અમદાવાદમાં ક્રૅશ થયેલા પ્લેનમાં '204 લોકોનાં મોત', પોલીસ કમિશનરે શું જણાવ્યું

અમદાવાદના મેઘાણીનગરમાં એક વિમાન તૂટી પડ્યું છે જેમાં 204 લોકોનાં મોતની પુષ્ટિ અમદાવાદના પોલીસ કમિશનરે કરી છે.

ઍર ઇન્ડિયાના વિમાનમાં 242 પ્રવાસી હતા અને વિમાન લંડન જઈ રહ્યું હતું.

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક સાથે ફોન પર વાત કરી જેમાં તેમણે કહ્યું કે, "204 લોકોના મૃતદેહો મળ્યા છે."

તેમણે કહ્યું કે, "કેટલાક સર્વાઇવર હોઈ શકે છે પરંતુ અત્યાર સુધી અમને 204 લોકોના મૃતદેહો મળ્યા છે."

મલિકે કહ્યું કે, "41 લોકોની સારવાર હૉસ્પિટલમાં ચાલી રહી છે અને રાહત તથા બચાવકાર્ય શરૂ છે."

વડા પ્રધાન મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત યુકેના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

ઍર ઇન્ડિયાએ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર અમદાવાદથી લંડન જતી ફ્લાઇટને ગુરુવારે બપોરે ટેક ઑફ બાદ અકસ્માત નડ્યો હોવાની વાતની પુષ્ટિ કરી છે.

ઍર ઇન્ડિયાએ લખ્યું છે કે, "અમદાવાદથી બપોરે એક વાગ્યાને 38 મિનિટે ઊપડેલી ફ્લાઇટ બૉઇંગ 787-8 ઍરક્રાફ્ટમાં 242 પૅસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. જે પૈકી 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિક, 1 કૅનેડિયન અને સાત પૉર્ટુગીઝ હતા."

ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલો ખાતે ખસેડવામાં આવી રહ્યા છે.

ઍર ઇન્ડિયાએ જણાવ્યું કે તેમણે વધુ માહિતી આપવા માટે પૅસેન્જર હોટ લાઇન નંબર 1800 5691 444 જાહેર કર્યો છે.

"ઍર ઇન્ડિયા આ ઘટનાની તપાસ કરી રહેલ ઑથૉરિટીઝને પૂર્ણ સહકાર આપી રહી છે."

આ સાથે જ અમદાવાદ પોલીસે પણ એક્સ પર શહેરમાં પ્લેન ક્રૅશની ઘટના સંદર્ભે આપાતકાલીન સેવા અને માહિતી માટે ટેલિફોન નંબર - 07925620359 જાહેર કર્યો હતો.

ઉપરાંત કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ પ્લેન ક્રૅશની ઘટના બાદ ઑપરેશનલ કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે.

મંત્રાલયે એક્સ પર કંટ્રોલ રૂમના નંબર - 011-24610843 | 9650391859 જાહેર કર્યા છે.

અમદાવાદ પ્લેન ક્રૅશ અંગે વિદેશમંત્રાલયે કહ્યું - 'અમે ઘણા બધા લોકોને ગુમાવ્યા'

અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થવાની ઘટના અંગે વિદેશમંત્રાલય તરફથી કહેવાયું છે કે 'આપણે ઘણા લોકોને ગુમાવ્યા છે.'

વિદેશમંત્રાલયની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન લંડનના ગૅટવિક જઈ રહેલું ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થયા બાબતે સવાલ કરાયો હતો.

એ અંગે વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું, "અમદાવાદમાં જે થયું એ ખૂબ દુ:ખદ છે, અમે ઘણા બધા લોકોને ગુમાવ્યા છે. અમે એ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ, જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે. ઘણા વિદેશી પણ હતા."

રણધીર જાયસવાલે કહ્યું, "તમને અંગે સંબંધિત વિભાગો - નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ઍર ઇન્ડિયા અને અન્યો પાસેથી અપડેટ્સ મળશે. હું અત્યાર સુધી આટલું જ કહી શકું છું. આ સતત બદલાતી જતી સ્થિતિ છે. બચાવકાર્ય ચાલુ છે. ચોક્કસ જાણકારી સામે આવે એ માટે થોડી રાહ જોવી પડશે. "

યુકેના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે વિમાન દુર્ઘટના પર શું કહ્યું

અમદાવાદથી લંડનના ગૅટવિક જઈ રહેલું વિમાન ક્રૅશ થવા પર યુકેના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

વડા પ્રધાન સ્ટાર્મરે ઍક્સ પર લખ્યું કે, "ભારતના શહેર અમદાવાદથી કેટલાક બ્રિટિશ નાગરિકોને લઈને લંડન જઈ રહેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાનાં દૃશ્યો ભયાનક છે."

તેમણે લખ્યું કે ઍર ઇન્ડિયા તરફી જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલા આ વિમાનમાં 242 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ હતા.

વિમાનમાં સવાર 242 લોકોમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, એક કૅનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો હતા.

યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમી કહે છે એ પ્રમાણે યુકે ફોરેન ઓફિસ (FCDO) એ ભારત અને યુકેમાં ઇમરજન્સી ટીમો ગોઠવી છે, કહે છે. તેમણે કોમન્સને કહ્યું: "મારી સંવેદના, સમગ્ર ગૃહના સભ્યોની સંવેદના આજે સવારે ભારતમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકો સાથે છે.

"અમે જાણીએ છીએ કે બ્રિટિશ નાગરિકો પણ અમારી સાથે હતા અને હું પુષ્ટિ કરી શકું છું કે FCDO બ્રિટિશ નાગરિકો અને તેમના પરિવારોને ટેકો આપવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે તાત્કાલિક કામ કરી રહ્યું છે, અને દિલ્હી અને લંડન બંનેમાં એક ઇમરજન્સી ટીમ ઊભી કરી છે."

રાહુલ ગાંધીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પોસ્ટ પર પ્લેન ક્રૅશની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

"અમદાવાદ ઍર ઇન્ડિયા ક્રૅશ હૃદયદ્રાવક છે. મુસાફરો અને ક્રૂના પરિવારો જે પીડા અને ચિંતા અનુભવી રહ્યા હશે તે અકલ્પનીય છે. આ અતિ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ દરેકની સાથે છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત પ્રયાસો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અત્યારે દરેક જીવન મહત્ત્વનું છે, દરેક સેકન્ડ મહત્ત્વપૂર્ણ છે. કૉંગ્રેસ કાર્યકરોએ મદદ કરવા માટે શક્ય હોય તેટલું બધું જ કરવું જોઈએ."

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં પ્લેન ક્રૅશની ઘટના અંગે દુ:ખ વ્યક્ત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું છે કે, "અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું પૅસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે."

તેમણે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સહાય માટે આપેલી સૂચના અંગે આગળ લખ્યું હતું કે, "ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કૉરિડૉરની વ્યવસ્થા માટે અને હૉસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે."

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ તેમની સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે એનડીઆએફની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.

બીજી તરફ એએનઆઈએ ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિએશન (ડીજીસીએ)ને ટાંકીને જણાવ્યું છે કે, "કૅપ્ટન સુમીત સભરવાલ 8200 કલાકનો ઉડાનનો અનુભવ ધરાવતા એલટીસી હતા. કો-પાઇલટને 1100 કલાકનો ઉડાનનો અનુભવ હતો. એટીસી (ઍર ટ્રાફિક કન્ટ્રોલર) મુજબ અમદાવાદથી 1.39 વાગ્યે ફ્લાઇટ રવાના થઈ હતી. તેણે એટીસીને ખતરાનો કૉલ આપ્યો હતો, પરંતુ તે બાદ એટીસીના કોલનો કોઈ રિસ્પૉન્સ મળ્યો ન હતો. રનવે 23 પરથી ઉડાન ભર્યા પછી તરત વિમાન ઍરપૉર્ટના પરિસરની બહાર જમીન પર પડ્યું હતું. અકસ્માતના સ્થળેથી કાળા ધુમાડો ઊઠતો જોવા મળતો હતો."

અમદાવાદથી લંડન જઈ રહી હતી ફ્લાઇટ

જે તસવીરો સામે આવી રહી છે, તેમાં વિમાનમાં આગ લાગેલી છે અને ધુમાડો પણ નીકળતો જોઈ શકાય છે.

ઍર ટ્રાફિક પર નજર રાખતા ફ્લાઇટ રડાર 24એ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર લખ્યું છે કે "અમદાવાદથી લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI171 ક્રૅશ થઈ હોવાના અહેવાલ છે. અમને ટેક ઑફ થયાની અમુક સેકન્ડ પછી છેલ્લા સિગ્નલ મળ્યા હતા."

ફ્લાઇટ રડાર 24 મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાન 787-8 ડ્રીમલાઇનર હતું.

એએનઆઈના અહેવાલ મુજબ ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્ય મંત્રી, ગૃહમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમણે આ અંગે કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદ આપવાની ખાતરી આપી છે.

પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી નાઈડુ સાથે વાત કરી

એએનઆઈના અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના વિશે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાઈડુ તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રીએ પીએમને જણાવ્યું કે તેઓ બચાવ અને રાહત કામગીરી પર નજર રાખવા અમદાવાદ જવા રવાના થઈ રહ્યા છે. પીએમે બંને મંત્રીઓને અમદાવાદ પહોંચવા કહ્યું છે જેથી તમામ શક્ય મદદ પહોંચાડી શકાય.

નોંધનીય છે કે અમિત શાહે ગુજરાતના મુખ્ય મંત્રી સાથે પણ વાત કરી છે.

અમદાવાદ ઍરપૉર્ટ ખાતે ઉડાણો કામચલાઉ ધોરણે સ્થગિત

આ ઘટના અંગે અમદાવાદ ઍરપૉર્ટના પ્રવક્તાએ બીબીસી ગુજરાતીને એક નિવેદનમાં જણાવ્યું છે કે વિમાન અકસ્માતના પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ હાલ બંધ કરવામાં આવ્યું છે. આગળની સૂચના ન મળે ત્યાં સુધી તમામ ફ્લાઇટની ઑપરેશન્સ કામચલાઉ ધોરણે મોકૂફ રખાયાં છે. પ્રવાસીઓને સલાહ છે કે ઍરપૉર્ટ પર જતા પહેલાં પોતાની ઍરલાઇન પાસેથી લૅટેસ્ટ માહિતી મેળવી લે.

વધુ વિગતની રાહ જોવાઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન