You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશ : વિમાન તૂટી પડવાનું રહસ્ય ખોલી શકે તે બ્લૅક બૉક્સ શું હોય છે?
અમદાવાદમાં 12 જૂને ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રૅશ થઈ હતી અને આ દુર્ઘટનામાં 241 લોકોનાં મોત થયાં છે.
અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનનું બ્લૅક બૉક્સ મળી ગયું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ આ વાતની જાણકારી આપી છે.
રામમોહન નાયડુ કિંજરાપુએ એક્સ પર પોસ્ટ કર્યું, "ઍરક્રાફ્ટ ઍક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી)એ અમદાવાદમાં દુર્ઘટનાસ્થળેથી ફલાઇટ ડેટા રેકૉર્ડર (બ્લૅક બૉક્સ) 28 કલાકની અંદર શોધી કાઢ્યું છે. આ તપાસ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આનાથી ઘટનાની તપાસમાં ઘણી મદદ મળશે."
આ પહેલાં રૉયટર્સ, પીટીઆઈ અને એએફપી જેવી ન્યૂઝ એજન્સીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે અમદાવાદ ખાતે થયેલી પ્લેન ક્રૅશની ઘટના બાદ વિમાનનું એક બ્લૅક બૉક્સ મળી ગયું છે.
રૉયટર્સ અને એએફપી આ માહિતી પોલીસ પાસેથી મળી હોવાનું જણાવે છે.
જ્યારે પીટીઆઈએ ભારત સરકારની ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોના હવાલાથી આ સમાચાર આપ્યા છે.
નોંધનીય છે કે સામાન્ય રીતે પ્લેનમાં બે બ્લૅક બૉક્સ હોય છે. આ બ્લૅક બૉક્સ નાના પરંતુ મજબૂત ડેટા રેકૉર્ડર હોય છે. એકમાં કૉકપીટના અવાજ રેકૉર્ડ થાય છે, જેથી તપાસકર્તાઓ પાઇલટ શું બોલી રહ્યા છે એ અને અન્ય અસામાન્ય અવાજો સાંભળી શકે. આ સિવાય બીજું રેકૉર્ડર ઊંચાઈ અને ગતિ જેવા ફ્લાઇટ ડેટાને રેકૉર્ડ કરે છે.
બ્લૅક બૉક્સમાં વિમાનને લગતો અત્યંત મહત્ત્વનો ડૅટા હોય છે અને તેના આધારે ફ્લાઇટના ક્રૅશનું કારણ જાણી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
13 જૂન, શુક્રવારની સવારે ઍૅર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબૅલ વિલ્સને ક્રેશના સ્થળની મુલાકાત લીધી હતી. અકસ્માતના સ્થળે હાજર પત્રકારોએ તેમને ઘેરી લીધા હતા અને સવાલો કર્યા હતા, પરંતુ કેમ્પબૅલે કોઈ ટિપ્પણી કરી ન હતી.
અમદાવાદના ઍર ક્રૅશનાં કારણો જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે બ્લૅક બૉક્સની રિકવરી સૌથી મહત્ત્વની ચીજ છે.
બ્લૅક બૉક્સમાં શું હોય છે?
બ્લૅક બૉક્સ એક ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ અથવા સાધન છે જે વિમાનના પાછળના ભાગમાં હોય છે.
મહત્ત્વની વાત એ છે કે બ્લૅક બૉક્સ એ કાળા રંગના નથી હોતા, પરંતુ એકદમ ચમકદાર ઑરેન્જ રંગના હોય છે. તેના કારણે ક્રૅશ પછી તેને શોધી કાઢવાનું સરળ બને છે.
બ્લૅક બૉક્સ બહુ મોટા કદનાં નથી હોતાં, તેનો આકાર જૂતાના બૉક્સ જેવડો હોય છે.
વિમાનના ફ્લાઇટ ડેટા રેકૉર્ડર અથવા કૉકપિટ વૉઇસ રેકૉર્ડરને બ્લૅક બૉક્સ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ હવાઈ દુર્ઘટના વખતે બ્લૅક બૉક્સમાં રેકૉર્ડ થયેલો ડેટા બહુ જરૂરી માહિતી પૂરી પાડી શકે છે.
બ્લૅક બૉક્સના ફ્લાઇટ ડેટા રેકૉર્ડરમાં ટેકનિકલ ફ્લાઇટ ડેટા સંગ્રહ થાય છે. તેમાં તાપમાન, સ્પીડ, ફ્યુઅલ લેવલ, ઑટો પાઇલટ સ્ટેટસ, ઊંચાઈ અને ટ્રેજેક્ટરીની માહિતી તથા 25 કલાક સુધીનું રેકૉર્ડિંગ હોય છે.
જ્યારે કૉકપીટ વૉઇસ રેકૉર્ડરમાં વિમાનના તમામ અવાજને રેકૉર્ડ કરવામાં આવે છે. તેમાં પાઇલટની વાતચીત તથા એન્જિનનો અવાજ પણ રેકૉર્ડ થાય છે. ઍરટ્રાફિક કંટ્રોલ સાથે થયેલી વાતચીતને તેમાં રેકૉર્ડ કરવામાં આવે છે. તેમાં લગભગ બે કલાકનું રેકૉર્ડિંગ થાય છે અને તેના આધારે ઇન્વેસ્ટિગેશન અધિકારીઓ ક્રૅશનું કારણ જાણી શકે છે.
કૉકપીટ વૉઇસ રેકૉર્ડરના આધારે વિમાનમાં મિકેનિકલ ફૉલ્ટ હતો, માનવભૂલ હતી કે પછી બીજા કોઈ કારણથી ક્રૅશ થયો તે જાણી શકાય છે.
વિમાનમાં બ્લૅક બૉક્સ કઈ રીતે કામ કરે છે?
બ્લૅક બૉક્સના અંદરના ભાગમાં એક થર્મલ બ્લૉક હોય છે જેમાં મેમરી બોર્ડ આવેલા હોય છે અને તેની ફરતે ઇન્સ્યુલેશન હોય છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેથી તે મોટા આંચકા કે ગરમી પણ સહન કરી શકે.
ઘણી વખત સમુદ્ર પર પ્લેન ક્રૅશ પછી દરિયાના પેટાળમાંથી પણ બ્લૅક બૉક્સ શોધીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે.
બ્લૅક બૉક્સ એટલું મજબૂત હોય છે કે તે એક કલાક કરતાં વધુ સમય સુધી 1000 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન પણ સહન કરી શકે છે.
દરિયાના ખારા પાણીમાં 6000 મીટરના ઊંડાણ સુધી પણ બ્લૅક બૉક્સનો ડેટા સુરક્ષિત રહી શકે છે. બ્લૅક બૉક્સમાં અંડર વૉટર બીકન લૉકેટર હોય છે. તેથી પાણીમાં પડ્યા પછી બ્લૅક બૉક્સમાંથી સતત સિગ્નલ મળ્યા કરે છે, જે 30થી 90 દિવસ સુધી ચાલુ રહે છે. તેથી પાણીમાંથી બ્લૅક બૉક્સને શોધવાનું સરળ બને છે.
બ્લૅક બૉક્સના જાણકારો કહે છે કે બ્લૅક બૉક્સ રિયલ ટાઇમમાં ડેટા ટ્રાન્સમિટ કરે તે પ્રકારનું બનાવવું જોઈએ જેથી કરીને ક્રેશ પછી બ્લૅક બૉક્સને શોધવું ન પડે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન