ટ્રમ્પે ગ્રીનલૅન્ડમાં અમેરિકાના ધ્વજવાળી તસવીર પોસ્ટ કરીને શું કહ્યું?- ન્યૂઝ અપડેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેઓ ગ્રીનલેન્ડમાં અમેરિકન ધ્વજ ફરકાવતા જોવા મળી રહ્યા છે.

આ તસવીરમાં તેમની બાજુમાં યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રૂબિયો અને વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વાન્સ પણ દેખાય છે.

આ તસવીરની સામે એક તકતી લાગેલી છે જેના પર લખ્યું છે, "ગ્રીનલેન્ડ: યુ.એસ. ટેરિટરી, સ્થાપના - 2026."

તેમણે એક અન્ય તસવીર પણ પોસ્ટ કરી હતી, જે ઑગસ્ટ 2025 માં લેવાયેલી તસવીરનું ઍડિટેડ વર્ઝન છે. આ એ સમયની તસવીર છે જ્યારે યુરોપિયન નેતાઓ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાતચીત પછી વોશિંગ્ટન પહોંચ્યા હતા.

ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરાયેલી ટ્રમ્પની તસવીરમાં પ્રેઝન્ટેશન બૉર્ડને એ રીતે બદલી નાખવામાં આવ્યું છે કે જેમાં ઉત્તર અમેરિકા, કૅનેડા અને ગ્રીનલૅન્ડને અમેરિકન ધ્વજ હેઠળ દર્શાવી દેવામાં આવ્યા છે.

'વાંધાજનક વીડિયો' બાદ કર્ણાટકના ડીજીપી સસ્પેન્ડ, શું છે મામલો ?

કર્ણાટકના ડીજીપી (સિવિલ રાઇટ્સ ઍન્ફોર્સમેન્ટ) કે રામચંદ્ર રાવને સોમવારે રાત્રે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાઇરલ થયા હતા, જેમાં કથિત રીતે વરિષ્ઠ આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારીને પોતાની ઑફિસમાં એક મહિલા સાથે વાંધાજનક અવસ્થામાં જોઈ શકાય છે.

આ વીડિયોને પગલે રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ હતી અને નારાજગી જોવા મળી રહી હતી.

રાજ્ય સરકારે વીડિયોની તપાસ બાદ આ નિર્ણય લીધો હતો. કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાના કહેવા પ્રમાણે, વિસ્તૃત તપાસ બાદ શિસ્ત સંબંધિત કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્ય મંત્રીએ કહ્યું, "અમે કાર્યવાહી કરીશું, કાયદાથી પર કોઈ નથી."

સીએમ સિદ્ધારમૈયાના કહેવા પ્રમાણે, તેમને આના વિશે સોમવારે સવારે માહિતી મળી હતી, એ પછી, તેમણે તપાસના આદેશ આપ્યા હતા.

વીડિયોના સ્રોત તથા તેની પ્રમાણિતતાની પુષ્ટિ નથી થઈ. રાજ્ય સરકારનું કહેવું છે કે તપાસ દરમિયાન વીડિયોની પણ તપાસ કરવામાં આવશે.

ગ્રીનલૅન્ડ મુદ્દે ટ્રમ્પે કહ્યું, ટેરિફ તો લાગશે જ ; યુરોપિયન સંઘે આપ્યો જવાબ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો ગ્રીનલૅન્ડ મામલે યુરોપિયન દેશો તેમનો વિરોધ કરશે, તો તેઓ ટેરિફ નાખવાની તેમની ધમકી પર "100 ટકા" અમલ કરશે.

ટ્રમ્પે ગ્રીનલૅન્ડને તાબે કરવા માટે બળપ્રયોગની શક્યતાને નકારી નથી.

ટ્રમ્પે ડેનમાર્ક ઉપરાંત સાત નાટો દેશોમાંથી આવતા સામાન ઉપર પહેલી ફેબ્રુઆરીથી 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જે પહેલી જૂનથી વધીને 25 ટકા થઈ જશે અને જ્યાર સુધી ગ્રીનલૅન્ડ મુદ્દે સહમતી ન સધાય, ત્યાં સુધી તે અમલમાં રહેશે.

આ નિયમ ડેનમાર્ક, સ્વીડન, નૉર્વે, ફિનલૅન્ડ, નૅધરલૅન્ડ, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન પર લાગુ થશે.

બીજી બાજુ, યુરોપના અનેક દેશોએ ગ્રીનલૅન્ડની સંપ્રભુતાનું સમર્થન કર્યું છે અને એકતા દાખવી છે.

ડેનમાર્કના વિદેશમંત્રી લાર્સ લોક્કે રાસમુસેને કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ધમકી દઈને ડેનમાર્કના અર્ધ-સ્વાયત ક્ષેત્ર ગ્રીનલૅન્ડની ઉપર કબજો ન કરી શકે.

બ્રિટનના વિદેશમંત્રી યવેટ કૂપરે પણ કહ્યું છે કે ગ્રીનલૅન્ડનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર માત્ર ત્યાંના લોકો અને ડેનમાર્કને જ છે.

યુરોપિયન સંઘના વિદેશનીતિનાં વડાં કાયા કાલસે કહ્યું છે, "યુરોપિયન સંઘ કોઈ પણ જાતનો ટકરાવ નથી ઇચ્છતું, છતાં તે પોતાના વલણ પર અડગ રહેશે."

"વેપારિક ધમકીઓ આ બાબતને ઉકેલવાનો રસ્તો નથી. સંપ્રભુતા એ કોઈ સોદાની બાબત નથી."

ટ્રમ્પનો તર્ક છે કે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલૅન્ડ જરૂરી છે. ટ્રમ્પનું કહેવું છે કે જો અમેરિકા ગ્રીનલૅન્ડને પોતાનામાં સામેલ નહીં કરે તો ચીન અને રશિયા તેના પર કબજો કરી લેશે.

ઉલ્લેખનીય છે કે ગ્રીનલૅન્ડ એ ડેનમાર્કનો અર્ધ-સ્વાયત દ્વીપ છે અને તેની પોતાની સરકાર છે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 'રિસ્પૉન્સિબલ નૅશન્સ ઇન્ડેક્સ' લૉન્ચ કર્યું

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે જવાબદાર રાષ્ટ્ર સૂચકાંક (રિસ્પૉન્સિબલ નૅશન્સ ઇન્ડેક્સ) લૉન્ચ કર્યું છે.

આ અંગે માહિતી આપતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઍક્સ પર લખ્યું, "આજે દિલ્હીમાં વર્લ્ડ ઇન્ટલેક્ચ્યુઅલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં રિસ્પૉન્સિબલ નૅશન્સ ઇન્ડેક્સ (આરએનઆઇ) લૉન્ચ કરવાનું સૌભાગ્ય મળ્યું."

તેમણે લખ્યું, "આરએનઆઇ નવીન શૈક્ષણિક પહેલ છે. કોઈ દેશ પોતાના નાગરિકો પ્રત્યે જ નહીં, પરંતુ સમગ્ર માનવતા તથા પર્યાવરણ પ્રત્યે કેટલો જવાબદાર છે, તેને પરિભાષિત કરવામાં આવ્યું છે."

ડબલ્યુઆઇએફ ઉપરાંત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટે (મુંબઈ) મળીને આ ઇન્ડેક્સ વિક્સાવ્યો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા પ્રમાણે, ડબલ્યુઆઈએફના સેક્રેટરી સુધાંશુ મિત્તલે કહ્યું, "આરએનઆઇ 154 દેશને કવર કરે છે, તે પારદર્શક અને વૈશ્વિક સ્તર પર મેળવવામાં આવેલા ડેટા પર આધારિત છે."

સ્પેન ટ્રેન અકસ્માત : મરણાંક 40 થયો, વડા પ્રધાને શું કહ્યું?

સ્પેનમાં બે હાઇસ્પીડ ટ્રેન વચ્ચેના અકસ્માતમાં મરણાંક 40 પર પહોંચ્યો છે. અકસ્માતમાં 120 કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા.

આ મુદ્દે સ્પેનના વડા પ્રધાન પેદ્રો સાંચેઝે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

પેદ્રો સાંચેઝે કહ્યું છે કે શા માટે અકસ્માત થયો, તેના કારણોની પારદર્શકતા સાથે તપાસ કરવામાં આવશે.

સ્પેનના અધિકારીઓએ આ મામલે કોઈ માનવીય ચૂકની શક્યતાને નકારી કાઢી છે. છેલ્લા એક દાયકા દરમિયાન સ્પેનમાં થયેલો આ સૌથી મોટો રેલ અકસ્માત છે.

રાહત અને બચાવકર્મીઓએ ટ્રેનનો કાટમાળ હઠાવવાની તથા તેમાં કોઈ ફસાયું હોય, તો તેને બહાર કાઢવાની કવાયત હાથ ધરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન