અમદાવાદ પ્લેન ક્રૅશ : લોન લઈને ભણવા જતી રિક્ષાચાલકની પુત્રીથી માંડીને લગ્નના અધૂરા સ્વપ્ન સુધી, વેરવિખેર પરિવારોની વ્યથા

12 જૂને અમદાવાદના મેઘાણીનગરમાં લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રૅશ થતાં વિમાનમાં સવાર 242 પૈકી 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિદેશમાં વસતા પરિવારોએ આ ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે.

આ ઘટનામાં ગુજરાતમાંથી પણ અનેક સભ્યોનાં મૃત્યુ થયાં હોય એવા કેટલાક કિસ્સા સામે આવ્યા છે.

ઘટના બાદ હજુ પણ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે પરિવારજનો પોતાના મૃતક સ્વજનોના મૃતદેહો મળે એની રાહ જોઈ રહ્યા છે.

નોંધનીય છે કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ ડીએનએ ટેસ્ટથી કરાશે અને ત્યાર બાદ પરિવારોને મૃતદેહો સોંપવામાં આવશે.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ઍડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે આજે સવારે મીડિયાને આ માહિતી આપી કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 31 મૃતકોના ડીએનએ સૅમ્પલ મૅચ થયા છે અને અત્યાર સુધીમાં કુલ 12 મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે.

'મારાં નણંદ મને માથામાં તેલ નાખી આપતાં'

બીબીસી ગુજરાતીના સહયોગી નચિકેત મહેતાએ આપેલી માહિતી અનુસાર આ પ્લેન ક્રૅશની ઘટનામાં ખેડા જિલ્લાના કુલ 17 લોકોનાં મૃત્યુ થયાં છે.

એ પૈકી જ એક છે વર્ષોથી લંડન રહેતા અને મૂળ ખેડા જિલ્લાના ઉત્તરસંડાનાં એક મહિલા રૂપલબહેન પટેલ.

રૂપલબહેન પાછલાં 15 વર્ષથી પતિ અને ત્રણ સંતાનો સાથે લંડનમાં જ રહેતાં હતાં.

તેઓ એક અઠવાડિયા માટે મેડિકલ સારવાર માટે ભારત આવીને પોતાના પિયર ઉત્તરસંડા ખાતે ભાઈ-ભાભી સાથે રોકાયાં હતાં.

રૂપલબહેનનાં ભાભી હીનાબહેને રૂપલબહેનના મૃત્યુના સમાચાર મળ્યાની ક્ષણ વિશે વાત કરતાં કહ્યું, "અમે તેમને ઍરપૉર્ટ મૂકીને પરત આવ્યાં જ હતાં. ત્યારે ટીવી ચાલુ કરતાં વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા. જે સાંભળીને અમે તરત પરત અમદાવાદ દોડી ગયાં હતાં."

રૂપલબહેનનાં ભાભી રૂપલબહેનના પ્રેમાળ સ્વભાવને યાદ કરતાં રડી પડે છે. તેમણે રડતાં રડતાં કહ્યું કે, "રૂપલબહેન એક અઠવાડિયું જ ઘરે રોકાયાં, પણ જાણે કે મારી સગી બહેન જ હોય તેમ રોજ મને માથામાં તેલ નાખી આપતાં, અમને જમવાનું બનાવીને ખવડાવતાં."

બુધવારે લગ્ન, ગુરુવારે મૃત્યુ

આવો જ બીજો કિસ્સો વડોદરાના ભાવિક માહેશ્વરીનો પણ છે.

જેમણે બુધવારે લગ્ન કર્યાં અને એના બીજા દિવસે એટલે કે ગુરુવારે પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં તેઓ મૃત્યુ પામ્યા.

25 વર્ષીય ભાવિક પાંચ વર્ષથી લંડનમાં જ રહીને અભ્યાસ કરતા હતા.

તેમણે કડીની યુવતી સાથે કોર્ટ મૅરેજ કર્યાં હતાં.

લગ્ન બાદ પત્ની સાથે લંડનમાં સેટલ થવાનાં ભાવિકે સપનાં પણ જોયાં હતાં.

બીબીસી ગુજરાતીના સહયોગી હાર્દિકે આપેલી માહિતી અનુસાર ભાવિક ત્રણ-ત્રણ પરિવારોનું પૂરું કરતા હતા.

હવે પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવતાં ઘરમાં શોક અને આક્રંદ છે.

ભાવિકના દાદા અર્જુનકુમાર માહેશ્વરી ઘડપણમાં પોતાનો જુવાન પૌત્ર ગુમાવ્યો હોઈ આંસુ રોકી નથી શકતા.

તેઓ રડતાં રડતાં કહે છે કે, "દીવાળી પર તો અમે એનાં ધામધૂમથી લગ્ન કરવાનાં હતાં. એ પરિવારને પ્રાથમિકતા આપતો."

રિક્ષાચાલક પિતાની દીકરીનું મૃત્યુ

પ્લેનમાં સવાર થયેલા અને મૃત્યુ પામેલા લોકોમાં હિંમતનગરમાં રહેતાં 22 વર્ષીય પાયલ ખટીક પણ સામેલ છે.

પાયલનો પરિવાર છેલ્લાં 15 વર્ષથી હિંમતનગર સ્થાયી થયો હતો.

પાયલ ખટીકે બી. ટેક.નો અભ્યાસ કરી એમ. ટેક. કરવા લંડનના સ્ટુડન્ટ વિઝા મેળવ્યા હતા.

દીકરીને વિદેશમાં અભ્યાસ કરાવી શકાય એ માટે પરિવારે ખૂબ આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમના પિતા લૉડિંગ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

બીબીસી ગુજરાતીના સહયોગી અંકિત ચૌહાણે આપેલી માહિતી અનુસાર પાયલ ખટીકના પરિવારજનો અમદાવાદ ઍરપૉર્ટ મૂકી પરત આવ્યા બાદ આઘાતના સમાચાર મળ્યા હતા.

પાયલ ખટીકના પિતા સુરેશ ખટીકે કહ્યું કે, "એ ઉચ્ચાભ્યાસ માટે લંડન જઈ રહી હતી. એને ત્યાં મોકલવા માટે અમે લોન લીધી હતી. અમે એને ઍરપૉર્ટ પર મૂકીને પરત ફરી રહ્યા હતા, એક વાગ્યા સુધી બધું ઠીક હતું, પરંતુ બાદમાં અમને આ સમાચાર જાણવા મળ્યા."

દસ વર્ષ બાદ દીકરા અને પૌત્રને મળવા જઈ રહેલાં દાદીનું મૃત્યુ

આવી જ વધુ એક હૃદયદ્રાવક કહાણી બોરસદનાં 78 વર્ષીય મંજુલાબહેનની પણ છે.

તેમના પુત્ર પરિવાર સાથે લંડન રહે છે.

મંજુલાબહેન દસ વર્ષ બાદ પોતાના દીકરા અને પૌત્રને મળવા માટે લંડન જઈ રહ્યાં હતાં.

મંજુલાબહેનને લંડનના વિઝા મળતાં મા-દીકરો ખૂબ ખુશ હતાં.

પરંતુ આ ઘટનામાં મંજુલાબહેનનું મોત થયું અને તેમના પુત્રની માતાને લંડન ફેરવવાની ઇચ્છા અધૂરી જ રહી ગઈ.

મંજુલાબહેનના પાડોશી ડૉ. નીતેશ મિસ્ત્રીએ જણાવ્યું કે, "મંજુલાબહેનનો સ્વભાવ ખૂબ સારો હતો. તેઓ લંડન જવાની વાતથી ખૂબ ખુશ હતાં. તેમને ઘણા પ્રયાસો બાદ વિઝા મળ્યા હતા. મંજુલાબહેનને વિઝા મળતાં તેઓ અને તેમના પુત્ર ખૂબ રાજી હતાં."

દરજીકામ કરતાં દંપતીનું દીકરાને મળવા જતાં મોત

ખેડાના વસોના રામોલ ગામનાં રજનીકાંતભાઈ અને તેમનાં પત્નીનાં પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયાં હતાં.

આ દંપતીએ પોતાના ડૉક્ટર પુત્રને બે વર્ષ પહેલાં લંડન મોકલ્યો હતો.

હવે બે વર્ષ બાદ દંપતી પોતાના પુત્રને મળવા જઈ રહ્યાં હતાં.

જોકે, દીકરા સાથે ભેટો થાય એ પહેલાં જ દંપતીનું વિમાન દુર્ઘટનામાં દુ:ખદ મોત થયું હતું.

રજનીકાંતભાઈના પાડોશી વીરેનભાઈએ કહ્યું હતું કે, "બંને પતિ-પત્ની 8 તારીખે જ સંબંધીના ઘરે અમદાવાદ પહોંચી ગયાં હતાં. ત્યાંથી તેઓ ખરીદી કરી રહ્યાં હતાં. 12 તારીખે અમને બે વાગ્યે સમાચાર મળ્યા ત્યારે અમે તેમની દીકરીનું ડીએનએ સૅમ્પલ અમદાવાદ ખાતે જમા કરાવ્યું હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન