ગુજરાત : કચ્છ ઉપર વરસાદની સિસ્ટમ રચાઈ, કયા-કયા 13 જિલ્લામાં ભારે વરસાદ પડશે?

ગુજરાતમાં અચાનક ધીમા પડી ગયેલા ચોમાસામાં ફરી હલચલ જોવા મળી રહી છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લામાં સારો વરસાદ પડવાની શક્યતા છે અને આગામી દિવસોમાં ઓછામાં ઓછા 13 જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગ મુજબ વલસાડ અને દમણના પ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યા પર હળવો વરસાદ નોંધાયો છે.

સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે સમુદ્રની સપાટીએ એક ચોમાસાનું ટ્રોફ રચાયો છે જે અમૃતસર, ચંદીગઢ, શાહજહાંપુર, લખનૌ, ગોરખપુર, દરભંગા, જલપાઇગુડીથી પસાર થઈને અરુણાચલ પ્રદેશ સુધી જાય છે.

કચ્છ અને આસપાસના વિસ્તારોની ઉપર સમુદ્રથી 3.1 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે તેમ પણ હવામાન વિભાગ જણાવે છે.

ખાનગી સમાચાર સંસ્થા સ્કાયમૅટના અહેવાલ પ્રમાણે ભારતમાં જે રાજ્યો હાલમાં વરસાદની અછત ભોગવી રહ્યા છે ત્યાં પણ ચોમાસું હવે સક્રિય થવાનું છે. તેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશ, કચ્છ, આસામ અને તેલંગણા પર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જેમાં કચ્છના સાઇક્લોનિક સર્ક્યુલેશનમાં ભેજનું પ્રમાણ ઓછું છે. તેથી વરસાદ પડશે પરંતુ તે અત્યંત ભારે નહીં હોય.

જોકે, સુરત, વલસાડ, મુંબઈ, થાણેના પટ્ટામાં ભારે વરસાદ પડશે તેમ સ્કાયમૅટનું કહેવું છે. ખાસ કરીને 17 અને 18 તારીખે ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડવાનો છે.

આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડશે?

આગામી સાત દિવસની આગાહી જોવામાં આવે તો 12 ઑગસ્ટે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે.

તેવી જ રીતે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક જોવા મળશે.

ત્યાર પછી ત્રણ દિવસ સુધી કોઈ જગ્યાએ ભારે વરસાદની ચેતવણી નથી, પરંતુ હળવો વરસાદ પડી શકે છે.

16 ઑગસ્ટે ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ થવાની શક્યતા છે.

17 ઑગસ્ટની આગાહી મુજબ લગભગ 13 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તેમાં ખાસ કરીને આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્ણદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

અત્યાર સુધીની વરસાદની સ્થિતિ

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 64.29 ટકા વરસાદ પડી ગયો છે. લગભગ બે સપ્તાહ અગાઉ જ ગુજરાતમાં 62 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો, પરંતુ ત્યાર પછી ચોમાસું નબળું પડી ગયું અને છેલ્લા 10 દિવસમાં માત્ર બે ટકાનો વધારો થયો છે.

લેટેસ્ટ આંકડા દર્શાવે છે કે કચ્છમાં 65 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 66.54 ટકા, સૌરાષ્ટ્રમાં 56.31 ટકા અને સાઉથ ગુજરાતમાં 68.79 ટકા વરસાદ પડી ગયો છે. એટલે કે સૌથી સારો વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં હજુ વરસાદની ઘટ છે.

ગુજરાતમાં 882 મીમી વરસાદ નોંધાયો હોય છે જેની સામે અત્યાર સુધીમાં 567 મીમી વરસાદ પડી ગયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન