જીવનવીમો ખરીદતી વખતે કઈ છ બાબતોનું ધ્યાન રાખવું, કઈ ભૂલો મોંઘી પડી શકે?

વીમો એ આવશ્યકતાની વસ્તુ છે અને જીવનની અનેક અનિશ્ચિતતાઓ પૈકી નાણાકીય અનિશ્ચિતતા સામે અમુક અંશે રક્ષણ આપે છે, છતાં ભારતમાં વીમા વિશે ઓછી જાગૃતિ જોવા મળે છે.

જીવનવીમાનું યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો તમારા પરિવારને નાણાકીય રક્ષણ મળી શકે છે. તે વીમાધારકની ગેરહાજરીમાં તેમનું દેવું ઉતારી શકે અને બાળકોના શિક્ષણનું પણ ધ્યાન રાખી શકે. પરંતુ ખોટી પોલિસી પસંદ કરવામાં આવે તો પ્રીમિયમમાં મોટી રકમ જતી રહે અને જરૂર પડે ત્યારે પૂરતું વળતર પણ ન મળે.

ભારતમાં જીવનવીમો ખરીદતી વખતે મોટા ભાગના લોકોને તેની શરતોની જાણકારી નથી હોતી, જેના કારણે તેમને ખોટી પોલિસી વેચવામાં આવે તેવી શક્યતા વધારે રહે છે. કેટલીક વખત લોકો જરૂરિયાત કરતાં ઓછો વીમો ખરીદે છે જેથી 'અંડરઇન્સ્યોર્ડ' રહે છે, તો કેટલીક વખત બચત અને વીમાનું એવી રીતે મિશ્રણ કરે છે કે પ્રીમિયમની રકમ ઊંચી રહે, પરંતુ વીમાનું છત્ર ઓછું મળે છે.

બીબીસીએ અહીં જીવનવીમાની જરૂરિયાત તથા વીમો ખરીદતી વખતે કઈ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો તે જાણવા માટે નિષ્ણાતો સાથે વાત કરી હતી. તેમના કહેવા મુજબ પાંચ બાબતો એવી છે જેને જીવનવીમાની ખરીદી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

જીવન વીમો શા માટે ખરીદવો છે?

સૌથી પહેલાં તો તમે જીવનવીમો શા માટે ખરીદો છો, તે તમારા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. તમારું અકાળે અવસાન થાય ત્યારે પરિવારને પૂરતું નાણાકીય કવર મળે તેના માટે વીમો ખરીદવો છે, બાળકોના શિક્ષણ માટે વીમો જોઈએ છે કે પછી નિવૃત્તિ પછી આવક ચાલુ રહે તે માટે વીમો જોઈએ છે? આ નક્કી થઈ જાય પછી યોગ્ય વીમા પ્લાન પસંદ કરો.

ફાઇનાન્સિયલ ગોલ પ્લાનર પ્રિયાંક ઠક્કરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "પરિવારને નાણાકીય કવર આપવું હોય તો ટર્મ પ્લાનની ભલામણ કરવામાં આવે છે. તેમાં પ્રીમિયમ ઓછું હોય છે, પરંતુ કવરેજ વધારે હોય છે. ટર્મ પ્લાનમાં બચતનું કોઈ તત્ત્વ નથી હોતું. ટર્મ પ્લાન ચોક્કસ સમયગાળા માટે જ હોય છે તેથી શક્ય એટલી નાની વયે ટર્મ પ્લાન ખરીદવાની સલાહ અપાય છે. ઉંમર વધતી જાય તેમ તેમ પ્રીમિયમની રકમ વધતી જાય છે અને સમયગાળો પણ ઘટે છે."

તેઓ કહે છે કે "સામાન્ય રીતે માણસની કામ કરવાની ઉંમર 60થી 65 વર્ષ ગણવામાં આવે છે. તેથી અમે સલાહ આપીએ છીએ કે આટલાં વર્ષ સુધીનો જ વીમો ખરીદવો જેથી પ્રીમિયમ ઓછું રહે. તમે 75થી 80 વર્ષના ગાળા માટે વીમો ખરીદશો તો પ્રીમિયમ ઘણું વધી જશે."

વીમા સાથે બચતને મિક્સ ન કરો

ભારતમાં વીમાક્ષેત્રમાં યુલિપ્સનું પણ ચલણ છે, જેમાં શૅરમાર્કેટ સંબંધિત સાધનોમાં તથા બોન્ડ વગેરેમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવા પ્રયાસ કરાય છે. જોકે, તે માર્કેટ સંબંધિત હોવાથી જોખમ રહે છે.

ત્યાર પછી સેવિંગ્સ પ્લાન આવે છે જે તમને નિયમિત રીતે નાણાં બચાવવાની સુવિધા ઉપરાંત વીમાકવર આપે છે. સેવિંગ્સ પ્લાનની નબળી બાજુ એ છે કે તેમાં પ્રીમિયમની તુલનામાં વીમાછત્ર બહુ ઓછું મળે છે અને બચતમાં પણ કેટલું વળતર મળશે તે પહેલેથી કહી શકાય નહીં.

આવા પ્લાન વિશે પ્રિયાંક ઠક્કર કહે છે કે "વીમા કવરેજ અને બચતને ક્યારેય મિક્સ કરવા ન જોઈએ. વીમાનું કવરેજ શક્ય હોય તો પ્યોર ઇન્સ્યોરન્સ એટલે કે ટર્મ વીમો ખરીદો. તમારે જે બચત કરવી હોય તે રકમ મ્યુચ્યુઅલ ફંડ કે બીજાં કોઈ સાધનોમાં રોકો, પરંતુ ઇન્સ્યોરન્સ સાથે તેને મિશ્રણ કરશો તો પ્રીમિયમ વધી જશે અને પૂરતું કવર પણ નહીં મળે."

વીમાનું કવર કેટલું રાખવું?

જીવનવીમાનો હેતુ એ છે કે વીમાધારકને કંઈ થઈ જાય તો પણ તેનો પરિવાર નાણાકીય ભીંસમાં આવવો ન જોઈએ. તેથી વીમો એટલી રકમનો હોવો જોઈએ જે ભવિષ્યમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને પરિવારને કવર આપી શકે. સામાન્ય નિયમ એવો છે કે તમારી વાર્ષિક આવક કરતાં 10 ગણું વીમા કવરેજ હોવું જોઈએ.

નાણાકીય સલાહકાર પ્રિયાંક ઠક્કરે જણાવ્યું કે "ટર્મ ઇન્સ્યોરન્સ ખરીદો તો તેની રકમ એટલી હોવી જોઈએ કે તમારી બધી લોન અને બધું દેવું તેમાં કવર થઈ જાય. એટલે કે માસિક આવક એક લાખ રૂપિયા હોય તો ઓછામાં ઓછા દોઢ કરોડ રૂપિયાનું જીવનવીમા કવર ખરીદવું જોઈએ. તમારી ભવિષ્યની તમામ નાણાકીય જવાબદારી કવર થઈ જાય એટલું વીમા છત્ર હોવું જરૂરી છે."

વીમામાં રાઈડર ઉમેરો

જીવનવીમા પોલિસીમાં તમે ચોક્કસ વધારાના લાભો માટે રાઇડર્સ ઉમેરાવી શકો છો. ઉદાહરણ તરીકે જીવનવીમામાં તમે આકસ્મિક મૃત્યુ કવર ઉમેરાવો તો એક્સિડેન્ટલ ડેથના કિસ્સામાં વધારાની રકમ મળી શકે છે. તેવી જ રીતે ક્રિટિકલ ઇલનેસ એટલે કે ગંભીર બીમારી માટેના રાઇડર ઉમેરાવ્યા હોય તો આવી બીમારીનું નિદાન થાય ત્યારે ચોક્કસ રકમનું વળતર મળી શકે છે, જે મેડિકલ ખર્ચ વખતે મદદરૂપ બને છે. રાઇડર્સ માટે સામાન્ય રીતે પ્રીમિયમમાં બહુ સામાન્ય વધારો થતો હોય છે.

ફાઇનાન્સિયલ ગોલ પ્લાનર પ્રિયાંક ઠક્કરે કહ્યું કે "એક્સિડેન્ટલ કવર અને ક્રિટિકલ ઇલનેસના રાઇડર ઉમેરવાની સૌને સલાહ આપવામાં આવે છે. તેમાં પ્રીમિયમમાં થોડી રકમ ઉમેરીને 20થી 25 ટકા સુધી વીમાનું કવર વધારી શકાય છે."

કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો જુઓ

કોઈ પણ વીમા કંપની તેના ગ્રાહકને કેટલી સંતોષજનક સેવા આપે છે તે જાણવા માટે તેનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો (સીએસઆર) જોવો પડે. તેના પરથી વીમા કંપનીની વિશ્વસનીયતા નક્કી થાય છે. જો કોઈ કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો નીચો હોય તો તેને ટાળવાની સલાહ અપાય છે, કારણ કે ક્લેમ વખતે આવી કંપની વાંધા ઊભા કરીને ગ્રાહકને પરેશાન કરી શકે છે. તેથી સીએસઆર ઊંચો હોય તેવી કંપની પસંદ કરો.

પ્રિયાંક ઠક્કર કહે છે કે "બજારમાં દર વર્ષે નવી નવી વીમા કંપનીઓ આવતી હોય છે અને લોભામણી સ્કીમ ઑફર કરતી હોય છે. તેથી ઉતાવળે વીમા કંપની પસંદ કરવાના બદલે જાણીતું નામ હોય તેવી પ્રતિષ્ઠિત કંપની પસંદ કરવી ઇચ્છનીય છે. કારણ કે નવી કંપનીઓની નાણાકીય ક્ષમતા કેટલી છે તે આપણે નથી જાણતા. તેથી ક્લેમ સેટલમેન્ટને લઈને કોઈ વાંધો ન થાય તે માટે મજબૂત કંપની પસંદ કરવી."

કોઈ માહિતી છુપાવો નહીં

જીવનવીમો કે કોઈ પણ વીમો ખરીદતી વખતે તમે વીમાકંપનીને ખરી અને સચોટ માહિતી આપો તે જરૂરી છે. કોઈ પણ માહિતીને છુપાવવાનો પ્રયાસ કરવામાં ગ્રાહકને નુકસાન જઈ શકે છે, કારણ કે ભવિષ્યમાં ક્લેમ થાય ત્યારે વીમાકંપની માહિતી છુપાવવાનું કારણ આપીને ક્લેમ રિજેક્ટ કરી શકે છે.

પ્રિયાંક ઠક્કરે જણાવ્યું કે "તમે સિગરેટ પીતા હોવ તો પહેલેથી વીમાના ફોર્મમાં આ વિગત આપો. માત્ર પ્રીમિયમ ઓછું રાખવાના હેતુથી આ વાત છુપાવો નહીં. તમને હેલ્થની કોઈ પણ તકલીફ હોય તો તેને અગાઉથી સ્પષ્ટ જણાવો, નહીંતર કંપની ક્લેમ નકારી શકે છે." તેથી પોલિસીની શરતોને બરાબર સમજો, ન સમજાય તો એડવાઇઝરને સવાલો કરો, તમારા માટે કઈ પ્રોડક્ટ યોગ્ય છે તે જાણો અને પછી જીવનવીમો ખરીદો. વીમો ખરીદ્યા પછી તમારે વર્ષો સુધી પ્રીમિયમ ભરવું પડશે, તેથી કોઈ ઉતાવળ ન કરો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન