અમદાવાદ પ્લેન ક્રૅશ : પાઇલટે દુર્ઘટના પહેલાં શું સંકેત આપ્યો હતો? 'મેડે કૉલ' વ્યવસ્થા એટલે શું?

ગુરુવારે અમદાવાદથી ગૅટવિક જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઑફ પછી તરત જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ વિમાનમાં 230 મુસાફર, બે પાઇલટ તથા 10 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા.

કૅપ્ટન સુમિત સભરવાલ ઍરક્રાફ્ટના મુખ્ય પાઇલટ હતા, જ્યારે ક્લાઇવ કુંદર ફર્સ્ટ ઑફિસર તરીકે પ્લેનમાં હાજર હતા. ડીજીસીએ (ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન) દ્વારા આપેલી માહતી અનુસાર, કૅપ્ટન સુમિત સભરવાલ 8200 કલાક તથા તેમના સહયોગી ક્લાઇવ સુંદર 1100 કલાક સુધીનો વિમાન ઉડ્ડયનનો અનુભવ ધરાવે છે.

એટીસીના (ઍર ટ્રાફિક કંટ્રૉલર) જણાવ્યા મુજબ, આ વિમાને બપોરે એક વાગ્યા અને 39 મિનિટે 23 નંબરના રનવે પરથી ઉડ્ડાણ ભરી હતી. તેણે એટીસીને એક મેડે કૉલ આપ્યો હતો, પરંતુ એ પછી વિમાને એટીસીના કૉલનો કોઈ જવાબ નહોતો આપ્યો.

એટીસીના જણાવ્યા પ્રમાણે, રનવે ઉપરથી ટેકઑફ પછી તરત જ ઍરપૉર્ટની બહાર પડી ગયું હતું. આ અકસ્માત પછી ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટા ઊઠવા લાગ્યા હતા.

'મેડે કૉલ' એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ડિસ્ટ્રેસ કૉલ છે. રેડિયો કૉમ્યુનિકેશન દરમિયાન આ પ્રકારનો કૉલ આપવા માટે ચોક્કસ પ્રક્રિયા હોય છે. આ દરમિયાન ન કેવળ કૉલને સાંભળવામાં આવે છે, પરંતુ તેના ઉપર ગંભીરતાથી પ્રતિક્રિયા પણ આપવામાં આવે છે.

મેડે કૉલ શું હોય છે?

કોઈપણ વિમાન અકસ્માત બાદ 'મેડે' શબ્દનો વારંવાર ઉલ્લેખ થાય છે. તે એવિએશન તથા મૅરિટાઇમ ક્ષેત્રે કટોકટીના સંજોગોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ શબ્દ છે.

કૅમ્બ્રિજ ડિક્ષનરીમાં જણાવ્યા પ્રમાણે, 'મેડે' જ્યારે કોઈ હવાઈજહાજ કે પાણીનું જહાજ જોખમભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હોય, ત્યારે તે 'મેડે કૉલ' આપે છે.

અમેરિકાની સરકારની એફએએના (ફેડરલ એવિએશન ઍડમિનિસ્ટ્રેશન) જણાવ્યા મુજબ, આ એક ડિસ્ટ્રેસ એટલે કે તણાવના સંજોગોમાં મદદ માગવા માટે કરવામાં આવતો પોકાર છે. તે આંતરરાષ્ટ્રીયસ્તરે માન્ય રેડિયો સિગ્નલ છે.

વર્ષ 1923માં લંડનના કૉયડન ઍરપૉર્ટ ઉપર રેડિયો ઓફિસર તરીકે તહેનાત ફ્રેડરિક મૉકફોર્ડે 'મેડે' શબ્દને ચલણમાં મૂક્યો હતો.

વર્ષ 1924માં 'બુક ઑફ વાયરલેસ ટેલિગ્રાફી'માં 'મેડે'ને ઇન્ટરનૅશનલ ડિસ્ટ્રેસ કૉલ તરીકે ઓળખ મળી.

વર્ષ 1927માં ઇન્ટરનૅશનલ રેડિયોટેલિગ્રાફિક કન્વેન્શન દરમિયાન 'મેડે'નો આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રેસ કૉલ તરીકે સ્વીકાર થયો.

આ શબ્દ ફ્રેન્ચ શબ્દ 'M'aidez' પરથી ઊતરી આવ્યો છે, જેનો મતલબ 'મારી મદદ કરો' એવો થાય છે.

મેડે કૉલનો ઉપયોગ ક્યારે થાય?

કૉલ કરવા તથા કૉલનો જવાબ આપવાની બાબતમાં 'મેડે કૉલ'ને સૌથી મહત્ત્વપૂર્ણ રેડિયો કૉલ માનવામાં આવે છે. જ્યારે કોઈના જીવ ઉપર જોખમ હોય અથવા તો તાત્કાલિક મદદ ન મળવાથી કોઈનો જીવ જાય એમ હોય, તેવા સંજોગોમાં 'મેડે કૉલ' આપવામાં આવે છે.

આ કૉલ ખૂબ જ તણાવ કે જોખમભરી પરિસ્થિતિમાં કરવામાં આવે છે, એટલે જ આ કૉલને સૌથી વધુ ગંભીરતાથી લેવામાં આવે છે.

એફએએ દ્વારા ડિસ્ટ્રેસ તથા તત્કાલતાના આધારે બે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

ડિસ્ટ્રેસ એટલે કે તણાવભરી પરિસ્થિતિ, વિશેષ કરીને લોકોના જીવ ઉપર જોખમ ઊભું થાય એમ હોય અને હવાઈજહાજ ઉપર ખતરો હોય, ત્યારે 'મેડે' કૉલ આપવામાં આવે છે.

પાણીના જહાજ કે વિમાનના કપ્તાનને ત્રણ વખત 'મેડે....મેડે...મેડે...' પોકારવા માટે કહેવામાં આવે છે, જેથી કરીને ટ્રાન્સમિશન દરમિયાન અડચણ આવે તો પણ આ કૉલ સ્પષ્ટપણે સાંભળી શકાય.

બીજું કે જો તત્કાળ (અર્જન્સી) મદદની જરૂર હોય તો 'પૅન-પૅન'નો પોકાર કરવામાં આવે છે. ગંભીરતાની દૃષ્ટિએ તે 'મેડે' કરતાં થોડું ઓછું છે.

'મેડે કૉલ' મળ્યે અન્ય તમામ કૉમ્યુનિકેશનની સરખામણીએ તેને પ્રાથમિક્તા આપવામાં આવે છે. જ્યારે 'પૅન-પૅન'ને 'મેડે' ઉપરાંત અન્ય કૉલ્સની જેમ મહત્ત્વ આપવામાં આવે છે.

વિમાન, પાણીના જહાજ, ક્રૂ મેમ્બર અને મુસાફરની સુરક્ષા ઉપર ગંભીર પ્રકારનું જોખમ હોય અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર હોય, તે સંજોગોમાં 'મેડે'ની જાહેરાત કરવામાં આવે છે. જેથી કરીને જોખમને વધતું અટકાવી શકાય કે લોકોના જીવ બચાવી શકાય.

એન્જિન ફેઇલ થવું, વિમાન ખરાબ હવામાનમાં ફસાયું હોય, પાણીનાં જહાજમાં પાણી ભરાઈ રહ્યું હોય, વિમાન કે જહાજમાં મોટી ગડબડ અને સફર દરમિયાન કોઈ મેડિકલ ઇમર્જન્સીની જરૂર હોય તો પણ આપવામાં આવે છે.

'મેડે કૉલ' કોણ કરે?

હવાઈજહાજ ઉડાવી રહેલ પાઇલટ કે પાણીના જહાજના કૅપ્ટન દ્વારા 'મેડે કૉલ' આપવામાં આવે છે. સામાન્ય રીતે પાઇલટ કે પાણીના જહાજ દ્વારા કટોકટીભરી ગંભીર પરિસ્થિતિમાં 'મેડે કૉલ' આપવામાં આવે છે.

જહાજમાં આગ લાગી હોય, કંટ્રૉલ ગુમાવ્યો હોય કે અન્ય કોઈ ગંભીર પરિસ્થિતિ હોઈ શકે છે. જે વિમાન કે જહાજમાં સવાર તમામ લોકોની સુરક્ષા ઉપર જોખમ ઊભું કરે તેમ હોય.

એવિએશનમાં પાઇલટ દ્વારા રેડિયો પર નજીકના એટીસીને 'મેડે કૉલ' કૉમ્યુનિકેટ કરવામાં આવે છે. ગંભીર પ્રકારની પરિસ્થિતિમાં જો કૉલ આપનાર તરફથી કૉમ્યુનિકેશન તૂટી જાય તો 'મેડે કૉલ' નજીકના અન્ય કોઈ વિમાન કે જહાજ દ્વારા પણ 'રિલે' કે 'કૉમ્યુનિકેટ' કરી શકાય છે.

'મેડે'ની પરિસ્થિતિમાં મદદ માટે પોકાર આવે કે તરત જ એ ફ્રિક્વન્સી ઉપરના અન્ય રેડિયો ટ્રાફિકને અટકાવી દેવાય છે. આના પછી ઍર ટ્રાફિક કંટ્રૉલ સંપૂર્ણપણે રૅસ્ક્યૂના કામમાં લાગી જાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન