You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના ખેડૂતોને એક વીઘે કેટલી સહાય મળશે, 10 હજાર કરોડનું પૅકેજ છતાં કેટલાક ખેડૂતો વિરોધ કેમ કરી રહ્યા છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને પાકોમાં થયેલા નુકસાન બદલ ગુજરાત સરકારે 10 હજાર કરોડનું પૅકેજ જાહેર કર્યું છે.
સરકારે હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા જાહેર કર્યા છે.
જોકે ગુજરાત સરકારે જાહેર કરેલા પૅકેજથી કેટલાક ખેડૂતો નાખુશ છે. કેટલાક ખેડૂતો દેવાં માફીની માગ કરી રહ્યા છે.
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સહાય પૅકેજને ખેડૂતો માટે 'ગુમરાહ' કરતું જણાવીને વિરોધ કરી રહ્યા છે.
સરકારે જાહેર કરેલા પૅકેજથી માત્ર વિરોધ પક્ષમાં જ નહીં, પરંતુ ભાજપના કેટલાક નેતાઓમાં પણ 'અસંતોષ' જોવા મળ્યો છે. સાવરકુંડલાના ભાજપના પૂર્વ મંત્રી તેમજ હાલ એપીએમસીના ડિરેક્ટર ચેતન મલાણીએ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.
જોકે રાજ્ય સરકારનું કહેવું છે કે ગુજરાતમાં 'ભાજપની સરકાર હંમેશાં ખેડૂતો સાથે ઊભી છે અને ભવિષ્યમાં પણ તેમની સાથે રહેશે.'
ગુજરાત સરકારે ખેડૂતો માટે શું જાહેરાત કરી છે?
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન બદલ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે 10 હજાર કરોડનું રાહત પૅકેજ જાહેર કર્યું. કૃષિમંત્રી જિતુ વાઘાણીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને પૅકેજ અંગે જાહેરાત કરી હતી.
પ્રેસ કૉન્ફરન્સમાં જિતુ વાઘાણીએ કહ્યું હતું કે સરકાર માને છે અને સ્વીકારે છે કે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ પ્રકારનું માવઠું ક્યારેય થયું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિતુ વાઘાણીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે "સરકારે 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના સર્વે કર્યો છે. જે સર્વેમાં 5100 જેટલી ટીમો જોડાઈ હતી, જેમણે ત્રણ દિવસમાં જ સર્વેની કામગીરી પૂરી કરી હતી. સરકારે પિયત અને બિનપિયત જમીન માટે સરખી જ સહાય જાહેર કરી છે. કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત રહેશે નહીં. હાલ 9815 રૂપિયાનું સહાય પૅકેજ જાહેર કરાયું છે, 10 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત રહી જાય નહીં."
તેમણે જણાવ્યું હતું કે સરકારે એક હેક્ટર દીઠ 22 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે. આ સહાય વધુમાં વધુ બે હેક્ટર સુધી ચૂકવવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો ખેડૂતો કેમ વિરોધ રહ્યા છે?
એક હેક્ટર 100 ગુંઠા થાય. સૌરાષ્ટ્રમાં 16 ગુંઠાએ 1 વીઘો ગણવામાં આવે છે. જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં 23.78 ગુંઠાએ એક વીઘો ગણવામાં આવે છે.
એ પ્રમાણે ગણતરી માંડીએ તો સૌરાષ્ટ્રમાં એક હેક્ટર એટલે 6.25 વીઘા થાય. (જો આ ગણતરી માંડીએ તો એક વીઘા દીઠ 3520 રૂપિયા થાય) જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં એક હેક્ટર એટલે 4.25 વીઘા (જો આ ગણતરી માંડીએ તો એક વીઘા દીઠ 5176) રૂપિયા મળશે.
કેટલાક ખેડૂતોનું કહેવું છે કે સરકારે જાહેર કરેલા રાહત પૅકેજ તેમને થયેલા નુકસાન સામે ખૂબ જ ઓછું છે. કેટલાક ખેડૂતો રાહત પૅકેજને આવકારી રહ્યા છે. જોકે તેઓ એવું માને છે કે સરકારે વધારે સહાય જાહેર કરવાની જરૂર હતી.
સુરેન્દ્રનગરના દુધઈ ગામના બેચરભાઈ રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "ગુજરાતના ખેડૂતો સરકારની જાહેરાતની રાહ જોતા હતા. મેં 25 વર્ષમાં પહેલી વાર આ પ્રકારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જોયું છે. ખેડૂતોને સરકાર પાસે આશા હતી કે સરકાર તેમનું દેવું માફ કરશે. જોકે સરકારે દેવું તો માફ ન કર્યું, પરંતુ હેક્ટર દીઠ 22 હજારની જે જાહેરાત કરી છે તેમાં તો ખેડૂતના વાવેતરના ખર્ચના પણ પૈસા નીકળી શકે તેમ નથી. ગયા વર્ષે પણ જે વિસ્તારોમાં નુકસાન હતું તે વિસ્તારોમાં હેક્ટર દીઠ 22 હજાર ચૂકવ્યા હતા, સરકારે તેમાં કોઈ વધારે કર્યો નથી."
ભાવનગર જિલ્લાના અવાણિયા ગામના સહદેવસિંહ ગોહિલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે અમારા જિલ્લામાં ખેડૂતોને કપાસ, મગફળી એને ડુંગળીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
તેમણે કહ્યું, "અમે મોંઘાં બિયારણ, મોંઘાં ખાતર, મોંઘી દવા અને મજૂરીના ઊંચા ભાવ ચૂકવ્યા છતાં ખેડૂતોને હેક્ટર દીઠ માત્ર 22 હજાર ચૂકવવાની જાહેરાત કરી છે. અમે જે ખર્ચ કર્યો હતો તે તો પૂરેપૂરો ગુમાવ્યો છે. આવતી સિઝનમાં ખેતી કરવા માટે અમારી પાસે કંઈ બચ્યું નથી."
ખેડૂત સંજયભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "સરકારે પાક નુકસાનનું પૅકેજ જાહેર કર્યું છે તેમાં પાકનું નુકસાન નહીં, પરંતુ મગફળીનું જે ઘાસ હોય જે ઢોરને ખાવામાં વપરાય તે પાલાની કિંમત પણ સરકારના પૅકેજ કરતાં વધારે હોય છે. સરકારે સહાય જાહેર કરીને ખેડૂતોની મશ્કરી કરી છે."
ભારતીય કિસાનસંઘના અરવલ્લી જિલ્લાના કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતે કે "10 હજાર કરોડના પૅકેજને આવકારીએ છીએ. એક હેક્ટરે 22 હજાર લેખે છે. 2 હેક્ટરથી વધારે જમીન ધરાવતા ખેડૂતને ખર્ચ વધારે હોય છે. જેથી સરકારે આ બાબતનું પણ ધ્યાન રાખવાની જરૂર છે."
તેઓ વધુમાં કહે છે કે "મારી 73 વર્ષની ઉંમર ખેતીમાં એકસાથે આટલું બધું નુકસાન નથી જોયું. ખેડૂત પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો રડી રહ્યા છે. ખેડૂતોને વધુ સહાય ચૂકવવાના દિશામાં સરકાર વિચારે તેવી અમારી માગ છે."
પ્રેમજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે "સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે, પરંતુ સરકાર ટેકાના ભાવથી પૂરેપૂરો માલ ખરીદી શકતો નથી. બજારમાં પણ ટેકાના ભાવે જ માલ ખરીદાય તેવી જાહેરાત કરવી જોઈએ. કર્મચારીઓ માટે પગારપંચની નિમણૂક થઈ છે. તે જ રીતે ખેતી માટે કૃષિ ભાવપંચની રચના થવી જોઈએ. પગાર વધે તેમ ખેતપેદાશોનો પણ ભાવ વધશે."
ભાજપના સાવરકુંડલાના પૂર્વ મંત્રીએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું કેમ આપ્યું?
સરકારે ખેડૂતોને જાહેર કરેલા પૅકેજમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાનું માનતા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને હાલ એપીએમસીના ડાયરેક્ટર ચેતનભાઈ મસાણીએ ભાજપના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે.
ચેતનભાઈ મલાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "સરકારે પ્રતિ હેક્ટર 22 હજાર સહાય જાહેર કરી છે, એટલે ખેડૂતોને એક વીઘે 3520 રૂપિયા સહાય જાહેર કરી છે. ખેડૂતોના ખર્ચની સામે સહાય ખૂબ જ ઓછી છે. ખેડૂતોને એક વીઘાએ 30 હજાર કરતાં વધારેનું નુકસાન છે. સરકાર ખુદ કહે છે કે ખેડૂતોને 90થી 100 ટકા નુકસાન છે. બીજી તરફ સરકારે ચૂકવેલી સહાય તો માત્ર 10 ટકા જેટલી જ છે."
સરકારે વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય ચૂકવવાની જાહેરાત અંગે તેઓ કહે છે કે "કેટલાય ખેડૂતો છે જેમને 2 હેક્ટર કરતાં વધારે જમીન છે. ઓછી જમીનમાં ઓછો ખર્ચ હોય જ્યારે જેની પાસે વધુ જમીન હોય તેને વધારે ખર્ચ થતો હોય છે. જેથી ખેડૂતો પાસે જેટલી જમીન હોય તે બધી જ જમીનના નુકસાનને આધારે સહાય ચૂકવવી જોઈએ."
તેઓ કહે છે કે "સરકાર ઉઘોગપતિઓનાં દેવાં માફ કરી શકતી હોય તો ખેડૂતોનાં દેવાં કેમ માફ ન કરી શકે. સરકાર તરફથી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. જેથી એક ખેડૂતપુત્ર તરીકે મેં ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સભ્યપદ પરથી મારું રાજીનામું વૉટ્સઍપથી મોકલી આપ્યું છે."
વિપક્ષ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શું કહ્યું?
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોનાં દેવાં માફ કરવાની માગ કરી રહ્યા છે. કૉંગ્રેસે માગ કરી છે કે સોયાબીન અને મગફળીનું ઘાસ જે પશુઓને આખું વર્ષ ખવડાવવામાં આવે છે.
આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "સરકારે અત્યાર સુધી હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા સહાય ચૂકવતી હતી. આ વર્ષે આટલું બધું નુકસાન છતાં સરકારે સહાયમાં વધારો કર્યો નથી. 10 હજાર કરોડનો આંકડો સાંભળીને ભરમાવવાની જરૂર નથી. આ વર્ષે નુકસાનનો વિસ્તાર વધારે હોવાથી પૅકેજ મોટું લાગે છે."
ખેડૂતોને થયેલા ખર્ચ અંગે વાત કરતાં સાગર રબારી કહે છે કે "ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓ તેમજ મજૂરીનો ખર્ચ ખેડૂતને વીઘા દીઠ 18થી 20 હજાર થાય છે. જ્યારે સરકારે વીઘા દીઠ (હેક્ટર=6.25 વીઘા) 3520 રૂપિયા જાહેર કર્યા છે, જે ખેડૂતોના ખર્ચ જેટલા પણ નથી."
આપના નેતા અને વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ 10,000 કરોડના પૅકેજને 'કૃષિ મજાક' ગણાવ્યું છે અને કહ્યું કે જો ખેડૂતને મદદ કરવી જ હોય તો હેકટર દીઠ 50,000 આપવામાં આવે.
કૉંગ્રેસના નેતા પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે "ભારતીય જનતા પાર્ટીની સરકાર રાહત પૅકેજને ઐતિહાસિક પૅકેજ હોવાની વાત છે. છેલ્લાં 80 વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ પડ્યો છે. ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ઓજારો અને ડીઝલના ભાવ ચાર ચાર ઘણા વધ્યા છે. જ્યારે ખેડૂતોની ખેતપેદાશના ભાવ તળિયે ગયા છે."
પાલ આંબલિયાએ વધુમાં જણાવ્યું હતું કે "ભારતીય જનતા પાર્ટીની સરકાર આખા દેશમાં પાક વીમા યોજના ચાલુ રાખી છે, જ્યારે ગુજરાત રાજ્યમાં પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે. છેલ્લી સાત સિઝનથી માવઠું, વાવાઝોડાને કારણે ખેડૂતોને નુકસાન થાય છે."
પાલ આંબલિયાએ દાવો કર્યો છે કે "સરકારે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ કર્યા, કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરીને ઉદ્યોગપતિઓને મદદ કરી છે. સરકારે ગુજરાતના 56 લાખ ખેડૂત 96 હજાર કરોડનું દેવું માફ કરવાની અમે માગ કરીએ છીએ."
બીબીસીએ ખેડૂતોના વિરોધ અંગે ભાજપના પ્રવક્તાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક થઈ શક્યો નથી. સંપર્ક થતા અહેવાલમાં ઉમેરી દેવાશે.
ગુજરાત સરકારનું શું કહેવું છે?
ગુજરાતમાં પાક વીમા યોજના લાગુ કરવા અંગે પ્રેસ કૉન્ફરન્સમાં પુછાયેલા પ્રશ્ન અંગે જિતુ વાઘાણીએ કહ્યું હતું કે અત્યારે પૅકેજ સહાયની ચર્ચા છે.
બે હેક્ટરની મર્યાદા અંગેના સવાલના જવાબમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જિતુ વાઘાણીએ કહ્યું હતું કે "હેક્ટરની ચોક્કસ મર્યાદા છે, પરંતુ સરકારે તમામ પાક,તમામ પ્રકારનું નુકસાન, પિયત-બિનપિયત સાર્વજનિક રીતે ઉદારતાથી સહાય જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને બેઠા કરવા માટે સરકાર ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની 15 હજાર કરોડની ખરીદી કરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન