You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશ : 'જીવ બચાવવા દોડીદોડી થઈ રહી છે, અફરાતફરીનો માહોલ છે', બીબીસીના રિપોર્ટરે શું જોયું?
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ઍર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યું છે અને ત્યાં ભયાનક દૃશ્યો સર્જાયાં છે.
ઍર ઇન્ડિયાના વિમાનમાં 242 પ્રવાસી હતા અને વિમાન લંડન જઈ રહ્યું હતું.
દુર્ઘટના અથવા જાનહાનિની સંખ્યા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઍર ઇન્ડિયા પ્રમાણે વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટીશ,1 કૅનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક સવાર હતા.
એએનઆઈના અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના વિશે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાઈડુ તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.
'વિમાન ક્રૅશ થયું ત્યાં અફરાતફરીનો માહોલ છે'
બીબીસીના રિપોર્ટર રૉક્સી ગાગડેકર છારાએ જણાવ્યું કે વિમાન ક્રૅશ થયું ત્યાં અફરાતફરીનો માહોલ છે. દરેક વ્યક્તિ શક્ય તેટલા વધુ લોકોના જીવ બચાવવા માટે દોડીદોડી કરી રહી છે. ઍરપૉર્ટની ખૂબ નજીક ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
સમગ્ર વિસ્તારમાં ઍમ્બ્યુલન્સની સાયરનો ગાજી રહી છે. આસપાસના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે.
ઇમરજન્સી રિસ્પૉન્સ ટીમો હજુ પણ ઘટનાસ્થળે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.
આ ઘટનાને નજરે જોનારા લોકો કહે છે કે તેમણે સૌથી પહેલા એક જોરદાર ધડાકો સાંભળ્યો હતો અને પછી કાળો ધુમાડો નીકળતો જોયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા લોકો અહીં ભેગા થવા લાગ્યા હતા. આસપાસના વિસ્તારમાં સ્વયંસેવકો શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફાયર બ્રિગેડના અધિકારીઓએ બચાવ કામગીરી આરંભી છે. હજુ પણ આ વિસ્તારમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે.
તો અમદાવાદની હૉસ્પિટલોની બહાર ચિંતાતુર સગાંઓની ભીડ જામી છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલ પહોંચેલા પૂનમ પટેલે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું એ પ્રમાણે તેમનાં ભાભી લંડન જતી ફ્લાઇટમાં હતાં.
તેઓ કહે છે, "એક કલાકમાં જ મને સમાચાર મળ્યા કે વિમાન ક્રૅશ થયું છે. તેથી હું અહીં આવ્યો."
પ્લેન દુર્ઘટના બીજે મેડિકલની હૉસ્ટેલ પાસે બની હતી. રમીલા કહે છે કે તેમનો દીકરો લંચ બ્રૅક માટે ડૉક્ટર્સની હૉસ્ટેલમાં ગયો હતો ત્યારે વિમાન ત્યાં ક્રૅશ થયું.
તેઓ કહે છે કે તેણે બીજા માળેથી કૂદકો માર્યો, જેના કારણે તેને ઈજા પહોંચી છે, પણ સદભાગ્યે તે સુરક્ષિત છે.
અમદાવાદની પ્લેન દુર્ઘટના અંગે કોણે શું કહ્યું?
આ દુર્ઘટના અંગે વડા પ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને સ્તબ્ધ અને દુઃખી કર્યા છે. આ ઘટનાને શબ્દો વ્યક્ત ન થઈ શકે એવી હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદના ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.
તો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં પ્લેન ક્રૅશની ઘટના અંગે દુ:ખ વ્યક્ત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે, "અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું પૅસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે."
યુકેના વડા પ્રધાન કીએર સ્ટાર્મરે પણ મૃતકો પ્રત્યે સંવેદના પાઠવતા કહ્યું છે કે તેમની સંવેદનાઓ ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સાથે છે.
તેમણે આગળ કહ્યું કે, "ભારતના શહેર અમદાવાદમાં ઘણા બ્રિટિશ નાગરિકોને લઈને લંડન જતું વિમાન ક્રૅશ થયું હોવાનાં દૃશ્યો ખૂબ જ ભયાનક છે. મને સતત અપડેટ આપવામાં આવી રહી છે અને આ ખૂબ જ દુઃખદ સમયે મારી સંવેદના મુસાફરો અને તેમના પરિવારો સાથે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન