પેશાબમાં ફીણ આવે છે? પાંચ લક્ષણોથી જાણો તમારી કિડની સારી છે કે ખરાબ

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

કિડની આપણા શરીરમાં એક સાથે ઘણાં કામ કરે છે. તે શરીરમાંથી ગંદા પદાર્થ દૂર કરે છે. કિડની પ્રવાહી પદાર્થો અને ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવી રાખે છે.

તે બ્લડપ્રેશર પર નજર રાખે છે અને રેડ બ્લડ સેલ બનાવવામાં પણ મદદ કરે છે, પરંતુ કિડની ખરાબ થવા લાગે ત્યારે શરૂઆતનાં લક્ષણોને લોકો ઘણી વખત અવગણતા હોય છે.

સમયસર આ લક્ષણોને ઓળખી લેવામાં આવે તો કિડનીને લગતી બીમારીઓનો ઈલાજ પણ જલદી શરૂ થઈ જાય છે.

ચાલો એવા પાંચ લક્ષણ જાણીએ જેના પર ઘણી વખત આપણું ધ્યાન નથી જતું. તે કિડનીની બીમારી અથવા તે ખરાબ થઈ હોવાના સંકેત હોઈ શકે છે.

જલદી જલદી પેશાબ આવવો

જલદી જલદી પેશાબ આવતો હોય તો તે કિડની ખરાબ હોવાના સંકેત હોઈ શકે. તેને પોલિયુરિયા કહે છે.

જોકે, કિડની ખરાબ થઈ જાય ત્યારે જરૂરિયાત કરતાં ઓછો પેશાબ આવે છે. ઘણી વખત પેશાબમાં ફીણ આવે તે તેના સંકેત હોય છે.

સર ગંગારામ હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મોહસીન વલી કહે છે કે, "આવું જરૂરી નથી. બીજી બીમારીઓના કારણે પણ પેશાબમાં ફીણ આવી શકે."

શરીર પર સોજો આવવો

આંખો અને પગ પર સોજો ચઢે તે કિડની ખરાબ હોવાના સંકેત હોઈ શકે. પગની ઘૂંટી કે પિંડી પર સોજો ચઢે તો પણ તેની અવગણના ન કરો. તે કિડનીની બીમારી તરફ ઈશારો કરે છે.

મણિપાલ હૉસ્પિટલનાં નેફ્રોલૉજિસ્ટ ડૉ. ગરિમા અગ્રવાલ કહે છે કે પગ ફૂલી જતા હોય તો સતર્ક રહો. આંખો, ચહેરો અને પગ પરનો સોજો કિડનીની બીમારીનો સંકેત આપે છે.

બ્લડપ્રેશરમાં વધારો

નિષ્ણાતો મુજબ બ્લડપ્રેશર એ બેધારી તલવાર છે. બ્લડપ્રેશર વધારે હોય તો કિડની પર અસર થાય છે. સાથે સાથે કિડની ખરાબ હોય તો પણ બ્લડપ્રેશર વધે છે.

તેથી બ્લડપ્રેશરને લઈને ખાસ સજાગ રહેવું જોઈએ. ડૉ. ગરિમા અગ્રવાલ કહે છે કે ઘણી વખત બ્લડપ્રેશર કન્ટ્રોલ નથી થતું અને દવાઓનો ડોઝ વધારવામાં આવે છે. તે પણ કિડનીની બીમારીનું લક્ષણ છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસના કારણે કિડની પર સૌથી વધુ અસર થાય છે.

ડૉ. ગરિમા અગ્રવાલ કહે છે કે કિડનીના 80 ટકા દર્દીઓને ડાયાબિટીસ હોય છે.

ડાયાબિટીસના 30થી 40 ટકા મામલામાં કિડની પર અસર થાય છે.

ડાયાબિટીસ ધરાવતા લોકોને કિડનીની બીમારી પણ થાય તો તેમનું શુગર લેવલ ડાઉન થઈ જાય છે.

ઘણાં વર્ષો સુધી હાઈ શુગર હોય તો તેના કારણે કિડનીની બીમારી થવા લાગે છે.

થાક, ખંજવાળ અને ઊબકાં

થાક અનુભવાય, શરીરમાં ખંજવાળ આવે અથવા ઊબકાં આવે તો તે પણ કિડનીની બીમારીના સંકેત ગણાય છે.

નિષ્ણાતો મુજબ શરીરમાં ફૉસ્ફરસ ઘટવાથી ખંજવાળ આવે છે. કિડનીની બીમારીથી શરીરમાં ફૉસ્ફરસ ઘટી જાય છે. કિડનીની બીમારી ધરાવતા કેટલાક લોકોને કંઈ ખાવાનું નથી ભાવતું.

નિષ્ણાતો કહે છે કે તંદુરસ્ત જીવનશૈલી કિડનીની બીમારીને રોકવામાં ઘણી હદે મદદ કરી શકે. તેઓ નિયમિત કસરત કરવાની, પૂરતા પ્રમાણમાં પાણી પીવાની, અને નમક તથા ખાંડનો વપરાશ ઘટાડવાની સલાહ આપે છે.

ડૉ. મોહસીન વલી અને ડૉ. ગરિમા અગ્રવાલે બીબીસીને એવા કેટલાક ઉપાય જણાવ્યા, જેનાથી આ બીમારીથી બચી શકાય છે.

પૂરતા પ્રમાણમાં પાણી પીવો

કિડનીને તંદુરસ્ત રાખવા માટે પાણી ખાસ મહત્ત્વ ધરાવે છે. તમે પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો કિડની તેટલા પ્રમાણમાં પેશાબ બનાવશે. તેનાથી હાનિકારક તત્ત્વો શરીરમાંથી નીકળી જશે.

સાથે સાથે કિડનીમાં પથરી અને ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટી જાય છે. તમે પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો પેશાબ સ્વચ્છ અથવા સામાન્ય પીળા રંગનો આવશે.

ડૉ. ગરિમા અગ્રવાલ કહે છે કે સામાન્ય રીતે દિવસમાં બેથી અઢી લિટર પાણી પીવું જોઈએ.

મીઠાનું પ્રમાણ ઘટાડો

વધારે પડતું મીઠું કિડની માટે નુકસાનકારક છે. તેનાથી બ્લડપ્રેશર વધે છે અને કિડનીને નુકસાન થાય છે. અથાણા, પાપડ, પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો.

નૂડલ્સ, ચાઉમિન જેવી ચીજોમાં પણ વધારે પડતું મીઠું હોય છે, તેથી તેને ટાળો.

સિંધવ મીઠું ન ખાવ

આજકાલ સિંધવ નમકનું ચલણ વધ્યું છે. પરંતુ હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ સિંઘવ નમક ન ખાવું જોઈએ.

ડૉ. મોહસીન વલી કહે છે કે સામાન્ય રીતે સિંધવ નમકને સાદા નમકની તુલનામાં આરોગ્ય માટે સારું ગણવામાં આવે છે, પરંતુ તેમાં પોટેશિયમ ઓછું અને સોડિયમ વધારે હોય છે.

શુગરનું પ્રમાણ ઘટાડો

કિડનીની બીમારીઓથી બચવું હોય તો ગળ્યા પદાર્થો ઓછા ખાવ.

ખાંડ ન ખાવ તો વધુ સારું. કેક, કૂકીઝ, પેસ્ટ્રી અને કોલા જેવી ચીજોમાં પ્રોસેસ્ડ ખાંડ હોય છે. તેનાથી વજન વધે છે અને કિડનીની બીમારી થવાનો ખતરો રહે છે.

વજનને કાબૂમાં રાખો

નિષ્ણાતોનું કહેવું છે કે વજનને ઘટાડો, કારણ કે સ્થૂળકાય લોકોને કિડનીની બીમારી થવાની શક્યતા વધી જાય છે.

બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ)ને નિયંત્રણમાં રાખો. તે 24થી ઓછું હોય તો વધુ સારું રહેશે.

હળવો શારીરિક વ્યાયામ કરવો ખાસ જરૂરી છે. તેનાથી મેટાબૉલિઝમ સારું રહે છે.

આ બધી કાળજી રાખશો તો 50ની ઉંમરે પહોંચતા સુધીમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશરનું જોખમ ઘટશે.

સંતુલિત આહાર લો

ખોરાકમાં ફળ, શાકભાજી, આખા ધાન્ય ભરપૂર ખાવ. પ્રો-બાયોટિક ચીજો પણ શરીર માટે સારી હોય છે, તેને પ્રાથમિકતા આપો. તળેલું ખાવાનું ટાળો.

પૂરતા પ્રમાણમાં પાણી, સંતુલિત આહાર અને કસરત કરવાથી કિડની સ્વસ્થ રહે છે અને એકંદરે તંદુરસ્તી જળવાય છે.

ડૉક્ટરને પૂછ્યા વગર દવાઓ ન લો

ડૉ. ગરિમા અગ્રવાલ કહે છે, "આપણે ઘણી વખત જોઈએ છીએ કે લોકો ડૉક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોર પરથી દવા ખરીદીને ખાય છે."

"લોકો સૌથી વધારે પેઇન કિલર્સ લેતા હોય છે. વૃદ્ધ લોકો શરીરના દુખાવા કે આર્થરાઇટિસમાં પેઇન કિલર્સ લે છે. કેટલીક દવાઓમાં હેવી મેટલ્સ અને સ્ટીરોઇડ્સ હોય છે. તેનાથી કિડની ખરાબ થઈ શકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન