પક્ષી અથડાવાથી પ્લેન કેવી રીતે તૂટી જાય, સાઉથ કોરિયા પ્લેન ક્રૅશમાં શું થયું હતું?

    • લેેખક, ગ્રેસ ડીન
    • પદ, બીબીસી ન્યૂઝ

દક્ષિણ કોરિયામાં રવિવારે સવારે લૅન્ડિંગ કરતી વખતે એક વિમાન તૂટી પડવાના કારણે 170થી વધુ લોકોનાં મોત થયાં છે. જેજુ ઍરનું વિમાન સાઉથ કોરિયાના દક્ષિણ પશ્ચિમમાં મુઆન ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર દીવાલ સાથે અથડાતાં પહેલાં રનવે પરથી ઊતરી ગયું હતું.

પ્લેનમાં બર્ડ હિટનો મામલો શું છે?

થાઇલૅન્ડના બૅંગકોકથી પરત ફરી રહેલા આ વિમાનમાં 181 લોકો સવાર હતા, જેમાંથી 179 લોકોનાં મોત થયાં છે, જ્યારે ચાલકદળના બે સભ્યોને કાટમાળમાંથી બચાવી લેવામા આવ્યા હતા.સત્તાધીશો દુર્ઘટનાનાં કારણોની તપાસ કરી રહ્યાં છે.

ફાયર અધિકારીઓના કહેવા પ્રમાણે બર્ડ હિટ અને ખરાબ હવામાનને કારણે આવું થયું હોઈ શકે છે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ક્રૅશ માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર હોઈ શકે છે.

ફ્લાઇટ 7C2216 એ કોરિયાની સૌથી લોકપ્રિય બજેટ ઍરલાઇન જેજુ ઍર દ્વારા સંચાલિત બૉઇંગ 737-800 વિમાન હતું.

સ્થાનિક સમય પ્રમાણે સવારે લગભગ નવ વાગ્યે વિમાન મુઆન પહોંચ્યું હતું.

દક્ષિણ કોરિયન પરિવહન અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ ઍર ટ્રાફિક કંટ્રોલરે પક્ષીઓ સાથે અથડાવાના જોખમ અંગે માહિતી આપી. ઍર ટ્રાફિક કંટ્રોલ દ્વારા લૅન્ડિંગને ટાળવામાં આવ્યું હતું.

અધિકારીએ જણાવ્યા મુજબ લગભગ બે મિનિટ પછી પાઇલટે ખતરાનો સંકેત આપ્યો અને ઍર ટ્રાફિક કમાન્ડે વિમાનને વિરુદ્ધ દિશામાંથી ઉતરાણ કરવાની પરવાનગી આપી હતી.

એક વીડિયોમાં વિમાન તેનાં પૈડાં કે અન્ય કોઈ લૅન્ડિંગ ગિયરનો ઉપયોગ કર્યા વગર નીચે ઉતરાણ કરતું જોવા મળે છે. વિમાન રનવે પરથી નીચે સરકી ગયું અને આગમાં લપેટાઈ ગયું, પછી તરત દીવાલ સાથે અથડાયું.

એક સાક્ષીએ દક્ષિણ કોરિયન સમાચાર એજન્સી યોનહાપને જણાવ્યું કે તેમણે 'મોટો ધડાકો' સાંભળ્યો અને ત્યાર બાદ 'શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા'.

ઘટનાસ્થળના વીડિયોમાં વિમાન સળગી રહ્યું છે અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાઈ રહ્યા છે. ત્યાર બાદ ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

મુઆન ફાયર ડિપાર્ટમેન્ટના વડા લી જેઓંગ-હ્યુને એક ટેલિવિઝન બ્રિફિંગમાં જણાવ્યું કે વિમાનનો પાછળનો ભાગ ઓળખી શકાય છે, પરંતુ પ્લેનનો બાકીનો આકાર ઓળખી શકાતો નથી.

તેમણે કહ્યું કે પક્ષી ટકરાવાથી અથવા ખરાબ હવામાનને કારણે દુર્ઘટના થઈ હોઈ શકે છે. પરંતુ ચોક્કસ કારણની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્લેનમાંથી ફ્લાઇટ અને વૉઇસ રેકૉર્ડર રિકવર કરવામાં આવ્યા છે. જોકે, યોનહાપ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ફ્લાઇટ રેકૉર્ડરને નુકસાન થયું હતું.

સ્થાનિક મીડિયા મુજબ ફ્લાઇટના એક મુસાફરે એક સંબંધીને મૅસેજ કર્યો કે એક પક્ષી વિમાનની પાંખમાં અટવાઈ ગયું છે અને વિમાન લૅન્ડ થઈ શકતું નથી.

જોકે, પ્લેન ખરેખર કોઈ પક્ષી સાથે અથડાયું હતું કે કેમ તે વાતની અધિકારીઓએ પુષ્ટિ નથી કરી.

યોનહાપે અહેવાલ આપ્યો છે કે જેજુ ઍરના મૅનેજમેન્ટના વડાએ જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં મેન્ટનન્સના કોઈ મુદ્દા ન હતા.

દક્ષિણ કોરિયાના પરિવહન વિભાગે જણાવ્યું હતું કે ફ્લાઇટના મુખ્ય પાઇલટ 2019થી આ કામ કરતા હતા અને તેમને 6,800 કલાકથી વધુનો ઉડાણનો અનુભવ હતો.

ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાત અને ઍરલાઇન ન્યૂઝના સંપાદક જ્યોફ્રી થોમસે બીબીસીને જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયા અને તેની ઍરલાઇન્સ "આ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ ધોરણો"નું પાલન કરે છે અને વિમાન તથા ઍરલાઇન બંનેનો સુરક્ષાનો રેકૉર્ડ ઉત્તમ છે.

તેમણે ઉમેર્યું હતું કે, "આ દુર્ઘટના વિશે ઘણી બધી બાબતોનો કોઈ અર્થ નથી."

પક્ષી જ્યારે ઊડતા વિમાન સાથે ટકરાય ત્યારે તેને બર્ડ હિટ કહે છે. આ બહુ સામાન્ય બાબત છે. યુકેમાં 2022માં બર્ડ હિટની 1400થી વધુ ઘટનાઓ નોંધાઈ હતી, તેમાંથી માત્ર 100 ઘટનામાં વિમાનને અસર થઈ હતી, તેવું સિવિલ ઍવિયેશન ઑથૉરિટીનો ડેટા દર્શાવે છે.

બર્ડ હિટની સૌથી જાણીતી ઘટના 2009માં બની હતી, જેમાં હંસોના જૂથ સાથે ઍરબસ ટકરાઈ હતી અને વિમાને ન્યૂ યોર્કની હડસન નદી પર ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું. આ ઘટનામાં તમામ 155 મુસાફરો અને ક્રૂ બચી ગયા હતા.

સીક્યુ યુનિવર્સિટી ઑસ્ટ્રેલિયા ખાતે ઉડ્ડયન શીખવતા પ્રોફેસર ડોગ ડ્ર્યુરીએ આ ઉનાળામાં ધ કન્વર્સેશન માટેના એક લેખમાં લખ્યું હતું કે બૉઇંગ વિમાનોમાં ટર્બોફન એન્જિન હોય છે, જેને બર્ડ હિટના કિસ્સામાં ગંભીર નુકસાન થઈ શકે છે.

તેમણે કહ્યું કે પાઇલટ્સને ખાસ કરીને વહેલી સવારે અથવા સૂર્યાસ્ત સમયે જ્યારે પક્ષીઓ સૌથી વધુ સક્રિય હોય ત્યારે સાવધાન રહેવાની તાલીમ આપવામાં આવે છે.

જોકે, બર્ડ સ્ટ્રાઇકના કારણે મુઆન ઍરપૉર્ટ પર દુર્ઘટના બની હશે તે વિશે ઉડ્ડયન ક્ષેત્રના કેટલાક નિષ્ણાતોને શંકા છે.

થોમસે રૉયટર્સને જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે તેઓ બર્ડ હિટથી આખું વિમાન ગુમાવવું પડે તેવું બનતું નથી."

ઑસ્ટ્રેલિયન ઍરલાઇન સેફ્ટી ઍક્સપર્ટ જ્યોફ્રી ડેલે પણ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, "મેં ક્યારેય બર્ડ હિટના કારણે લૅન્ડિંગ ગિયર બહાર ન નીકળી શકે તેવું જોયું નથી."

વિમાનમાં 175 મુસાફરો અને ચાલકદળના છ લોકો સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે બે મુસાફરો થાઇલૅન્ડના હતા અને બાકીના દક્ષિણ કોરિયન હોવાનું માનવામાં આવે છે. ઘણા લોકો થાઇલૅન્ડમાં ક્રિસમસની રજાઓમાંથી પાછા ફર્યા હોવાનું માનવામાં આવે છે.

સત્તાવાર મૃત્યુઆંક 179 છે. તેના કારણે તે દક્ષિણ કોરિયાના ઇતિહાસમાં સૌથી ભયંકર વિમાન અકસ્માત બની ગયો છે. તમામ પ્રવાસીઓ અને ચાલકદળના બે સભ્યો મૃત્યુ પામ્યા છે.

સત્તાધીશોએ અત્યાર સુધીમાં લગભગ 88 લોકોના મૃતદેહોની ઓળખ કરી છે.

મૃતકોમાંથી પાંચ બાળકોની ઉંમર દસ વર્ષ કરતાં ઓછી હતી. સૌથી નાની વયનો પ્રવાસી ત્રણ વર્ષનો છોકરો હતો, જ્યારે સૌથી મોટી વયના પ્રવાસની ઉંમર 78 વર્ષ હતી.

દક્ષિણ કોરિયાની નૅશનલ ફાયર એજન્સીએ જણાવ્યું કે ફ્લાઇટ ક્રૂના બે સભ્યો - એક પુરુષ અને એક મહિલા - દુર્ઘટનામાં બચી ગયાં હતાં. તેઓ વિમાનના ક્રૅશ પછી પાછળના ભાગમાંથી મળી આવ્યાં હતાં અને તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.

રિકવરીના પ્રયાસોમાં 490 ફાયર કર્મચારીઓ અને 455 પોલીસ અધિકારીઓ સહિત 1,500થી વધુ ઇમર્જન્સી કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. તેઓ રનવેની આસપાસ વિમાનનો કાટમાળ અને તેમાં સવાર લોકોને શોધી રહ્યા છે.

સાઉથ કોરિયાના કાર્યકારી પ્રમુખ ચોઈ સાંગ-મોકે મુઆનમાં સ્પેશિયલ ડિઝાસ્ટર ઝોનની જાહેરાત કરી છે. તેથી સ્થાનિક સરકાર અને પીડિતોને કેન્દ્ર સરકારનું ભંડોળ મળી શકશે.

મુઆન ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર આવતી-જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનો તેમના સંબંધીઓનું શું થયું તે જાણવા ઍરપૉર્ટ દોડી ગયા છે. રૉયટર્સના વીડિયો ફૂટેજમાં અધિકારીઓ પીડિતોનાં નામ મોટેથી વાંચીને જણાવે છે.

ઍરપૉર્ટના સત્તાધીશો અને રેડ ક્રોસે શોકગ્રસ્ત પરિવારો માટે ખાનગીમાં શોક વ્યક્ત કરવા માટે ઍરપૉર્ટ પર એક ડઝનથી વધુ ટેન્ટ ગોઠવ્યા છે.

ટર્મિનલમાંથી રડવાનો અવાજ સંભળાતો હતો. કેટલાક લોકો એ બાબતે હતાશ છે કે મૃતદેહોને ઓળખવામાં ઘણો સમય લાગી રહ્યો છે.

જેજુ ઍરે પરિવારોની માફી માંગી છે. ઍરલાઇનના ચીફ એક્ઝિક્યુટિવે એક ન્યૂઝ કૉન્ફરન્સમાં જણાવ્યું કે ઍરલાઇનના ભૂતકાળમાં ક્યારેય અકસ્માત નથી થયા. 2005માં ઍરલાઇન શરૂ થઈ ત્યારથી રવિવારની દુર્ઘટના એ એકમાત્ર જીવલેણ અકસ્માત છે.

પ્લેન ઉત્પાદક કંપની બૉઇંગે અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

દક્ષિણ કોરિયાના કાર્યવાહક પ્રમુખ ચોઈએ કહ્યું: "હું આ ઘટનાના પીડિતો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે હું મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ."

સરકારે આગામી સાત દિવસ માટે દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ નીચી ઊંચાઈએ ફરકાવવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.