You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનાના ભાવમાં ફરી નવો રેકૉર્ડ સર્જાયો, કયાં કારણોથી ભાવ એક લાખની ઉપર રહે છે?
સોનાના ભાવમાં અભૂતપૂર્વ તેજી હજુ પણ જળવાઈ રહી છે જેના કારણે ફરીથી રેકૉર્ડ ભાવ બન્યો છે. ગયા શુક્રવારે ભારતમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1.03 લાખને પાર કરી ગયો હતો.
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન પ્રમાણે સોમવારે પણ 999 શુદ્ધતાના સોનાનો ભાવ એક લાખ અને એક હજાર રૂપિયાથી ઉપર હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વાતચીત થવાની હોવાથી વિશ્વના બજારોને થોડી રાહત મળી હતી અને સોમવારે સોનું થોડું ઘટ્યું હતું, છતાં તેનો ભાવ પ્રમાણમાં ઊંચો જ છે.
સોનાના ભાવમાં છ મહિનામાં 18 ટકાથી વધારે વધારો થયો છે જ્યારે એક વર્ષમાં સોનાનો ભાવ 43 ટકા કરતા વધુ વધ્યો છે.
સોનું કેમ સતત મોંઘું થઈ રહ્યું છે?
સોનાના ભાવમાં વધારા માટે બે-ત્રણ ભૂરાજકીય કારણોને જવાબદાર માનવામાં આવે છે, પરંતુ સૌથી મોટું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પૉલિસી છે. યુએસ નીતિના કારણે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે જેમાં સોનાની ડિમાન્ડ વધી છે.
એલકેપી સિક્યૉરિટીઝના કોમૉડિટી અને કરન્સીના રિસર્ચ ઍનાલિસ્ટ જતિન ત્રિવેદીએ એક નોટમાં કહ્યું છે કે "રૂપિયાની નબળાઈના કારણે ભારતમાં સોનાના ભાવ વધ્યા છે. આગળ જતાં સોનાના ભાવમાં બંને તરફની ચાલ જોવા મળી શકે છે. ટ્રમ્પની ટેરિફ નીતિથી અનિશ્ચિતતા સર્જાઈ છે. ખાસ કરીને ભારત સાથે અમેરિકાની ડીલ વિશે અનિશ્ચિતતા છે.
આ ઉપરાંત એવા અહેવાલ છે કે સોનાના એક કિલોના બાર પર અમેરિકાએ ટેરિફ લગાવ્યા છે. તેના કારણે સોનાના સપ્લાયને અસર થવાની ચિંતા હોવાથી ભાવ વધી રહ્યા છે.
રૉઇટર્સના એક અહેવાલ પ્રમાણે યુએસ જૉબના ડેટા નબળા આવવાના કારણે સપ્ટેમ્બરમાં ફેડ દ્વારા રેટ ઘટાડાય તેવી અપેક્ષા છે. વર્ષના અંત સુધીમાં વધુ એક રેટ કટ આવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પ અને પુતિનની બેઠક પર નજર
15 ઑગસ્ટે અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્ત્વની બેઠક યોજાવાની છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં કોઈ સમાધાન શક્ય બને તો સોનું ઘટશે તેવી અપેક્ષા છે.
હાલમાં યુએસ ટેરિફ ઉપરાંત યુએસ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટની સંભાવનાથી પણ સોનું વધી રહ્યું છે.
12મી ઑગસ્ટે ભારત અને અમેરિકામાં ફુગાવાના ડેટા આવવાની શક્યતા છે તેથી તેના પર બજારની નજર રહેશે. ટેરિફ પૉલિસીના કારણે અમેરિકામાં ફુગાવામાં તીવ્ર વધારો થવાની સંભાવના છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા જેટલો ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ જળવાઈ રહેશે તો શેરબજારને આંચકો લાગે પરંતુ સોનાની ખરીદી વધશે એવું માનવામાં આવે છે.
ભારતમાં સોનાની આયાત ઘટશે?
સોનાના સતત વધતા ભાવના કારણે ભારતમાં તેની આયાતને અસર થાય તેવી શક્યતા છે. પહેલેથી જ આયાતમાં ઘટાડાના આંકડા જોવા મળ્યા છે.
જૂન 2025માં ભારતમાં ગોલ્ડની આયાત બે વર્ષના તળિયે પહોંચી ગઈ હતી તેમ રૉઇટર્સનો એક અહેવાલ જણાવે છે. જુલાઈ મહિનાની આયાતના આંકડાની રાહ જોવાય છે.
જૂન 2024માં ભારતે વિદેશથી જે સોનાની આયાત કરી હતી તેની સરખામણીમાં જૂન 2025માં આયાતમાં 40 ટકા ઘટાડો થયો હતો.
ભારત એ વિશ્વમાં સોનાનો બીજા ક્રમે સૌથી વધારે વપરાશ ધરાવતો દેશ છે જેણે ગયા જૂન મહિનામાં 21 ટન ગોલ્ડની આયાત કરી હતી. એપ્રિલ 2023 પછી આ સૌથી ઓછી આયાત હતી. મૂલ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો ભારતની ઇમ્પોર્ટ 2.48 અબજ ડૉલરથી ઘટીને જૂન 2025માં 1.84 અબજ ડૉલર થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન