You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હવામાં વિમાનને એક જ ઝાટકે હજારો ફૂટ નીચે લાવી દેતાં ટર્બ્યુલન્સ શું છે? એ કેટલાં ખતરનાક છે?
સિંગાપુર ઍરલાઇન્સની લંડનથી સિંગાપુર જઈ રહેલી ફ્લાઇટ જ્યારે મ્યાનમારની ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જબરદસ્ત ટર્બ્યુલન્સ શરૂ થઈ ગયું હતું. આ તોફાનમાં ફસાઈ જતાં ફ્લાઇટ પર એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રીસ લોકો ઘાયલ થયા હતા. જે પૈકી સાતની તબિયત નાજુક છે. બાદમાં સિંગાપુર જતી આ ફ્લાઇટ બૅંગકૉક ખાતે લૅન્ડ કરવામાં આવી હતી.
ફ્લાઇટને જ્યારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો ત્યારે તે 37,000 ફૂટ ઊંચે ઊડી રહી હતી અને ત્રણ જ મિનિટમાં એને 6,000 ફૂટ નીચે આવી ગઈ હતી.
હવે જોઇએ કે ફ્લાઇટના માર્ગમાં આવતું તોફાન એટલે કે ટર્બ્યુલન્સ શું છે અને તે કેવી રીતે આવે છે?
જે લોકો ફ્લાઇટમાં વારંવાર મુસાફરી કરતા હોય તેમણે આ શબ્દ ટર્બ્યુલન્સ સાંભળ્યો જ હશે. આ સમયે પ્લૅનમાં અચાનક ઝટકા લાગે છે. તે વિમાનને હલાવી શકે છે અને વિમાનને માર્ગમાંથી ફંગોળી શકે છે, ગતિમાં પરિવર્તન કરી શકે છે અને તેની ઊંચાઈમાં પણ વધઘટ કરી શકે છે.
બીબીસી વેધરના સાઇમન કિંગના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના તોફાન જેવી ઘટના વાદળોની અંદર ઘટતી હોય છે જ્યાં હવા ઉપરથી નીચે પ્રવાહીત થતી હોય છે.
આ પ્રકારની ઘણીખરી ઘટના સામાન્ય હોય છે પરંતુ મોટાં વાદળો, જેવા કે 'ક્યૂમ્યલોનિમ્બસ થંડરસ્ટ્રોમ'માં હવાની અરાજકતા પેદા કરનારી ગતિવિધીઓ જોખમી અસર પેદા કરવાનું કારણ બની શકે છે.
એક ક્લિયર ઍર ટર્બ્યુલન્સ હોય છે જે વાદળ વગરની પરિસ્થિતિમાં પણ પેદા થાય છે અને તેને જોઈ શકાતું નથી. તેને કારણે તે ગંભીર સમસ્યા પેદા કરી શકે છે કારણ કે તેને ખાળવું અઘરું છે.
વિમાનના શૈક્ષણિક અને વાણિજ્યિક પાઇલટ ગાઇ ગ્રેટનનું કહેવું છે કે આ પ્રકારનું ટર્બ્યુલન્સ 40થી 60 હજાર ફૂટ ઊંચાઈએ જૅટ સ્ટ્રીમની આસપાસ હોય છે. જે હવાની ઝડપી પ્રવાહ ધરાવતી નદીની માફક હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રેટનના જણાવ્યા પ્રમાણે જૅટ સ્ટ્રીમની હવા અને તેની આસપાસની હવા વચ્ચે 100 માઇલ પ્રતિ કલાકની ઝડપનો ફેર હોય શકે છે.
જૅટ સ્ટ્રીમની આસપાસ ધીમી અને તેજ હવા વચ્ચેનું ઘર્ષણ થવાને કારણે આ તોફાન સર્જાય છે. આ પ્રકારનું ટર્બ્યુલન્સ હંમેશાં હોય જ છે અને તે ગતિશીલ હોય છે. તેને અવગણવું મુશ્કેલ હોય છે.
ઉદાહરણ તરીકે જો તમે યુરોપથી નોર્થ અમેરિકા મુસાફરી કરતા હોવ તો તેને ટાળવું મુશ્કેલ છે કારણ કે આ સમયાવધિ વચ્ચે ઘણાં જોખમી ટર્બ્યુલન્સનો સામનો કરવો પડી શકે છે.
ટર્બ્યુલન્સ કેટલાં જોખમી?
ગ્રેટન કહે છે કે ઍરક્રાફ્ટની ડિઝાઇન એ પ્રકારની હોય છે કે તે જોખમી હોય તેવાં ટર્બ્યુલન્સનો પણ સામનો કરી શકે.
તેમનું કહેવું છે કે ટર્બ્યુલન્સને કારણે ઍરક્રાફ્ટ પૂર્ણત: નષ્ટ થાય તેવી ઘટના ઘટતી નથી. આમ છતાં તેનાથી બચવા માટે પાઇલટ ફ્લાઇટની ગતિ ધીમી કરવાની કોશિશ કરે છે અને બધાને સીટ બૅલ્ટ બાંધવાની ચેતવણી આપે છે.
જાણકારો કહે છે કે જોખમી પરિસ્થિતિમાં પણ ટર્બ્યુલન્સ ફ્લાઇટના સ્ટ્રક્ચરને ક્ષતિ પહોંચાડી શકે છે. જોકે તે પવનની ગતિ કેટલી ઝડપી છે તેના પર આધાર રાખે છે.
કેટલાક ટર્બ્યુલન્સ વધારે જોખમી હોય છે અને તે મુસાફરોને હાની પહોંચાડી શકે છે. જેમણે સીટ બૅલ્ટ ના બાંધ્યો હોય તેવા લોકોને સીટ પરથી દૂર ફેંકી શકે છે.
જોકે જાણકારો કહે છે કે ટર્બ્યુલન્સને કારણે કોઈ મુસાફરોને ઇજા પહોંચી હોય તે તેમનાં મૃત્યુ થયાં હોય તેવી ઘટના બહુ જૂજ છે.
પાઇલટ ટર્બ્યુલન્સની સ્થિતિમાં પ્લૅનને કેવી રીતે બચાવે છે?
ઍવિયેશન એક્સપર્ટ જૉન સ્ટ્રિકલૅન્ડના મત પ્રમાણે જે પ્રકારે વિશ્વમાં લાખો ફ્લાઇટ્સ ઑપરેટ થઈ રહી છે તે જોતાં જોખમી હોય તેવાં ટર્બ્યુલન્સમાં પણ મુસાફરોને ઇજા થવાની સંભાવના ઘણી ઓછી છે.
અમેરિકાના નેશનલ ટ્રાંસપોર્ટેશન સેફ્ટી બૉર્ડનું કહેવું છે કે અમેરિકાસ્થિત વિવિધ એરલાઇન્સમાં વર્ષ 2009થી લઈને વર્ષ 2022 સુધી જોખમી ટર્બ્યુલન્સને કારણે મુસાફરો ઇજા પામ્યા હોય તેવી માત્ર 163 ઘટનાઓ નોંધાઈ છે. તેની સરેરાશ કાઢવામાં આવે તો પ્રતિ વર્ષ માત્ર 12 ઘટનાઓ ઘટે છે.
આમ તો પ્લૅન ટેક ઑફ થાય તે પહેલાં પાઇલટ પાસે હવામાનની તમામ જાણકારી હોય છે. જે રૂટ પરથી તેઓ ફ્લાઇટને ઉડાવવાના હોય છે તે રૂટ પર હવામાન કેવું રહેશે તેનો અભ્યાસ કરે છે. તેથી તેઓ ફ્લાઇટના રસ્તામાં આવતા આઇસોલેટેડ થંડરસ્ટ્રોમનો સામનો કરી શકે. પરંતુ ક્લિન ઍર ટર્બ્યુલન્સનો સામનો કરવાનું સરળ નથી હોતું.
ગ્રેટન કહે છે કે આ જ માર્ગ પર અગાઉ ગયેલી ફ્લાઇટ પણ આ અંગે ત્યારપછીની ફ્લાઇટને આ પ્રકારના ટર્બ્યુલન્સ વિશે રિપોર્ટ કરે છે. જેથી પાઇલટ તે માર્ગ પર જવાનું ટાળે છે કાં તો પ્લૅનની ગતિ ધીમી કરી દે છે, જેથી તેની અસર ખાળી શકાય.
આવા સંજોગોમાં ક્રૂ સભ્યોને કેવી રીતે વર્તવું તે માટેની વિશેષ તાલિમ આપવામાં આવી હોય છે.
ટર્બ્યુલન્સનો વારંવાર સામનો કેમ કરવો પડે છે અને મુસાફરોએ શું કરવું?
મુસાફરો માટે એક જ સૂચના છે અને તે એ કે તેમણે તેમની બેઠક પર સીટ બૅલ્ટ બાંધેલી હાલતમાં બેસવું અને કોઈ વજનદાર વસ્તુ હાથમાં લેવાનું ટાળવું.
પાઇલટ હંમેશાં મુસાફરોને સીટ બૅલ્ટ બાંધવાની સલાહ આપતા હોય છે કારણકે ટર્બ્યુલન્સનો ગમે ત્યારે સામનો કરવો પડી શકે છે.
કેટલાક સંશોધકકર્તાઓના મત પ્રમાણે ક્લાઇમેટ ચેન્જને કારણે ટર્બ્યુલન્સ જોવા મળે છે.
યુકેસ્થિત રીડિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના મત પ્રમાણે સૌથી વ્યસ્ત એવા નોર્થ એટલાન્ટિક રૂટ પર વર્ષ 1979ની સરખામણીમાં વર્ષ 2020માં જોખમી ટર્બ્યુલન્સની ઘટનામાં 55 ટકાનો વધારો થયો છે.
તેમના મત પ્રમાણે કાર્બન ઉત્સર્જન વધવાને કારણે ઊંચાઈ પર હવાની ગતિમાં પરિવર્તન આવ્યું છે.
ગ્રેટનના મત પ્રમાણે તેને કારણે આપણે ખુદ આ પ્રકારના ટર્બ્યુલન્સને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમનો એ પણ મત છે કે આપણે હવે વધુને વધુ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે. જેથી આકાશનો માર્ગ વ્યસ્ત રહે છે. પાઇલટ માટે આ માર્ગમાં અન્ય ફ્લાઇટથી સુરક્ષીત અંતર જાળવી રાખવાની પ્રાથિમતા વચ્ચે આ પ્રકારે ટર્બ્યુલન્સનો સામનો કરવો અઘરું બની જાય છે.