You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાંદીનો ભાવ અચાનક રેકૉર્ડ સ્તરે કેવી રીતે પહોંચી ગયો, તેજી કેટલો સમય રહેશે?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
સોનું એ ભારતીયોની મનપસંદ ધાતુ ગણાય છે, પણ હાલમાં સોના કરતા ચાંદી વધારે ચર્ચામાં છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 10 જુલાઈએ જુદા જુદા દેશો પર ભારે ટેરિફની જાહેરાત કરી ત્યારથી ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે. ચાંદી અત્યારે રેકૉર્ડ લેવલ પર છે અને કિલો દીઠ 1.13 લાખ રૂપિયાની સપાટીને વટાવી ગયો છે.
છેલ્લા એક મહિનામાં ચાંદીના ભાવમાં સાત ટકાથી વધુ વધારો થયો છે, જ્યારે એક મહિનામાં સોનાનો ભાવ એક ટકા જેટલો ઘટ્યો છે. અત્યારના ભાવ પ્રમાણે ચાંદીએ પ્રતિ ઔંસ 39 ડૉલરની સપાટી વટાવી છે.
રૉઇટર્સના એક અહેવાલ પ્રમાણે છેલ્લા ત્રણ મહિનામાં ભારતમાં ચાંદીના ભાવમાં 21 ટકા વધારો થયો છે, જ્યારે સોનું પાંચ ટકા વધ્યું છે.
તેથી વળતર આપવાના મામલે સોના કરતાં ચાંદી આગળ નીકળી ગઈ છે. ગયા વર્ષમાં સોનાએ 34 ટકા વળતર આપ્યું હતું જ્યારે ચાંદીનો ભાવ 23 ટકા વધ્યો હતો.
ચાંદીના ભાવમાં આવી તેજી શા માટે આવી અને કેટલા સમય સુધી રહેશે તે જાણવાનો પ્રયાસ કરીએ.
કયાં કારણોથી ચાંદીમાં તેજી છે?
ચાંદીના ભાવ વધવાનાં કારણો આપતા એચડીએફસી સિક્યૉરિટીઝના કૉમૉડિટી ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ બીબીસીને કહ્યું કે, "જે રોકાણકારો સોનાને સેફ હેવન ગણીને ખરીદી કરતા હતા, તેઓ અત્યારે ચાંદી તરફ વળ્યા છે."
"બીજું કારણ એ કે ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઘણી સારી છે. છેલ્લાં પાંચ વર્ષનો ડેટા જોવામાં આવે તો ચાંદીના સપ્લાય કરતા ડિમાન્ડ વધારે છે. આગળ જતા ચાંદીનો ભાવ હજુ વધવાની શક્યતા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાંદીમાં અચાનક તેજી પાછળ કયા ટ્રિગર કામ કરે છે એવા સવાલના જવાબમાં સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, "ટ્રમ્પે પહેલી ઑગસ્ટથી યુરોપિયન યુનિયન, મૅક્સિકો, બ્રાઝિલ તથા બીજા મહત્ત્વના ટ્રેડિંગ પાર્ટનર્સ પર ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. આ કારણથી 'સેફ હેવન બાઈંગ'ને વેગ મળ્યો છે."
ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડાથી આવતા માલ પર 35 ટકા અને બ્રાઝિલથી થતી આયાત પર 50 ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી હતી. ત્યાર પછી તરત જ ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો અને શુક્રવારે મલ્ટિ કૉમૉડિટી ઍક્સચેન્જ (એમસીએક્સ) પર એક કિલો ચાંદીનો ભાવ 1.13 લાખને વટાવી ગયો હતો.
એલકેપી સિક્યૉરિટીઝના રિસર્ચ ઍનાલિસ્ટ (કૉમૉડિટી ઍન્ડ કરન્સી) જતીન ત્રિવેદીએ જણાવ્યું, "સ્વચ્છ ઍનર્જી, ઇલેક્ટ્રિકલ વ્હિકલ તથા વ્યાપક ઔદ્યોગિક માગને કારણે ચાંદીનો ભાવ રેકૉર્ડ સ્તર પર છે. સોનાની તેજીએ પણ ચાંદીના ભાવના ઉછાળમાં ભૂમિકા ભજવી છે."
અમેરિકાના રાષ્ટ્રપતિએ કૅનેડા અને બ્રાઝિલ ઉપરાંત બાકીના તમામ મોટા ટ્રેડિંગ પાર્ટનર્સ પર પણ 15થી 20 ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે.
સિલ્વર ઈટીએફમાં ધૂમ ખરીદી
ઍસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઇન્ડિયા (એમ્ફી)ના ડેટા પ્રમાણે મે મહિનામાં સિલ્વર ઈટીએફમાં 800.5 કરોડ રૂપિયાની ખરીદી થઈ હતી. જૂન મહિનામાં આ આંકડો વધીને 2005 કરોડને પાર કરી ગયો હતો.
ભારતમાં ચાંદીની માગ અંગે સૌમિલ ગાંધીએ કહ્યું કે, "રોકાણકારો અને જ્વેલરી ખરીદનારાઓની પસંદગી બદલાઈ છે. સોનાનો ભાવ એક લાખની સપાટીએ પહોંચતા લોકો ચાંદીની જ્વેલરી વધારે પસંદ કરતા થયા છે. આ ઉપરાંત ભારતમાં અને વિદેશમાં સિલ્વર ઈટીએફમાં રોકાણને વેગ મળ્યો છે."
તેઓ માને છે કે ચાંદીના ભાવની તેજી લાંબા સમય સુધી ટકે તેમ છે, કારણ કે તે માત્ર અટકળો પર આધારિત નથી. ચાંદીમાં પુરવઠા કરતાં માગ વધુ હોવાના કારણે ખાધ સર્જાઈ છે જે ચાંદીના ભાવ માટે પૉઝિટિવ બાબત છે અને તેના ફંડામેન્ટલ્સ મજબૂત છે.
જતીન ત્રિવેદીના કહેવા પ્રમાણે, "ટેરિફ ડીલમાં વિલંબ તથા ગ્રૉથની અનિશ્ચિતતાને કારણે ભાવમાં અસ્થિરતા જોવા મળી શકે છે. રોકાણકારો ભાવ ઘટે, ત્યારે ખરીદી અંગે વિચાર કરી શકે."
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ ઘણા સમયથી 37 ડૉલર પ્રતિ ઔંસની સપાટીને પાર કરતો ન હતો, પરંતુ હવે 39 ડૉલરની સપાટી પાર કરી છે.
ચાંદીની આટલી બધી માગ કેમ વધી રહી છે?
સોનું એ મોટા ભાગે વૈશ્વિક અનિશ્ચિતતા અને ફુગાવા સામે રક્ષણ માટે ખરીદવામાં આવતી ધાતુ છે, જ્યારે ચાંદીનો ઉપયોગ જ્વેલરી ઉપરાંત ઔદ્યોગિક હેતુથી થાય છે.
અમેરિકા એ વિશ્વમાં સૌથી મોટો ચાંદીનો આયાતકાર દેશ છે જેણે 2024માં લગભગ 4200 ટન ચાંદીની આયાત કરી હતી.
સોલર પેનલ, ઈલેક્ટ્રિક વ્હિકલ અને ઈલેક્ટ્રોનિક્સ જેવા સેક્ટરમાં ચાંદીની વધારે ખપત થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ ત્રણેય સેક્ટરમાં ઝડપી ગ્રોથ થયો હોવાથી ચાંદીની ડિમાન્ડમાં તેજી જોવા મળી છે. આ ઉપરાંત પાણીના શુદ્ધીકરણ માટે તથા કેટલીક દવાઓમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે. વૉટર ફિલ્ટરમાં ૅક્ટેરિયા અને લીલ ન જામે તે માટે ચાંદીનો ઉપયોગ થાય છે.
નૅશનલ લાઈબ્રેરી ઑફ મેડિસિનના એક અહેવાલ પ્રમાણે ચાંદીના એન્ટીમાઈક્રોબાયલ ગુણના કારણે ઘાવની સારવાર અને દાઝ્યાની સારવાર માટે પાટાપીંડી અને ઓઈન્ટમેન્ટમાં તેનો ઉપયોગ થાય છે. કાર્ડિયાક સાધનો, ઓર્થોપેડિક સર્જરી, કેથેટર્સ, સર્જિકલ સાધનોમાં પણ ચાંદી વપરાય છે.
ઔદ્યોગિક હેતુઓ માટે ચાંદીની માગ વધી રહી છે, જ્યારે તેનો પુરવઠો સ્થિર છે. આઈસીઆઈસીઆઈ ઈટીએફના એક અહેવાલ પ્રમાણે 2025ના અંત સુધીમાં ચાંદીની ડિમાન્ડ સામે 3339 ટનની ઘટ જોવા મળશે. આ સળંગ ચોથું વર્ષ હશે જ્યારે ચાંદીની માગ કરતાં પુરવઠો ઓછો હશે. 2016થી 2024 વચ્ચે ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં ચાંદીની ડિમાન્ડમાં 49 ટકાનો વધારો થયો હતો.
સોના અને ચાંદી વચ્ચે હરીફાઈ
સોનાનો ભાવ લગભગ બે મહિના કરતા વધુ સમયથી 3350 ડૉલરની આસપાસ રહ્યો છે. હવે ચાંદીનો ભાવ સોના કરતા વધારે ઝડપથી વધતો હોય તેમ લાગે છે.
ચાંદીના ભાવ અને ડિમાન્ડ વિશે સિલ્વર ઈન્સ્ટિટ્યૂટનો અહેવાલ જણાવે છે કે ભારતમાં ચાંદીની રિટેલ ડિમાન્ડ ઘણી મજબૂત છે.
2025ના પ્રથમ છ મહિનામાં રિટેલ ડિમાન્ડમાં સાત ટકાનો વધારો થયો છે. તે દર્શાવે છે કે રોકાણકારો માને છે કે ચાંદીનો ભાવ હજુ વધી શકે છે. સોનાની તુલનામાં ચાંદી વધારે ઝડપથી વધશે તો સોના અને ચાંદીના ભાવના ગુણોત્તર પર અસર પડશે.
જાન્યુઆરીમાં સોના અને ચાંદીના ભાવનો રેશિયો 100ની નજીક હતો, એટલે કે એક ગ્રામ સોનું ખરીદવા માટે 100 ગ્રામ ચાંદીની જરૂર પડતી હતી.
હાલમાં સોના અને ચાંદીના ભાવનો ગુણોત્તર ઘટીને 85 થયો છે. આ રેશિયોની લાંબા ગાળાની એવરેજ 65થી 70 વચ્ચે છે. એટલે કે ચાંદીનો ભાવ હજુ વધવાની શક્યતા વધારે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન