાં ખરા કારણો અજ્ઞાત જ રહેશે.

એક પૂર્વ વિમાન દુર્ઘટના તપાસકર્તાએ બીબીસી સાથેની વાતચીતમાં આ પ્રક્રિયા પૂરી થાય, ત્યાં સુધી "ખુલ્લા મગજથી વિચારવા"ની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

બૉઇંગનું હંમેશાથી કહેવું છે કે 787 સૌથી સુરક્ષિત વિમાન છે તથા તેનો સુરક્ષા રેકોર્ડ મજબૂત છે.

કંપનીએ બીબીસીને જણાવ્યું કે તપાસ સંબંધિત માહિતી આપવા માટે અમે ભારતના AAIB પર નિર્ભર છીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન