અમદાવાદ પ્લેન ક્રૅશ : મોતને ભેટેલા પુત્રના ફોટા પાસે પરિવાર મહિનાથી રોજ તેનો ગમતો ખોરાક મૂકે છે

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"મારા ભાઈ આકાશને સવારે દૂધ સાથે ખારીનો નાસ્તો ખૂબ પસંદ હતો. અમે રોજ સવારે એ નાસ્તો તૈયાર કરીને તેના ફોટા પાસે મૂકી દઈએ છીએ."

પંદર વર્ષના આકાશનાં બહેન કાજલ આંખોમાં રોકી રાખેલાં આંસુ સાથે આ વાત કહે છે.

તરત જ આકાશના પપ્પા સુરેશભાઈ પટ્ટણી કહે છે કે, "...તકલીફ એક જ વાતની છે કે આકાશ એ ખાવા આવતો નથી."

કાજલે આંખોમાં જે રોકી રાખ્યું હતું તે આંસુ દડ દડ વહી જાય છે. સુરેશભાઈ પણ નાના બાળકની માફક રડી પડે છે.

ઘરમાં શાંતિ છવાઈ જાય છે.

12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રૅશના એક મહિના બાદ પ્રારંભિક તપાસનો રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટને ભારતના વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો એટલે કે એએઆઈબીએ જાહેર કર્યો છે.

'વિમાનનું પાંખિયું મારા દીકરા પર પડ્યું હતું'

12 જૂને અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં પંદર વર્ષના આકાશનું મોત નીપજ્યું હતું. આકાશનાં મમ્મી સીતાબહેન પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. તેઓ છેલ્લા એક મહિનાથી હૉસ્પિટલમાં છે.

ઍર ઇન્ડિયાના વિમાને (ફ્લાઇટ નંબર 171) અમદાવાદથી લંડન જવા માટે ઍરપૉર્ટથી ઉડાન ભરી અને ગણતરીની મિનિટમાં જ ધરાશાયી થયું હતું. વિમાન ઍરપૉર્ટથી નજીક આવેલી મેડિકલ કૉલેજ હૉસ્ટેલના બિલ્ડિંગ સાથે અથડાયું હતું. હૉસ્ટેલની બહાર સીતાબહેનની ચાની લારી હતી.

સુરેશભાઈ પટ્ટણી બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "હું ભાડેથી રિક્ષા ચલાવું છું. બપોરના ભોજનનું ટિફિન આપવા રિક્ષામાં આકાશને બેસાડીને હું તેને મારાં પત્ની સીતાબહેન પાસે લઈ ગયો હતો. આકાશે મમ્મીને ટિફિન આપ્યું ને બાંકડે આડો પડ્યો હતો. મને મુસાફરની વર્ધી મળી ગઈ તેથી હું રિક્ષા લઈને નીકળી ગયો હતો. બે અઢી કિલોમીટર ગયો હતો ત્યાં આસમાનમાં કાળા ગોટેગોટા ઊડતા દેખાયા. હું તરત રિક્ષા દોડાવીને ત્યાં પહોંચ્યો તો આગની જ્વાળા હતી અને આખો વિસ્તાર જ કાળા મેશ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો."

આકાશ મૃત્યુ પામ્યો હતો અને સીતાબહેન ગંભીર રીતે દાઝી ગયા હતા. બચાવોની બૂમ પાડતા સીતાબહેનનો વીડિયો વાઇરલ થયો હતો.

સુરેશભાઈએ કહ્યું હતું કે, "વિમાનનું પાંખિયું મારા દીકરા પર પડ્યું હતું. દીકરાએ મને ખભો આપવાનો હોય, પણ મારે એને ખભો આપવો પડ્યો."

'બા રોજ પૂછે છે કે આકાશને કેવું છે?'

એક મહિનો વીત્યો છતાં આકાશનાં અસ્થિ પટ્ટણી પરિવારે નદીમાં વહાવ્યાં નથી. કાજલબહેન કહે છે કે, "મારાં મમ્મી હૉસ્પિટલેથી ઘરે આવશે પછી અમે અસ્થિ વિસર્જન કરશું."

પરિવારવાળા સીતાબહેનને હૉસ્પિટલમાં મળવા જાય ત્યારે તેઓ દર વખતે આકાશ વિશે પૂછે છે.

કાજલબહેન કહે છે કે, "બા પૂછે છે કે આકાશની હાલત કેવી છે? તેનો મને વીડિયો કે ફોટો તો બતાવો? અમે એમ કહીને વાત ટાળી દઈએ છીએ કે એને જે વૉર્ડમાં રાખ્યો છે ત્યાં મોબાઇલની મનાઈ છે. મોબાઇલ જમા કરાવીને જ ત્યાં જવા દે છે. હૈયે કેવો બોજ મૂકીને અમે મારી બાને આ વાત કહીએ છીએ એ તો અમારું મન જાણે છે."

"અમે ઘરમાં રડતાં હોઈએ છીએ પણ હૉસ્પિટલમાં હસતાં મોઢે જવું પડે છે. મારી બાને જ્યારે ખબર પડશે કે દીકરો નથી રહ્યો ત્યારે તેના પર શું વીતશે એ વિચારથી પણ ડરી જવાય છે."

સુરેશભાઈના ઘરમાં એવો એક પણ ચહેરો નથી જેની આંખો રડી રડીને લાલ ન થઈ હોય. સગાંસંબંધીઓ રોજ બેસવા આવે છે.

ઘરની મહિલાઓની હાલત જણાવતાં સુરેશભાઈ કહે છે કે, "કોઈ ક્યારેક ખાય છે તો ક્યારેક નથી ખાતી. અડધી રાતે ઊઠી જાય છે અને પથારીમાં બેસી રહે છે. હું બહાર જઈને રોઈ નાખું છું અને પરિવાર સામે સ્વસ્થ દેખાવાનો કરવાનો પ્રયાસ કરું છું. આ એક મહિનો અમારા માટે ખૂબ ભારે વીત્યો છે. હજી કેટલા દહાડા આવા જશે એની ખબર નથી."

અમદાવાદ વિમાન દુર્ઘટના

આકાશના અવસાન પછી આર્થિક વળતર માટેનું ફૉર્મ પરિવારે ભર્યું છે. ફૉર્મ ભરવામાં તેમને પાડોશી અને વકીલ રજનીકાંત પરમારે મદદ કરી હતી.

તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "ફૉર્મમાં સિવિલ હૉસ્પિટલમાંથી આપવામાં આવેલું મૃત્યુનું પ્રમાણપત્ર, ડીએનએ સર્ટિફિકેટ, આધાર કાર્ડ જેવી વિગતો માગી હતી. પરિવારમાં કેટલા લોકો છે અને તેમના આધાર કાર્ડની વિગત પણ માગી હતી. બૅન્ક ખાતાની વિગતો પણ માગી હતી. આ તમામ વિગતો તેમને આપવામાં આવી છે."

રજનીકાંતે જણાવ્યું હતું કે, "વળતર ક્યારે આપશે એ વિશે હજુ જણાવ્યું નથી. અમને એટલું કહ્યું છે કે બધાનાં ફૉર્મ ભરાઈ જશે પછી અમે તમને જાણ કરીશું. તેમણે પૂછપરછ માટે નંબર પણ આપ્યો છે."

અમદાવાદ ઍર ઇન્ડિયા ફ્લાઇટ નંબર 171 વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોનાં મોત થયાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન