સુપ્રીમ કોર્ટનો નિર્દેશ – તમામ રાજ્ય સરકારો જાહેર પરિસર પરથી રખડતાં કૂતરાં અને ઢોરઢાંખર હઠાવે

સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે શુક્રવારે શકવર્તી ચુકાદો આપ્યો હતો. જેમાં તમામ રાજ્ય સરકારોને હાઇવે, રસ્તા અને ઍક્સપ્રેસ-વે પરથી રખડતાં કૂતરાં અને ઢોરઢાંખર હઠાવવા માટે કહેવામાં આવ્યું છે.

જોકે, સર્વોચ્ચ અદાલતે હજુ સુધી લેખિત આદેશ નથી આપ્યો. જોકે, મૌખિક આદેશમાં કહ્યું, "આનું કડકાઈથી પાલન થવું જરૂરી છે. અન્યથા અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવશે."

કોર્ટે તમામ રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને એ પણ નિર્દેશ આપ્યો હતો કે તેઓ સરકારે કે ખાનગી હૉસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, સાર્વજનિક રમત મેદાનો ઉપરાંત રેલવેની ઓળખ કરીને તેને તેની ફરતે એવી વ્યવસ્થા કરે કે કૂતરાં અંદર ન પ્રવેશી શકે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અધિકારીઓએ આવા સ્થાનોની ઓળખ કરી, ત્યાં રહેલાં રખડતાં કૂતરાંને હઠાવીને તેમની નસબંધી કરાવવી રહી, એ પછી તેમને ડૉગ શેલ્ટર ખાતે મોકલવાના રહેશે.

જોકે, કેટલાક વકીલોએ આ આદેશ અંગે ચિંતા વ્યક્ત કરી અને વિનંતી કરી હતી કે આદેશમાં સુધાર કરવા માટે સુનાવણી હાથ ધરવામાં આવે. જોકે, બેન્ચે આ માંગને નકારી કાઢી હતી.

સુપ્રીમ કોર્ટે શું-શું કહ્યું?

શુક્રવારે જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મેહતા તથા જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે સ્વતઃ સંજ્ઞાન (સુઓ મોટો) લઈને આ અંગે ચુકાદો આપ્યો હતો.

અદાલતી કાર્યવાહી અંગે રિપોર્ટિંગ કરતી વેબસાઇટ લાઇવ લૉના જણાવ્યા પ્રમાણે, સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલ, ખેલ પરિસરો, બસ સ્ટેન્ડ કે ડિપો, રેલવેસ્ટેશન વગેરે સ્થળોએ સારી રીતે વાડબંધી કરવી જરૂરી છે, જેથી કરીને રખડતાં શ્વાનોને અંદર પ્રવેશતા અટકાવી શકાય.

બેન્ચોનું કહેવું છે કે આવ સ્થળોએથી રખડતાં કૂતરાંને હઠાવવામાં આવે અને તેમનું રસીકરણ કરવામાં આવે. નસબંધી કર્યા બાદ ઍનિમલ બર્થ કંટ્રૉલ રૂલ્સ મુજબ શ્વાનોને અનુરૂપ શેલ્ટરમાં રાખવામાં આવે, તથા આ અંગેની જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની છે.

લાઇવન લૉના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ વિસ્તારોમાંથી જે શ્વાનોને હઠાવવામાં આવે, તેમને ફરી ત્યાં જ છોડવામાં ન આવે.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આમ કરવાથી આવાં સ્થળોને રખડતાં શ્વાનોથી મુક્ત કરાવવાનો હેતુ પાર નહીં પડે. સાથે જ સર્વોચ્ચ અદાલતે સ્થાનિક સ્વરાજ્ય એકમોને આ સ્થલોએ સમયાંતરે નિરીક્ષણ કરવા તાકિદ કરી છે, જેથી કરીને અહીં કૂતરાં રહેવા ન લાગે.

અદાલતે રસ્તા અને હાઇવે ઉપરથી રખડતાં ઢોરને હઠાવવા માટે પણ નિર્દેશ આપ્યા હતા.

અગાઉ સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

આ વર્ષે જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે જસ્ટિસ જેબી પારડીવાલ તથા જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે એક ન્યૂઝ રિપોર્ટ અંગે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું અને રખડતાં કૂતરાંનો મામલો ઉઠાવ્યો હતો.

બે જજોની આ બેન્ચે તા. 11મી ઑગ્સટના સુનાવણી કરી હતી અને દિલ્હી-એનસીઆરમાં તમામ રખડતાં કૂતરાંને શેલ્ટર હોમ્સમાં પૂરી દેવા આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કૂતરાં કરડવા તથા હડકવાની ઘટનાઓમાં વધારા પર ચિંતા વ્યક્ત કરી હતી અને અધિકારીઓને આ કામ આઠ અઠવાડિયાંમાં પૂરું કરવાની મહેતલ આપી હતી.

જોકે, કેટલાક પશુપ્રેમીઓએ આ આદેશનો વિરોધ કર્યો અને કેટલાક શ્વાનપ્રેમીઓએ સુપ્રીમ કોર્ટમાં જ એક અરજી આપી હતી.

પશુ અધિકાર સંગઠન પેટા ઇન્ડિયાનું કહેવું હતું કે શ્વાનોને હઠાવવાએ ન તો વૈજ્ઞાનિક રીત છે કે ન તો તેનાથી સમસ્યાનો ઉકેલ આવશે. પેટાનું કહેવું હતું, "જો દિલ્હી સરકારે અગાઉથી જ પ્રભાવક રીતે શ્વાનોની નસબંધીનો કાર્યક્રમ હાથ ધર્યો હોત, તો આજે કદાચ રસ્તાઓ ઉપર આટલી મોટી સંખ્યામાં શ્વાનો ન હોત."

રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં બંધ કરવાના આદેશ વિરુદ્ધ આપવામાં આવેલી અરજી ઉપર ત્રણ જજોની બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે જે શ્વાનોને પકડવામાં આવ્યા છે, તેમને એજ વિસ્તારોમાં છોડી દેવામાં આવે.

જોકે, આ ચુકાદા અંગે સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યુ હતું કે જે શ્વાનોને હડકવા થયો છે કે હડકવા (રેબિસ) થવાની આશંકા છે, તેમને છોડવામાં ન આવે. આ મુદ્દે પશુપ્રેમીઓએ હરખ વ્યક્ત કર્યો હતો.

ભારતનાં રાજ્યોમાં કેવી પરિસ્થિતિ છે?

દેશના મોટાભાગનાં રાજ્યોમાં રખડતાં શ્વાનો અને હડકવાને પહોંચી વળવા માટે એબીસી-2023 હેઠળ પગલાં લેવામાં આવે છે.

વર્ષ 2022માં મત્સ્યપાલન અને પશુપાલન વિભાગે સંસદમાં માહિતી આપી હતી કે દેશમાં હાલમાં રખડતાં કૂતરાંની સંખ્યા સૌથી વધુ ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં છે. જ્યારે દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ અને મણિપુરના રસ્તાઓ ઉપર કોઈ રખડતાં શ્વાનો નથી.

મંત્રાલયનું કહેવું છે કે વર્ષ 2019માં 20 લાખ 59 હજાર થઈ ગઈ હતી. જે વર્ષ 2012ની સરખામણીમાં ઘટાડો સૂચવે છે.

ઉત્તર પ્રદેશમાં રખડતાં કૂતરાં અંગે સૌથી કડક નિયમ છે. ઉત્તર પ્રદેશ નગરપાલિકા નિયમ મુજબ, સાર્વજનિક સ્થળોએ કૂતરાંને અનિયંત્રિતપણે ખવડાવવું પ્રતિબંધિત છે.

બીજી બાજુ, કેરળમાં વર્ષ 2012ની સરખામણીમાં 2019માં રખડતાં કૂતરાંની સંખ્યા વધી છે. ત્યાં આ સંખ્યા બે લાખ 89 હજાર ઉપર પહોંચી ગઈ છે. રખડતાં શ્વાનો દ્વારા હુમલાને પહોંચી વળવા માટે રાજ્ય દ્વારા એબીસીના નિયમોને લાગુ કરવા માટે ખાસ કમિટીઓ બનાવવામાં આવી છે, જે પરિસ્થિતિ ઉપર નજર રાખે છે.

બીજી બાજુ, દેશની આર્થિક રાજધાની મુંબઈએ સંતુલિત વલણ અપનાવ્યું છે. મુંબઈમાં રખડતાં શ્વાનો અને બિલાડીઓને ખવડાવી શકાય, પરંતુ તેમને ચૂનંદા અને સાફ સ્થળોએ જ ખવડાવી શકાય છે.

બીજી બાજુ, પર્યટન માટે વિખ્યાત ગોવા રાજ્યમાં રખડતાં શ્વાનોની સંખ્યા વધુ છે. ગોવા એ દેશનું પહેલું રેબિઝ કંટ્રૉલ્ડ રાજ્ય છે. વર્ષ 2017 પછી ગોવામાં માણસોમાં હડકવાનો એક પણ કિસ્સો નોંધાયો નથી.

જોકે, વર્ષ 2023માં એક મામલામાં વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન