ગોપાલ ઇટાલિયાની વીસાવદરની પેટાચૂંટણીમાં થયેલી જીત બાદ 'આપ' ગુજરાતનાં ગામડાંમાં પકડ જમાવી શકશે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલમાં વીસાવદર વિધાનસભા બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી. આ જીત બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે જે પાંચ ધારાસભ્યો ચૂંટાયેલા છે તે તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે. શહેરી વિસ્તારોમાંથી તેમના કોઈ ધારાસભ્યો ચૂંટાયા નથી.

ત્યારે શું શહેરી પાર્ટીની છબિ ધરાવતી આપને ગુજરાતમાં હવે બિનશહેરી બેઠકો પર જનસમર્થન મળી રહ્યું છે?

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીનો ઉદય વર્ષ 2011ના અણ્ણા હજારેના આંદોલનથી થયો હતો. દિલ્હીમાં તેણે સરકાર બનાવી ત્યારે તેને શહેરી પાર્ટી તરીકે ગણવામાં આવતી હતી. જોકે, ગુજરાતમાં તેને શહેરોમાં નગણ્ય સફળતા મળી છે જ્યારે ગામડાંમાં તેને પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં વીસાવદર, ગારિયાધાર, જામજોધપુર, ડેડિયાપાડા અને બોટાદ- આ પાંચ બેઠકો પર આપના ચૂંટાયેલા ધારાસભ્યો છે. જોકે, આ પાંચ ધારાસભ્યો પૈકી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બળવો કરતા તેમને પાર્ટીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે તેથી તેમની પાસે અધિકારીક સંખ્યાબળ તો માત્ર ચારનું જ રહ્યું છે.

વીસાવદરમાં બે વખત આપે જીત મેળવી છે. વર્ષ 2022માં આપના ભૂપત ભાયાણી ચૂંટાયા હતા પરંતુ તેઓ ભાજપમાં ભળી જતા આ બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા ચૂંટાયા છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપે મહેનત કરી હોવા છતાં તેને અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટ જેવાં મોટાં શહેરોમાં કોઈ સફળતા મળી નહોતી.

હવે જ્યારે જે પ્રકારે વીસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે તેના પરથી કેટલાક જાણકારોને લાગે છે કે હવે આપ ધીરે-ધીરે ગ્રામ્યવિસ્તારોમાં પગપેંસારો કરી રહી છે.

'ઈસુદાન ગઢવીના ટીવી શોને કારણે ગામડાંમાં પકડ'

આમ આદમી પાર્ટી માને છે કે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ટીવી શોને કારણે 'પાર્ટીની ગામડાંમાં અને ખેડૂતોમાં ખાસી લોકપ્રિયતા' છે.

આપના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત આગેવાન સાગર રબારી બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાત કરતાં કહે છે, "એ વાત ખરી છે કે ગ્રામીણ મતદાતાઓએ પાર્ટીને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે."

તેનું કારણ જણાવતા સાગર રબારી કહે છે, "ગુજરાતના આપના આગેવાનો ગ્રામીણ મુદ્દાઓ પર સંઘર્ષ કરનારા છે. ઈસુદાન ગઢવી જ્યારે તેમના ટીવી શો પર હોય છે ત્યારે તેમને ગામડાંનો વર્ગ જોતો હોય છે."

"ઈસુદાન ગઢવી ખંભાળિયાથી છે. પ્રવીણ રામ જેવા નેતા ગીર વિસ્તારના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રના નાના ગામમાંથી આવે છે. મેં પણ જે આંદોલનો કર્યાં તે ખેડૂતલક્ષી હતાં. યુવરાજસિંહે સ્પર્ધાત્મક સહિતની પરીક્ષાઓ મુદ્દે આંદોલનો ચલાવ્યાં છે."

સાગર રબારીનો દાવો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓએ જે આંદોલનો કર્યાં તેમાં નાનાં શહેરો અને ગામડાંના અવાજનો પડઘો હતો.

તેમણે કહ્યું, "સિસ્ટમથી ત્રાસેલા લોકો નાનાં શહેરો કે ગામડાંમાંથી આવતા હતા. તેથી આપનો પડઘો મોટાં શહેરો કરતાં ગામડાંમાં વધારે ઝીલાયો છે."

ભાજપનું શું કહેવું છે?

ભાજપ સાગર રબારીના દાવાને ફગાવે છે.

ભાજપના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "રાજ્યમાં હાલ બે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. વીસાવદર અને કડી. કડી એ કોઈ શહેરી વિસ્તાર નથી તો પછી ત્યાં આપના ઉમેદવાર કેમ ન જીતી શક્યા?"

"કડીમાં તો આપના ઉમેદવારે ડિપૉઝિટ ગુમાવી હતી."

યજ્ઞેશ દવેએ સામો સવાલ કર્યો કે જો ગ્રામીણ વિસ્તારમાં આપની પકડ વધુ મજબૂત બની હોય તો પછી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપને તેનો ફાયદો કેમ ન થયો?

તેમણે કહ્યું, "ગુજરાતમાં 71% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે. તો પછી 2022માં આપના 71 ધારાસભ્યો ચૂંટાવા જોઈતા હતા. આવું નથી થયું. તેથી આમ આદમી પાર્ટી તેને ગામડાંમાં જનસમર્થન મળી રહ્યું છે તેવી ખોટી હવા ફેલાવી રહી છે."

જોકે, રાજકીય વિશ્લેષકો એ વાત સાથે સંમત છે કે ગુજરાતનાં ગામડાંઓમાં સમસ્યાઓ ઘણી છે અને આમ આદમી પાર્ટીએ તેનો ફાયદો ઉઠાવ્યો છે.

રાજકીય નિષ્ણાત ઘનશ્યામ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "ખેતીના મુદ્દે જે અસંતોષ છે તેને કૉંગ્રેસ પકડી શકી નથી. કૉંગ્રેસને તેની જૂની છબિ નડે છે. હવે આમ આદમી પાર્ટી નવી છબિ લઈને આવી છે. તેના આગેવાનો ખેડૂત વર્ગમાંથી આવે છે. જેનો ફાયદો તેમને ગ્રામ્ય વિસ્તારોમાં મળે છે."

સૌરાષ્ટ્ર વાયા સુરત?

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે 35 બેઠકો એવી હતી જ્યાં આમ આદમી પાર્ટી બીજા સ્થાને રહી હતી. જોકે, શહેરી વિસ્તારોમાં તેને એટલું સમર્થન નહોતું મળ્યું.

સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈસી 14 બેઠકો પર આપ બીજા સ્થાને હતી.

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે, "જરૂરથી કહી શકાય કે શહેરની છબિ ધરાવતી પાર્ટીને ગામડાંમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે."

તેઓ કહે છે કે ગુજરાતમાં આપના નેતાઓનું ઉદ્ભવસ્થાન સુરત મનાતું હતું.

તેમના કહેવા પ્રમાણે, "2015ના પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદાર વર્ગ આપ તરફ વળ્યો હતો. આ વર્ગ ભાજપથી નારાજ હતો."

જગદીશ આચાર્ય કહે છે કે સુરતના આ પાટીદાર નેતાઓ મૂળભૂત સૌરાષ્ટ્રના છે. અને તેઓ સૌરાષ્ટ્રના સતત સંપર્કમાં છે.

તેમના મત પ્રમાણે, "આપની છબિ એવી હતી કે તે ઇમાનદાર પાર્ટી છે. સરકાર સામે લડી શકે છે. તેથી તેનું નામ સૌરાષ્ટ્રનાં ગામોમાં પહોંચ્યું હતું. પરંતુ સુરતમાં જે આપના મોટાં માથાં હતાં તે ચૂંટણી હારી ગયાં હતાં."

"સૌરાષ્ટ્રનાં ગામડાંમાં આપની પહોંચ વધી તેની પાછળ સુરતના નેતાઓનો મોટો ફાળો હતો."

ઘનશ્યામ શાહ કહે છે, "કૉંગ્રેસ અને ભાજપના મતો રાજ્યના પછાત વિસ્તારોમાંથી ઘટી રહ્યા છે અને તેનો લાભ આપને મળી રહ્યો છે."

કૉંગ્રેસને ગંભીર અસર

તો પછી મોટાં શહેરોમાં આપને કઈ મુશ્કેલી નડે છે?

આ સવાલનો જવાબ આપતા સાગર રબારી કહે છે કે 'કાલ્પનિક ભય.'

તેઓ કહે છે કે ભાજપ ભય ફેલાવે છે, "ભાજપે જે મુસ્લિમો સામેનો કથિત ભય ફેલાવ્યો છે તેને કારણે તેની શહેરોમાં પકડ વધુ મજબૂત છે. આ ભય ગામડાંમાં ઓછો છે. શહેરમાં ભલે ભાજપની પકડ હોય પરંતુ સુશાસન નથી."

તેઓ ઉમેરે છે કે "ગામડાંમાં પ્રશ્નો વાસ્તવિકતા છે. ગ્રામીણ ગુજરાત વિકલ્પની શોધમાં છે. જે ગુજરાતે 2017માં કૉંગ્રેસને 78 બેઠક આપી હતી તે પૈકી 75 બેઠકો ગ્રામ્ય વિસ્તારમાંથી હતી. હવે આ ગામડાંની પ્રજા આપને અપનાવી રહી છે."

સાગર રબારીની વાતમાં સૂર પૂરાવતા જગદીશ આચાર્ય કહે છે, "શહેરોમાં હિંદુવાદની અસર છે. ગામડાંમાં તમને તેની વ્યાપક અસર નહીં જોવા મળે. શહેરોમાં ભાજપની જે વોટબૅન્ક છએ તેને હઠાવવામાં આપે મહેનત કરવી પડે તેમ છે. પરંતુ ગામડાંમાં તેઓ આસાનીથી પગપેંસારો કરી શકે છે. કારણકે ગામડાંનો માણસ પોતાની જરૂરિયાત અનુસાર મતદાન કરે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન