ગર્ભાશયના બદલે લિવરમાં બાળક, આવું કેમ થાય અને તબીબો શું સલાહ આપે છે?

    • લેેખક, પ્રેરણા
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાના દસ્તૂરા ગામ ખાતે પ્રેગનન્સીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બાળકનું ભ્રૂણ ગર્ભાશયમાં નહીં, પરંતુ લિવરમાં આકાર લઈ રહ્યું હતું.

દસ્તૂરા ગામનાં 35 વર્ષીય સર્વેશ તાજેતરના દિવસોમાં અનેક તબીબો તથા સંશોધનકર્તાઓ માટે અભ્યાસનો વિષય બની ગયાં છે. સામાન્ય લોકોની સાથે તજજ્ઞો પણ જાણવા માગે છે કે આવું કેમ બન્યું અને સર્વેશની પરિસ્થિતિ કેવી છે?

હું પણ એજ વિચાર સાથે દસ્તૂરા પહોંચી. હું જ્યારે સર્વેશના ઘરે પહોંચી, તો તેઓ ખાટલા ઉપર આરામ કરી રહ્યાં હતાં. સર્વેશના પેટ ઉપર પહોળો બૅલ્ટ બાંધેલો હતો, જેના કારણે સર્વેશને પડખું ફેરવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી.

સર્વેશના કહેવા પ્રમાણે, તેમના પેટ ઉપર જમણી બાજુએ ઉપરની બાજુએ 21 ટાંકા લેવામાં આવ્યા છે તથા તબીબોએ તેમને કોઈ ભારે સામાન ન ઉપાડવાની તાકીદ કરી છે.

સર્વેશને ખાટલામાં બેઠાં થવાથી માંડીને વૉશરૂમ જવા તથા કપડાં બદલવા સહિતનાં કામો માટે તેમના પતિ પરમવીરની મદદ લેવી પડે છે.

આઘાત અને આશ્ચર્ય

સર્વેશ તથા તેમના પતિ પરમવીર કહે છે કે તેમના પરિવાર માટે ગત ત્રણ મહિના કૌતુકભર્યા રહ્યા હતા.

સર્વેશે બીબીસીને જણાવ્યું, "મને ખૂબ જ ઊલ્ટીઓ થતી હતી. હંમેશાં થાક લાગતો અને દુખાવો થતો. મને કંઈ નહોતું સમજાતું કે શું થઈ રહ્યું છે."

સર્વેશના કહેવા પ્રમાણે, જ્યારે તેમની તબિયત કથળવા લાગી, ત્યારે તબીબે તેમને અલ્ટ્રાસાઉન્ડ કરાવવા સૂચન કર્યું હતું, પરંતુ તેમાં કશું બહાર ન આવ્યું. સર્વેશ પેટમાં ચેપની દવાઓ લઈ રહ્યાં હતાં.

એક મહિના સુધી દવા લેવા છતાં સર્વેશની તબિયતમાં કોઈ સુધાર ન થયો, એટલે તેઓ ફરી વખત અલ્ટ્રાસાઉન્ડ કરાવવા માટે ગયાં.

આ રિપોર્ટમાં જે બાબત બહાર આવી, તે જ્વલ્લે જ બનતી ઘટના હતી. સર્વેશ જ નહીં, તબીબો માટે પણ તેના ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો.

'તમારા લિવરમાં બાળક છે'

અલ્ટ્રા સાઉન્ડ કરનારાં તબીબ સાનિયા જેહરાએ સર્વેશને જણાવ્યું કે તેમના ગર્ભાશય નહીં, પરંતુ લિવરમાં બાળક આકાર લઈ રહ્યું છે. સર્વેશ તથા પરમવીર માટે આ સ્થિતિ અસમંજસકારક હતી.

આ રિપોર્ટની ખરાઈ કરવા માટે તેઓ મેરઠ ગયાં, જ્યાં અલ્ટ્રાસાઉન્ડ ઉપરાંત એમ.આર.આઈ. (મૅગ્નેટિક રિસૉનન્સ ઇમેજિંગ) કરવામાં આવ્યું. એ રિપોર્ટમાં પણ ફરી એજ વાત સામે આવી.

સર્વેશ આ રિપોર્ટ્સ ઉપર વિશ્વાસ કરી શકતાં ન હતાં, કારણ કે તેમની પિરિયડ્સની સાઇકલ સામાન્ય હતી.

એમ.આર.આઈ. કરનારા રેડિયોલૉજિસ્ટ ડૉક્ટર કે.કે. ગુપ્તાએ બીબીસીને જણાવ્યું કે 20 વર્ષની કૅરિયરમાં તેમણે આવો કિસ્સો ક્યારેય નહોતો જોયો.

ગુપ્તાએ કોઈ પણ નિષ્કર્ષ ઉપર પહોંચતા પહેલાં સર્વેશને વાંરવાર પૂછ્યું કે શું તેમને બરાબર રીતે માસિક આવી રહ્યું છે કે નહીં ?

ડૉ. કે.કે. ગુપ્તા કહે છે, "મહિલાના જમણા ભાગમાં 12 અઠવાડિયાંનો ગર્ભ હતો, જેમાં કાર્ડિયાક પલ્સેશન એટલે કે ધબકારા સ્પષ્ટપણે જોઈ શકતા હતા. આને ઇંટ્રાહેપૅટિક ઍક્ટોપિક પ્રેગનન્સી કહેવાય છે. તે જ્વલ્લે જ જોવા મળતી ઘટના છે."

"આ અવસ્થામાં મહિલાઓને અસામાન્ય બ્લિડિંગ થાય છે, જેને તે સામાન્ય પિરિયડ્સ જ માની લે છે, જેના કારણે ગર્ભ અંગે માહિતી મેળવવામાં સમય લાગી જાય છે."

સર્જરી સિવાય વિકલ્પ નહીં

તબીબે દંપતીને જણાવ્યું હતું કે જો ભ્રૂણનો વધુ વિકાસ થશે તો લિવર ફાટી જવાની આશંકા છે. આ સંજોગોમાં બાળક કે માતા બચી નહીં શકે. એટલે માતાની સર્જરી સિવાય કોઈ વિકલ્પ નથી.

પરમવીરના કહેવા પ્રમાણે બુલંદશહર કે મેરઠના કોઈ તબીબ સર્વેશનો કેસ હાથ પર લેવા તૈયાર ન હતા.

તબીબોનું કહેવું હતું કે સર્વેશનો કેસ જટિલ છે, જેમાં માતા અને બાળકના જીવ ઉપર જોખમ હતું, એટલે ડૉક્ટરોએ દંપતીને દિલ્હી જવાની સલાહ આપી હતી.

સર્વેશ કહે છે, "અમે ગરીબ છીએ તથા અમારા માટે દિલ્હી જઈને સારવાર માટેનો ખર્ચ કરવો શક્ય ન હતો. અનેક ધક્કા ખાધા પછી અમે અહીં જ ઇલાજ કરાવવાનું નક્કી કર્યું."

છેવટે મેરઠની એક ખાનગી હૉસ્પિટલના તબીબોની ટીમ સર્વેશની સર્જરી કરવા તૈયાર થઈ. આ ટીમના ભાગરૂપ ડૉક્ટર પારૂલ દહિયા કહે છે :

"જ્યારે દર્દી (સર્વેશ) મારી પાસે આવ્યું, તો તે ત્રણ મહિનાથી પરેશાન હતું. તેમની પાસે અલ્ટ્રાસોનોગ્રાફી તથા એમ.આર.આઈ.ના રિપોર્ટ હતા. જેના આધારે તે ઇન્ટ્રાહેપૅટિક ઍક્ટોપિક પ્રેગનન્સીનો કેસ હોવાનું સ્પષ્ટપણે જણાતું હતું."

"અમે આ અંગે સિનિયર સર્જન ડૉ. સુનિલ કંવલ સાથે વાત કરી, કારણ કે આ પ્રકારના કેસમાં તમને સર્જનની જરૂર રહે છે. તેઓ તૈયાર થયા એ પછી દર્દીની સર્જરી કરવામાં આવી."

તબીબોના કહેવા પ્રમાણે, આ સર્જરી દોઢ કલાક ચાલી હતી. ડૉ. કે. કે. ગુપ્તાએ આ સર્જરીના વીડિયો તથા ભ્રૂણની તસવીરો પણ બીબીસીને દેખાડી હતી.

ઇંટ્રાહેપૅટિક ઍક્ટોપિક પ્રેગનન્સી શું છે?

સામાન્ય રીતે મહિલાનું ઓવરી એટલે કે અંડાશયમાંથી નીકળેલું ઍગ જ્યારે પુરુષના સ્પર્મ સાથે મિલન કરીને ફર્ટિલાઇઝ થાય, ત્યારે મહિલા ગર્ભવતી થાય છે.

આ ફર્ટિલાઇઝ્ડ ઍગ ફૅલોપિયન ટ્યૂબના રસ્તે યૂટરસ એટલે કે ગર્ભાશયની તરફ આગળ વધે છે અને પછી ગર્ભાશયમાં જ ભ્રૂણ વિકસે છે.

બનારસ હિંદુ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝનાં પ્રોફેસર ડૉ. મમતા કહે છે કે કેટલાક કિસ્સામાં ફર્ટિલાઇઝ્ડ ઍગ ગર્ભાશયમાં પહોંચવાના બદલે ફૅલોપિયન ટ્યૂબમાં જ રહી જાય છે કે શરીરના અન્ય કોઈ અંગની સપાટી સાથે ચોંટી જાય છે.

જેમ કે, આ કિસ્સામાં લિવર સાથે ચોંટી ગયું હતું. લિવરમાં લોહીનો પુરવઠો સારો હોય છે, એટલે પ્રારંભિક દિવસો દરમિયાન ભ્રૂણ માટે તે 'ફર્ટાઇલ લૅન્ડ' જેવું કામ કરે છે.

જોકે, થોડા દિવસો પછી માતા અને બાળક બંને માટે જોખમી પરિસ્થિતિ ઊભી થાય છે અને સર્જરી સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો.

વિશ્વમાં અને ભારતમાં કેટલા કેસ નોંધાયા છે?

ઇંટ્રાહેપૅટિક ઍક્ટોપિક પ્રેગનન્સીના કેસ જ્વલ્લે જ જોવા મળે છે. આ સમજવા માટે અમે પટણાસ્થિત ઍઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ) ખાતે સ્ત્રીરોગ નિષ્ણાત પ્રો. મોનિકા અનંત સાથે વાત કરી.

ડૉ. મોનિકા અનંતના કહેવા પ્રમાણે વિશ્વભરમાં ઇંટ્રાહેપૅટિક ઍક્ટોપિક પ્રેગનન્સીના સરેરાશ એક ટકા કિસ્સા સામે આવે છે, જેમાં યૂટરસમાં પ્રેગનન્સી ન થઈ હોય.

ડૉ. મોનિકા અનંતનાં કહેવા પ્રમાણે, "70 કે 80 લાખ પ્રેગનન્સીએ એક કિસ્સો ઇંટ્રાહેપૅટિક ઍક્ટોપિક પ્રેગનન્સીનો હોય શકે છે."

ડૉ. મોનિકાનાં કહેવા પ્રમાણે, સર્વેશ પહેલાં વિશ્વભરમાં ઇંટ્રાહેપૅટિક ઍક્ટોપિક પ્રેગનન્સીના 45 કેસ નોંધાયા છે, જેમાંથી ત્રણ ભારતના હતા.

પહેલો કેસ દિલ્હીની લેડી હાર્ડિંગ મેડિકલ કૉલેજ (વર્ષ 2012), ગોવા મેડિકલ કૉલેજ (વર્ષ 2022) અને પટણાની ઍઇમ્સમાં (વર્ષ 2023) ત્રીજો કેસ નોંધાયો હતો. પટણાના કેસને ડૉ. મોનિકા અનંત તથા તેમની ટીમે ચકાસ્યો હતો.

એ કેસમાં ડૉ. મોનિકા અનંત તથા તેમની ટીમે દવાની મદદથી જ મહિલાનાં ગર્ભાશયને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કર્યો અને પછી એક વર્ષ સુધી પૅશન્ટનું ફૉલો-અપ લીધું.

એ પછી ડૉ. મોનિકાએ આ દુર્લભ કેસને ડૉક્યુમેન્ટ કર્યો અને તે પબમેડમાં ભારતના ત્રીજા ઇંટ્રાહેપૅટિક ઍક્ટોપિક પ્રેગનન્સી કેસ તરીકે પ્રકાશિત થયો.

પબમેડએ અમેરિકાનો અગ્રણી મેડિકલ રિસર્ચ ડેટાબેઝ છે.

ડૉ. પારૂલ દહિયા તથા ડૉ. કે. કે. ગુપ્તાનું કહેવું છે કે તેમની ટીમે પણ સર્વેશના કેસને ડૉક્યુમેન્ટ કરવાનો શરૂ કરી દીધો છે, જેને પૂર્ણ કરીને કોઈ પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં પ્રકાશન અર્થે મોકલવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન